ઔર યે મૌસમ હંસીં…: ‘દસ્વીદાનિયા’ એટલે માત્ર ફિર મિલેંગે નહીં, પણ…દેવલ શાસ્ત્રી

‘દસ્વીદાનિયા’ શબ્દ મહદઅંશે ભારતીયોએ ‘મેરા નામ જોકર’માં રશિયન સર્કસ ગર્લ પાસે સાંભળ્યો હતો. એ રશિયન હીરોઈન રાજ કપૂરને વિદાય વેળાએ ‘દસ્વીદાનિયા’ કહે છે અને રાજ કપૂર ફિલ્મમાં અર્થ સમજાવે છે કે ‘દસ્વીદાનિયા’ એટલે ફિર મિલેંગે…. હાસ્ય ક્લાકાર વિનય પાઠકની ‘દસ્વીદાનિયા’ નામની એક ફિલ્મ આવી હતી. વિનય પાઠકને અચાનક કેન્સર થાય છે અને જિંદગીમાં કેટલીક અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાની વાત કહેવામાં આવી છે.
રશિયન સંસ્કૃતિમાં માનવીય અને સામાજિક સંબંધોનું ખૂબ મહત્ત્વ છે. ‘દસ્વીદાનિયા’ માત્ર વિદાયનો શબ્દ નથી, પરંતુ તેમાં ફરી એક વાર મળવાની આશા અને ઉમંગ છુપાયેલો છે કે ભવિષ્યમાં ફરીથી ચોક્કસ મુલાકાત થશે.
આમ જુઓ તો ‘દસ્વીદાનિયા’નો પૂર્ણ અર્થ આ રીતે છે :
‘દસ્વીદાનિયા’ એટલે માત્ર ફિર મિલેંગે નહીં, પણ ફરી મળીએ ત્યારે નવો જોવા મળે…!
આ શબ્દમાં ‘આવજો’ના ભાવ સાથે કાયમી વિદાયની વાત નથી, પણ સંબંધોનું મૂલ્ય આજીવન છે એવો નિર્દેશ છે. જિંદગીના લાગણીભર્યા સંબંધને ભૌતિક અંતર કે વિરહ કશું બગાડી શકતો નથી.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… સ્મશાન વૈરાગ્ય: ક્ષણિક આવીને ભાગી કેમ જાય છે?
બંગાળી ભાષાની ક્લાસિક ફિલ્મ ‘ધ જાપાનીસ વાઈફ’માં દાયકાઓ સુધી ફક્ત પત્રવ્યવહારથી સંબંધની કેમેસ્ટ્રી ટકે છે. ક્યારે મળીશું એ પણ નક્કી નથી. આ પણ કદાચ ‘દસ્વીદાનિયા’ની સચ્ચાઈ છે.
રશિયન શબ્દ ‘દસ્વીદાનિયા’ ફરી મળવા માટેની વાત કરે છે. રશિયન દાર્શનિક સાહિત્યમાં તેમજ દોસ્તોવ્સ્કી, તોલ્સટોય અને ચેખોવના સાહિત્ય દર્શનમાં સમયની ક્ષણિકતા અને જીવનની ગહનતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચેખોવની વાર્તામાં વિદાય વેળા ‘દસ્વીદાનિયા’ થકી એક આશા વ્યક્ત કરવામાં આવતી હતી. ‘દસ્વીદાનિયા’ થકી એક વાતને સરળ શબ્દમાં શીખવાડવામાં આવી છે કે જિંદગીમાં ક્ષણ પૂરી થાય છે, આપણી પાસે નાનકડો વિરામ છે. જિંદગીના સદાય વહેતા પ્રવાહમાં પ્રત્યેક પળને સંબંધો અને યાદના જોર પર ઉજવવી એ ‘દસ્વીદાનિયા’ છે. એ અલગ વાત છે કે વિશ્વની દરેક ભાષામાં ‘દસ્વીદાનિયા’નો ઉચ્ચાર અલગ અલગ રીતે કરવામાં આવે છે.
વિશ્વના ઇતિહાસનો અભ્યાસ કરતાં હશે એમને ખબર હશે કે રશિયાનો ઇતિહાસ યુદ્ધો, સ્થળાંતર અને ઠંડી જેવા વિકટ સંજોગોથી ભરેલો છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિના ટકી રહેવા કે જીવિત રહેવા અંગે શંકાઓ થવી સ્વાભાવિક છે. આવી અનિશ્ર્ચિત પળોમાં ‘દસ્વીદાનિયા’ કહીને એક ભાવના વ્યક્ત થતી હતી કે કોઈ પણ વિદાય કાયમી નથી.
‘દસ્વીદાનિયા’ શબ્દના ઉલ્લેખ કરીને લખાયેલી વાતોને રશિયન લેખકોએ અદભુત રીતે દર્શાવી છે. આ કથાઓનો ભાવાનુવાદ દુનિયાભરની ભાષાઓમાં પ્રસિદ્ધ થયો ત્યારે અદભુત શબ્દ ‘દસ્વીદાનિયા’ના અનેક અર્થ અલગ અલગ લેખકોએ પોતાની રીતે વ્યક્ત કર્યા છે.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : રાજનીતિની ચર્ચા જરૂર કરો, પણ સાથે થોડી જાણકારી પણ રાખો!
બે પરિવાર વચ્ચે પ્રેમ, મિત્રતા, પારિવારિક સંબંધ હોય ત્યારે વિદાય કામચલાઉ હોય છે, ફરી મળવાની આશા તીવ્ર રહે છે. ‘દસ્વીદાનિયા’ થકી લાગણીઓનો આ ભાવ યુવા હૈયાઓમાં સૌથી વધુ જોવા મળે છે. દરેક વિદાય વખતે પોતાની ગમતી વ્યક્તિને ગુમાવવાનો ડર હોય છે. ઓફિસના કામે જતા પિતાને જોઈને બાળક ડરતું હોય છે કે સેનામાં સેવા આપવા જતા જવાનને જોઈને માતાના હૈયામાં કેટલીક અગમ્ય શંકા આવતી હોય છે. સ્વાભાવિક છે કે યુવાનોમાં જીવન પ્રત્યેનો આશાવાદ અને ભવિષ્યની અપેક્ષાઓ વધુ હોય છે. ‘દસ્વીદાનિયા’ જેવો શબ્દ એમના માટે રોમેન્ટિક મોસમ બની જાય છે, જે ફરી મળવાની એટલીસ્ટ ખાતરી આપે છે. રશિયન સંસ્કૃતિમાં ‘દસ્વીદાનિયા’ એક એવી અભિવ્યક્તિ છે, જે જિંદગીમાં ફરી મળવાનો વિશ્વાસ આપે છે. ‘મેરા નામ જોકર’માં રશિયન હીરોઈન ફિલ્મના અંતે ફરી મળવા માટે આવે છે.
વિશ્વ સાહિત્યમાં ‘દસ્વીદાનિયા’ એ ફક્ત એક શબ્દ કે અર્થ નથી, પણ દાર્શનિક વિચાર છે. એ શબ્દ રશિયન સંસ્કૃતિનો વૈચારિક પ્રતિનિધિ તરીકે વપરાય છે. જાપાન અને યુરોપના લેખકોએ ‘દસ્વીદાનિયા’નો સાર્થક ઉપયોગ કર્યો છે. બોરિસ પાસ્તેર્નાકની ડોક્ટર ઝિવાગોમાં ‘દસ્વીદાનિયા’ શબ્દ થકી યુદ્ધની અનિશ્ર્ચિતતા અને વિરહની વાત કહીને તેના અનુવાદ દ્વારા વિશ્વભરમાં પહોંચાડ્યો. આ શબ્દ વિશ્વ સિનેમામાં ઉપયોગમાં લેવાયો છે. ખાસ બીજા વિશ્વયુદ્ધની પશ્ર્ચિમી ફિલ્મોએ એનો બખૂબી ઉપયોગ કર્યો છે. અમેરિકા રુસના શીત યુદ્ધ દરમિયાન બનેલી હોલિવૂડ ફિલ્મો હોય કે જેમ્સ બોન્ડ ફિલ્મોમાં રશિયન પાત્રોની ઓળખ માટે ‘દસ્વીદાનિયા’ શબ્દ વપરાયો છે. ફ્રેન્ચ ફિલ્મ ‘એમિલી’ એ હોય કે જાપાનની ‘યોર નેમ’ જેવી ક્લાસિક પ્રેમકથામાં ‘દસ્વીદાનિયા’નો અદ્ભુત પ્રયોગ થયો છે.
બીજી બાજુ, ભારતીય સિનેમામાં આ ‘દસ્વીદાનિયા’ શબ્દ બે વખત પ્રચલિત થયો. ‘મેરા નામ જોકર’માં અને વિનય પઠકની ‘દસ્વીદાનિયા’ નામની ફિલ્મમાં…. એ ફિલ્મમાં આ શબ્દનો જીવનની ફિલોસોફી શીખવવા ઉપયોગ કર્યો છે. મૃત્યુ તરફ જતી વ્યક્તિને કેટલાંક સપનાં છે. લાલ રંગની કાર ખરીદવી છે… વિદેશ પ્રવાસે જવું છે… પોતાના બાળપણના પ્રેમને મળી અને એની સામે લાગણીઓ વ્યક્ત કરવી છે…. પોતાના નાના ભાઈ સાથેના સંબંધને સુધારીને માતાને સુખી જોવી છે…..
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : સ્થાપત્ય ફક્ત ઇમારત નથી, એ જિંદગીની કવિતા પણ છે!
આ સપનાં પૂરાં કરવા માટે વિનય પાઠકની ‘દસ્વીદાનિયા’ ફિલ્મ તેના ટાઇટલને સાર્થક કરે છે. ફિલ્મમાં તેનું નામ અમર છે, પણ થોડા સમયમાં એ મૃત્યુ પામવાનો છે. અમરની વાર્તા એક એવા માણસની છે, જે મૃત્યુની સભાનતા સાથે જીવનનો અર્થ શોધવા નીકળ્યો છે. પોતાનું મૃત્યુ નજીક હોવા છતાં અમરની અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કાબિલેતારીફ છે.
આપણા પ્રિયજનો સાથે સમય વિતાવીને એમની નાની – મોટી ભૂલોને ભૂલીને હંમેશાં ખુશીઓ વ્યક્ત કરતાં રહીએ અને મજાની જિંદગી જીવવાનો એક પ્રયાસ કરવો જોઈએ. માણસે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવાના પ્રયાસ સાથે આંતરિક શાંતિ અને પરિપૂર્ણતા શોધવી એ ‘દસ્વીદાનિયા’ છે. સુખને શોધવા માટે સરળ માર્ગ છે વર્તમાનનું મૂલ્ય સમજવું અને આપણી ઈચ્છાઓને પૂરી કરવી.
ધ એન્ડ
ઇટાલિયન ભાષામાં ફિશિદયમયભિશ નો અર્થ ફરી મળવા સુધી થાય છે, જેમાં વિદાય પછી ઉષ્માજનક સંબંધની નિકટતા જળવાતી રહે અને ફરી ફરી મળતાં રહી એની આશા છુપાયેલી છે.