કચ્છી ચોવક : બંધ મૂઠી લાખની, ઉઘાડી વા ખાય!

-કિશોર વ્યાસ
ઈશ્ર્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવું આપણે બોલીએ, સાંભળીયેં અને સમજીએં છીએં. કચ્છી ચોવકમાં એ હકીકત આ રીતે વણાયેલી છે: ‘જન ડે જનેતા પ કરમ ડે કિરતાર’ ભાવાર્થ છેકે, માત્ર વૃક્ષનાં પાંદડાં જ નહીં પણ માનવજીવન પણ ઈશ્ર્વરકૃપાથી જ ચાલતું હોય છે. શબ્દ છે: ‘જનમ ડે જનેતા’ એટલે કે માતા જન્મ આપે છે. ‘પ’ એટલે પણ અને આ શબ્દસમૂહ ‘કરમ ડે કિરતાર’નો અર્થ છે: જીવન ઈશ્ર્વરના હાથમાં જ હોય છે.
ઘણા લોકોની જબાન કડવી હોય છે. વક્ર હોય છે. ઘણા લોકો બહુ બોલતા હોય છે. ઘણા બોલવામાં થાપ ખાઈ જાય છે. માણસ કેવું બોલે છે, તેના પરથી તેનું સ્થાન નક્કી થાય છે. કક્ષા નક્કી થાય છે. જબાન એટલે જીભ. આપણે કહેતા હોઈએ છીએં કે, ‘લૂલી પર લગામ’ જરૂરી હોય છે. એજ જીભ ઘોડે પણ ચઢાવે અને એજ જીભ ગધેડે પણ બેસાડે! ચોવક પ્રચલિત છે: ‘ઈજ જિભ ઘોડે ચડાય, ઈજ જિભ ગડોડે ચડાય’ ‘જિભ’ એટલે જીભ. અને એક અજાણ્યો શબ્દ તમારા મારે કદાચ હોઈ શકે: ‘ગડોડે’ તેનો અર્થ થાય છે, ગધેડા પર!
એક અદ્ભુત ચોવક છે: ‘ધૂડ વગર ધાણી ન ને વા વિગર પાણી ન’ ‘ધૂડ’ એટલે ધૂળ. ‘ધાણી’ એટલે પણ ધાણી, જે ભઠ્ઠી પર રેતી સાથે શેકવામાં આવે છે, જેને આપણે ‘રૂલા’ પણ કહીએ છીએં. ‘વા’નો અર્થ છે પવન. શબ્દાર્થ થાય છે: ધૂળ વગર ધાણી ન શેકાય અને પવન વગર વરસાદ (પાણી) ન હોય! પરંતુ ચોવકને કહેવું એટલું જ છે કે, બધું વાતાવરણ (સંજોગ) પ્રમાણે થાય.
‘ડીં ડીં કે ખેંધા અચેં’ બહુ સરસ ચોવક છે. ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએં કે, “સમય જતાં વાર નથી લાગતી”. એજ વાત ચોવક આ રીતે કરે છે. ‘ડીં’ એટલે દિવસ. ‘ખેંધા’નો અર્થ થાય છે, ખાય છે, ખાઈ જાય છે અન ‘અચેં’ જાયના અર્થમાં અહીં પ્રયોજાયેલો શબ્દ છે. શબ્દાર્થ સરળ થઈ ગયો. દિવસ દિવસને ખાઈ જાય છે. એવા જ અર્થમાં ભાવાર્થ છે કે સમય ઝડપથી નીકળી જવો!
માણસમાં જે સ્વભાવ દોષ હોય છે, એ કૂતરાની પૂંછડી જેવો હોય છે. પૂંછડી સીધી કરવાના હજારો પ્રયાસ કરવા છતાં વાંકી જ રહે છે તેજ રીતે કોઈ માણસોના સ્વભાવ દોષ લાખ પ્રયત્નો પછી પણ દૂર નથી થતો. એટલે જ આપણામાં કહેવત છે કે, ‘પ્રકૃતિ અને પ્રાણ ભેગા જ જાય’! એવી જ રીતે ચોવક પણ કહે છે કે, ‘પ્રાણ નેં પ્રકૃતી ભેરા વિંઝે’.
આપણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ
ઘણી કહેવતો અને ચોવકો સરખી જ હોય માત્ર તેમાં ભાષાનો ફરક જોવા મળે છે. ગુજરાતીમાં કહેવત છે કે ‘બાંધી મુઠી લાખની ખુલે તો વા ખાય’ એજ ભાવાર્થ સાથેની ચોવક પણ છે: ‘ભંધ મુઠ લખજી, ખુલઈ ત કખજી’ ‘ભંધ’ એટલે બંધ. મુઠીને કચ્છીમાં મુઠ કહેવાય. ‘લખજી’ એટલે લાખની. ‘ખુલઈ ત’ આ બે શબ્દોનો સમૂહ છે જેનો અર્થ થાય છે: ખુલી જાય તો! ‘કખજી’ ‘કખ જી’ આ પણ બે શબ્દોનો સમૂહ છે, જેનો અર્થ થાય છે: તણખલા જેવી (અહીં જેટલી). બાંધી મૂઠીની કિંમત લાખની (એટલે કે અમોલ) અને જો મુઠી ખુલી જાય તો તેની કિંમત તણખલા જેટલી થઈ જાય છે. પણ મૂઠીમાં શું હોય છે, જે અમૂલ્ય છે? વાત છે કોઈ એક ખાસ વાતની. જે કોઈને કહેવાની નથી હોતી! અને જો ન રહેવાય અને કોઈને કહેવાઈ જાય તો તેનો જે ભેદ છે તે જાહેર થઈ જાય! વળી, બીજા અર્થમાં કહીએં તો, મુઠી ખુલી જવી એટલે માણસ ઓળખાઈ જવો! તેની અસલિયત બહાર આવી જવી!