પાકિસ્તાનમાં ન્યુક્લિયર લીકેજ ? અમેરિકાએ આપ્યું આ નિવેદન

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકાનું એક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનના કિરાણા હિલ્સ સ્થિત પરમાણુ સુવિધામાંથી રેડીયોએક્ટિવ રેડીએશન થઇ રહ્યું છે તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે.
જેની તપાસ માટે અમેરિકન વૈજ્ઞાનિકો ખાસ વિમાનમાં પાકિસ્તાન પહોંચ્યા છે. આ અંગે અમેરિકાએ કોઇપણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, ભારતીય સેનાએ કિરાના હિલ્સમાં સ્થિત સૌથી સંવેદનશીલ પરમાણુ સુવિધાને નિશાન બનાવવાના દાવાવાળા અહેવાલોને પહેલાથી જ નકારી કાઢ્યા છે.
આપણ વાંચો: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશની 4 ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ
ભારતની હુમલા અંગે સ્પષ્ટતા
12 મેના રોજ ભારતના એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ ભારતીએ એક પ્રેસ બ્રીફિંગમાં સ્પષ્ટતા કરી હતી કે “અમે કિરાણા હિલ્સ પર હુમલો કર્યો નથી. તેમણે મજાકમાં કહ્યું હતું કે, કિરાના હિલ્સમાં પરમાણુ સુવિધા છે તે જણાવવા બદલ આભાર. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો.
હવાઈ હુમલા કર્યા પછી આ અફવાઓ ફેલાઈ હતી
આ અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા થોમસ પિગોટે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમની પાસે હાલમાં પૂર્વાવલોકન કરવા માટે કંઈ નથી. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે સરગોધા અને નૂરખાન એરબેઝ સહિત અનેક પાકિસ્તાની એરબેઝ પર ચોકસાઈભર્યા હવાઈ હુમલા કર્યા પછી આ અફવાઓ ફેલાઈ હતી.
આપણ વાંચો: ભારત પાકિસ્તાન તણાવની શેરબજાર પર પણ અસર, બે દિવસમાં 7 લાખ કરોડનું ધોવાણ
સરગોધા એરબેઝ કિરાના હિલ્સથી 20 કિલોમીટર દૂર
આ બંને એરબેઝ પરમાણુ સંબંધિત માળખાગત સુવિધાઓની ખૂબ નજીક છે. રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટરથી માત્ર થોડા કિલોમીટર દૂર છે અને સરગોધા એરબેઝ કિરાના હિલ્સથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ પછી જ સોશિયલ મીડિયા પર દાવા થવા લાગ્યા કે ભારતના બોમ્બમારાથી પાકિસ્તાનના પરમાણુ સુવિધાને નુકસાન થયું છે.
સીધી વાતચીતને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ
યુદ્ધવિરામ અંગે થોમસ પિગોટે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિનો માર્ગ પસંદ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની પ્રશંસા કરી છે. અમે યુદ્ધવિરામ જાળવી રાખવા માંગીએ છીએ અને અમે બંને વડા પ્રધાનો વચ્ચે સીધી વાતચીતને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. અમારું ધ્યાન સીધી વાતચીતને પ્રોત્સાહન આપવાનું છે.