અમદાવાદ

માવઠાનો માર: ખેતીની સાથે ગુજરાતના મીઠા ઉદ્યોગને પણ મોટું નુકસાન

અમદાવાદ: છેલ્લા અઠવાડિયામાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉનાળા દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે.

ઉનાળુ બાજરી અને તલ તથા કેરી જેવા બાગાયતી પાકને ભારે નુક્શાન પહોંચ્યું છે. આ ઉપરાંત કમોસમી વરસાદને કારણે ગુજરાતના મીઠા ઉદ્યોગને માઠી અસર (Unseasonal rain hit salt production in Gujrat) પહોંચી છે.

કમોસમી વરસાદને કારણે મીઠાના અગરમાં પકાવેલું મીઠું ધોવાઈ ગયું હતું. જેના કારણે મીઠાના ઉત્પાદકો અને અગરમાં કામ કરતા હજારો કામદારો મુશ્કેલીમાં મુકાયા છે.

આપણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IS-MA) ના તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા બે અઠવાડિયામાં ગુજરાતના મીઠા ઉદ્યોગને 1.64 લાખ મેટ્રિક ટન (MT)મીઠાનું અંદાજિત નુકસાન થયું છે. ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મીઠા ઉદ્યોગને સૌથી વધુ અસર પહોંચી છે.

ગુજરાતમાં મીઠાનું હર્વેસ્ટિંગ સામાન્ય રીતે ઓક્ટોબરથી મે સુધી ચાલે છે, ત્યાર બાદ ચોમાસાની ઋતુ મીઠું પકાવી શકાતું નથી. એપ્રિલ અને મે મહિનામાં સૌથી વધુ મીઠું પાકે છે. પરંતુ મે મહિનાની શરૂઆતમાં અણધાર્યા વરસાદને કારણે મીઠું અગરમાં પડેલું મીઠું ધોવાઈ ગયું હતું.

આપણ વાંચો: ગુજરાતના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ…

આ વિસ્તારોમાં મોટું નુકશાન:
કમોસમી વરસાદને કારણે ખાસ કરીને ભાવનગરમાં મીઠા ઉદ્યોગને માઠી અસર પહોંચી છે. આ સિવાય, જંબુસર, દહેજ, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના માળિયા, કચ્છના નાના રણ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે મીઠાના અગરોને નુકશાન પહોંચ્યું હતું.

અચાનક તૂટી પડેલા વરસાદને કારણે મીઠાંના અગર ધોવાઈ ગયા, પાણી ખેંચવાની મોટર્સ અને પમ્પ ખરાબ થઇ ગયા, પવાર લાઈનને પણ ભારે નુકશાન પહોંચ્યું.

IS-MA એ રાહત અને વળતર માટે જીલ્લા અને રાજ્ય સ્તરે અપીલ કરી છે. IS-MA મુખ્ય પ્રધાન અને મીઠા ઉદ્યોગ પ્રધાનનો પણ સંપર્ક કર્યો છે.

આપણ વાંચો: આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગાજવીજ સાથે પડશે વરસાદ…

ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન ઘટશે:
નોંધનીય છે કે ભારતના કુલ મીઠાના ઉત્પાદનના 80% થી વધુ મીઠું ગુજરાતમાં પાકે છે. વર્ષ 2024 માં ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન સાત વર્ષના ટોચ પર પહોંચ્યું હતું. કમોસમી વરસાદને થયેલા નુકશાનને કારણે આ વર્ષે ગુજરાતના મીઠા ઉત્પાદનમાં લગભગ 6% ઘટાડો થાય એવી શકયતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button