ઇન્ટરનેશનલનેશનલ

ટ્રમ્પે ફરી જમાદાર બનવાનો પ્રયાસ કર્યો; ભારત અને પાકિસ્તાનને સાથે ડીનર કરવા કહ્યું

રિયાધ: અઠવાડિયા સુધી ચાલેલા લશ્કરી તણાવ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ (India-Pakistan Ceasefire) માટે સંમત થયા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અગાઉ દાવો કરી ચુક્યા છે કે તેમની મધ્યસ્થીથી બંને દેશો શાંતિ જાળવવા સંમત થયા હતાં. જોકે ભારતે આ દાવાને ફગાવી દીધો હતો, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને દેશ વચ્ચે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેવલની વાતચીતમાં યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં ટ્રમ્પ યુદ્ધ વિરામ કરાવવાનો શ્રેય લઇને ‘જગત જમાદાર’ બનવા ઈચ્છે છે. તેમણે ફરી ભારત અને પાકિસ્તાનને વણમાંગી સલાહ આપી છે.

https://twitter.com/i/status/1922517603366367451

ગઈ કાલે ટ્રમ્પ સાઉદી અરેબિયાની મુલાકતે હતાં. આ દરમિયાન એક સંબોધનમાં ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને તેમની સરકારની શાંતિ સ્થાપવાની સિદ્ધિ ગણાવી હતી. તેમણે તો એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે ડિનર કરવા બેસવું જોઈએ જેથી તણાવ હજુ પણ ઓછો થઈ શકે.

સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની હાજરીમાં રિયાધમાં યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે બે ન્યૂક્લિયર આર્મ્ડ પડોશીઓ વચ્ચે ન્યૂક્લિયર વોર યુદ્ધ ટાળવામાં અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આપણ વાંચો:  ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક, ગ્લોબલ ટાઇમ્સના એકસ હેન્ડલ પર પ્રતિબંધ

વેપારનો ટૂલ તરીકે ઉપયોગ કર્યો:

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “થોડા દિવસ પહેલા જ, મારા વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક યુદ્ધવિરામ કરાવ્યો. અમે તે માટે વેપારનો ટૂલ તરીકે ઉપયોગ કર્યો. મેં કહ્યું, મિત્રો, ચાલો વેપાર કરીએ. પરમાણુ મિસાઇલોનો નહીં, પરંતુ તમે જે વસ્તુઓ સુંદર રીતે બનાવો છો તેનો. બંને દેશોમાં ખૂબ જ મજબૂત અને સમજદાર નેતાઓ છે. યુદ્ધ બંધ થઈ ગયું. આશા છે કે તેઓ આ રીતે જ રહેશે.”

ભાષણ દરમિયાન ટ્રમ્પે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયો તરફ વળ્યા અને કહ્યું, “મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે બધું ઠીક છે. કદાચ આપણે તેમને થોડા વધુ નજીક લાવી શકીએ. શા માટે તેમને સાથે ડિનર પર ન મોકલીએ? આ કેટલું સરસ કહેવાય? પરંતુ આપણે ઘણું બધું કરી ચુક્યા છીએ. નાના પાયે શરૂ થયેલો સંઘર્ષ, દિવસેને દિવસે મોટો અને મોટો થતો ગયો હોત અને યુદ્ધને કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા હોત.”

ભારતે ટ્રમ્પના દાવા નકારી કાઢ્યા:

ભારત સરકારે ટ્રમ્પે કરેલા દાવાને નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેની પરસ્પર વાટાઘાટો દ્વારા લેવામાં આવ્યો હતો. આમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી. યુદ્ધવિરામ કરાવવા માટે અમેરિકાએ વેપારને રોકવાની ધમકી આપી હોવાના દાવાને પણ ભારતે ફગાવી દીધો હતો.

ભારતે દાવા ફગાવ્યા છતાં ટ્રમ્પ પરાણે જમાદાર બનવાની કોશિશ કરી રહ્યા છે. અગાઉ પણ તેમણે કાશ્મીર મુદ્દા બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવાની ઓફર કરી હતી, જેણે ભારતે સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button