ભુજ

શેર બજારમાં ટ્રેડિંગના નામે આદિપુરના વ્યક્તિ સાથે ૩૯.૯૦ લાખની ઓનલાઇન ઠગાઈ

ભુજઃ જાણીતી ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓના નામે સાયબર ઠગો દ્વારા ડેવલોપ કરેલા મોબાઈલ એપ અને વેબસાઈટ મારફતે રોકાણકારોને શેર બજારમાં ઊંચું વળતર મળવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયાનું રોકાણ કરાવીને આ ઓનલાઈન સાયબર ગઠિયાઓએ આદિપુરના એક વ્યક્તિ સાથે ૩૯.૯૦ લાખની છેતરપિંડી આચરી હોવાનો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી છે.

મૂળ કોલકતાના અને હાલે આદિપુર શહેરના અર્બુદા નગરમાં રહેતા ૫૧ વર્ષિય સંદિપ મુખરજીએ સાયબર પોલીસને જણાવ્યું હતું કે, તે વરસાણા પાસે આવેલા એક ઔદ્યોગિક એકમમાં સિનિયર એચઆર મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈ તેમણે ગત ઓગસ્ટ માસમાં ગૂગલ પર ઊંચા વળતર મેળવી આપતી ઇન્વેસ્ટમેન્ટ કંપની વિશે જાણવા માટે સર્ચ કર્યું હતું. ત્યારબાદ તેમને રાશિ ગુપ્તા નામની મહિલાનો ફોન આવ્યો હતો જેમાં પોતે સિટાડેલ સિક્યોરીટીઝ નામની ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી હોવાનું કહી, વિશ્વાસ કેળવી ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ કેમ કરવું તે અંગે માહિતી આપી હતી.

ખાતરી કરવા માટે સંદીપને કંપનીની વેબસાઈટની યુઆરએલ એટલે કે એડ્રેસ આપ્યું હતું. ફરિયાદીએ એ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી, નવેમ્બર માસ સુધીમાં જુદાં જુદાં ટ્રાન્ઝેક્શન થકી નાણાંનું રોકાણ કર્યું હતું. આ દરમ્યાન રાશિ ગુપ્તાએ કંપનીની મોબાઈલ એપ ડાઉનલોડ કરાવી એક વોટસએપ ગૃપમાં પણ એડ કર્યા હતા. રોકાણ સામે મળેલા નફાની જમા રકમને ઉપાડવા જતાં તેમને મેનેજમેન્ટ ફી પેટે ૧૧ લાખ રૂપિયા જમા કરાવવાનો સંદેશ આવતાં શંકા જતાં તેમણે ગત તા. ૨૮-૧૧-૨૦૨૪ના રોજ ઓનલાઈન સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં દરેક કર્મચારીના આઈડી પ્રૂફ પોલીસમાં કરાવવા પડશે જમા, સરકાર બહાર પાડશે એસઓપી

ત્યારબાદ એન્જલ વન સિક્યોરીટીઝ નામની અન્ય એક કહેવાતી ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાંથી અગાઉ જેમ જ અજાણી મહિલાની ફોન પર થયેલી વાતચીત પર ભરોસો કરીને ફરિયાદીએ ફરી પોતાના સહ કર્મચારી સંદિપ યાદવ સાથે મળીને ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ શરૂ કર્યું હતું. નફાની રકમને ઉપાડવાનો પ્રયાસ કરતાં કમિશનનો સંદેશ આવતાં આ કંપનીએ પણ પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવી જતાં ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે રાશિ ગુપ્તા, મીની નાયર અને શ્યામ રંજન નામના શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button