
નવી દિલ્હી: ભારતને આજે નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બી આર ગવઈને આજે બુધવારે સવારે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ (BR Gavai sworn in a CJI) લેવડાવ્યા હતાં.
આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાયાધીશ ગવઈને શપથ લેવડાવ્યા. તેમનો કાર્યકાળ 23 નવેમ્બર, 2025 સુધી એટલે કે 6 મહિનાથી થોડો વધારે રહેશે.
2010 માં ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણન સીજેઆઈ તરીકે નિવૃત્ત થયા પછી, બાદ જસ્ટિસ ગવઈ અનુસૂચિત જાતિ સમુદાયના બીજા CJI છે. તેઓ બૌદ્ધ ધર્મમાંથી આવતા દેશના પ્રથમ CJI છે.
આ મહાનુભાવો રહ્યા હાજર:
શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, એસ જયશંકર, પીયૂષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ વીપી ધનખર, ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વગેરે મહાનુભાવો હાજર હતા.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ સૂર્યકાન્ત, એજી મસીહ, પીએસ નરસિમ્હા, બીવી નાગરથના, બેલા ત્રિવેદી વગેરે પણ હાજર હતા.
આપણ વાંચો: આયાતી લક્ઝુરિયસ કારની ઓછી કિંમત દર્શાવીને 7 કરોડની ટેક્સ ચોરી, એકની ધરપકડ
કોણ છે જસ્ટિસ બી આર ગવઈ?
જસ્ટિસ બી આર ગવઈએ પૂરું નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે. જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1985 ના રોજ બારમાં જોડાયા અને 1987 સુધી બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.
જસ્ટિસ ગવઈને ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં Assistant Government Pleader અને Additional Public Prosecutor તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 જાન્યુઆરી, 2000 થી તેમને Public Prosecutor તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
14 નવેમ્બર, 2003ના રોજ, જસ્ટિસ ગવઈને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી અને 12 નવેમ્બર, 2005ના રોજ, તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા. તેમણે મુંબઈ ખાતે હાઈકોર્ટની મુખ્ય બેન્ચ અને નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની બેન્ચમાં સેવા આપી હતી. 24 મે, 2019 ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી.