ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

ચેહરા ક્યા દેખના હૈ, ક્યૂઆર કોડ દેખો ના…

હેન્રી શાસ્ત્રી

એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ કેટલીક બાબતે આપણો દેશ અઢારમી સદીમાં જીવે છે. એક તરફ ભારતીય લશ્કરમાં અધ્યક્ષ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ નામની બે જાંબાઝ મહિલા દેશનું ગૌરવવંતુ પ્રકરણ છે તો બીજી તરફ લગ્ન પછી ઘરની વહુરાણી વડીલો સમક્ષ લાજ કાઢી મોઢું સંતાડી રહે એવી જડભરત પ્રથા પણ જોવા મળે છે. જોકે, હરિયાણામાં બનેલી ઘટના આફતમાં અવસર શોધવાના કૌટુંબિક કિમીયાનું લાક્ષણિક ઉદાહરણ છે. રિવાજ અનુસાર નવી વહુના હાથ રસોઈમાં કેવા પાવરધા છે એ ચકાસવા એને શીરો બનાવવાની જવાબદારી સોંપવામાં આવે. જમવા આવેલા સગા – સંબંધીઓ વહુની રસોઈ ચાખી શુકનનો સવા રૂપિયો (આજના 100 – 200 કે 500) આપે. જોક, આજના આધુનિક જમાનામાં ‘કેશલેસ’ (ખિસ્સામાં રોકડનો દુકાળ) ફરતા મહેમાનો શુકન કરવાથી વંચિત ન રહી જાય એ માટે હરિયાણાની સોનલ નામની વહુરાણી મીઠાઈ પીરસતી વખતે સાથે કયૂઆર કોડની સગવડ પણ રાખી. પર્સ કે કેશ વગરના લોકો માટે ઓનલાઈન શુકન ટ્રાન્સફર કરવાની સુવિધા રાખી. સોનલનો આ વીડિયો ખાસ્સો વાઈરલ થઈ અનેક આગામી વહુરાણી માટે પ્રેરણા સાબિત થયો છે અને ‘પેટીએમ કરો, પેટપૂજા કરો’ જેવી પ્રતિક્રિયા પણ આવી છે. જુગાડમાં ભારત કા જવાબ નહીં.

કઝાકસ્તાનમાં ભાષા ક્રાંતિ

ગુજરાતીઓમાં લક્ષ્મીપ્રેમની તુલનામાં ભાષાપ્રેમ ઓછો છે, પણ પૃથ્વીના પટ પર એવા લોકો સુધ્ધાં વસે છે જેમને ભાષા માટે અનન્ય લાગણી છે. સાડા ત્રણ દાયકા પહેલાં સોવિયેત રશિયામાંથી છુટા પડેલા કઝાકસ્તાનમાં આ વર્ષે ભાષા ક્રાંતિ થવાની છે. છેલ્લાં 100 વર્ષમાં દેશની સત્તાવાર બારાખડી (ભાષાના મૂળાક્ષરો) ત્રણ વખત બદલવામાં આવ્યા બાદ હવે લેખિત ભાષાકીય વ્યવહાર સિરિલિકને બદલે લેટિનમાં કરવામાં આવશે. 28 વર્ષ સુધી દેશના પ્રેસિડેન્ટ રહેલા નુરસુલતાન નેઝરબેયેવે આપેલા કાર્યકારી આદેશનો અમલ હવે થવાનો હોવાથી જનતા ગેલમાં આવી ગઈ છે.

1936થી 1991 સુધી સોવિયેત રશિયાનો હિસ્સો રહેલા કઝાકસ્તાનમાં અગાઉ અરેબિયન લિપિમાં લખાતી કઝાક ભાષાનો ઉપયોગ થતો હતો. જોકે, સોવિયેત સંઘે લેટિન ભાષાના મૂળાક્ષરોનો વપરાશ શરૂ કર્યો હતો. અચાનક 1940માં રશિયન મૂળાક્ષરો પર આધારિત સિરિલિક ભાષાનો અમલ શરૂ કર્યો. આ લિપિમાં 42 અક્ષરો છે જેનો ડિજિટલ સર્વિસમાં ઉપયોગ મુશ્કેલ બની ગયો હતો એટલે તત્કાલીન પ્રેસિડેન્ટ નેઝરબેયેવે લેટિન ભાષાના મૂળાક્ષરો આધારિત ભાષાના ઉપયોગનો આગ્રહ રાખ્યો અને હવે એ આગ્રહ રાષ્ટ્રીય સ્તરે અમલમાં આવશે. ત્રણ વારના બદલાવથી કેટલાક લોકો પરેશાન છે તો એક વર્ગ એવો પણ છે જેનું માનવું છે કે લોકો ધીરે ધીરે ટેવાઈ જશે અને લાંબે ગાળે દેશને ફાયદો જ થશે. સોવિયેત રશિયામાંથી છૂટા પડેલા અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન પણ લેટિન મૂળાક્ષરોનો જ ઉપયોગ કરે છે.

નામમાં શું બળ્યું છે? બહુ બળ્યું છે, ભાઈ!

વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે ‘વોટ ઈઝ ઈન આ નેમ?’ (નામમાં શું બળ્યું છે?) પણ ચીનના હુનાન પ્રાંતમાં રહેવાસી 23 વર્ષના યુવકને પૂછશો તો ‘નામમાં બહુ બધું બળ્યું છે, ભાઈ!’ એમ કહી નામનો મહિમા ગાશે.

થયું છે એવું કે આ ભાઈસાહેબનો જન્મ થયો ત્યારે ‘ઓળી ઝોળી પીપળ પાન ફૈબાએ પાડ્યું ઝૂ યુનફેઈ’ નામની વિધિ તો રંગેચંગે પાર પડી ગઈ. જોકે, આઠેક વર્ષની ઉંમરે ‘આવું તો કંઈ નામ હોતું હશે? સાવ કોમન છે’ એવો બળાપો કાઢ્યો. એ દિવસથી એણે ‘નામ બદલાવ ઝુંબેશ’ શરૂ કરી જે આજદિન સુધી ચાલી રહી છે. છેલ્લાં 15 વર્ષમાં ચીની યુવક અનેક વાર નામ બદલી ચુક્યો છે અને હવે તો સરકારી કાર્યાલય પણ તોબા પોકારી ગયું છે. પહેલા એણે Zhu Yunfei નામ બદલી Zhu Que Xuan Wu રાખ્યું. થોડા વખત પછી વિચાર બદલાયો અને બે શબ્દ જોડી Zhu Que Xuan Wu Chi Ling નામ અપનાવ્યું. જોકે, આ અખતરો ખતરો બની ગયો, કારણ કે ઇન્ટરવ્યૂ દરમિયાન નામ વિચિત્ર લાગવાને કારણે એને નોકરી ન મળી. પછી ભાઈએ માતાની અટક નામની આગળ રાખી Zhou Tian Zi Wei Da Di એવું નામ ધારણ કર્યું. જોકે, ‘આ નામ સંવેદનશીલ છે’ એમ કહી પ્રશાસને નામ બદલવાની મંજૂરી ન આપી. 27 એપ્રિલે આપેલી નવી અરજીમાં યુવકે 48 ચાઈનીઝ કેરેક્ટરવાળા નામનો આગ્રહ રાખ્યો. ‘આટલા મોટા નામનો સમાવેશ આઈડી કાર્ડમાં નહીં કરી શકાય અને સરકારી કામકાજમાં મુશ્કેલી પડશે’ એવું કારણ આપી અરજી રિજેક્ટ કરવામાં આવી છે. હવે ભાઈસાહેબ નવું નામ શોધે છે કે પછી અનામી રહેવાનું પસંદ કરે છે એ જોવાનું છે.

પ્રયાગરાજમાં RRR નો અનોખો ત્રિવેણી સંગમ

‘બાહુબલી’વાળા સાઉથના ફિલ્મમેકર રાજામૌલીએRRR – Rise, Roar, Revolt લોક મનોરંજનની ફિલ્મ બનાવી તગડી કમાણી કરી લીધી. હવે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં લોકહિતની RRR – Reduce, Reuse, Recycle નામની પહેલ ગાજી રહી છે. અલબત્ત, અહીં ઉદ્દેશ જનતાનું એન્ટરટેઈનમેન્ટ કરી તગડી કમાણી કરવાનો નથી.

‘વેસ્ટમાંથી બેસ્ટ’ કલ્પના તમે જાણતા હશો. પ્રયાગરાજની જનતા ઘરમાં ઉપયોગ નહીં ધરાવતો સામાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટર પર જાતે આવી મૂકી જાય છે. કોર્પોરેશન એમાંથી વીણામણ કરી વાપરવા લાયક સામાન તારવી એને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડે છે. ગુજરાતીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સુધરાઈ તરીકે ઓળાખાય છે અને એના અર્થને સાર્થક કરી જન જીવનમાં સુધાર લાવવાનું કામ પ્રયાગરાજમાં થઈ રહ્યું છે. પ્રયાગરાજ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને જૂના માલનો યોગ્ય ઉપયોગ શીખવવા આરઆરઆર સેન્ટર શરૂ કર્યું હતું. જૂના કપડાં, જૂતાં, ચપ્પલ, પુસ્તકો, નોટબુક કે એવી વસ્તુ યોગ્ય સ્થિતિમાં હોવા છતાં જે લોકો એનો ઉપયોગ ન કરતા હોય તો એ ફેંકી ન દેતા સુધરાઈમાં જમા કરવા કહેવામાં આવ્યું છે. જમા થયેલી સામગ્રી તારવી સારી સ્થિતિમાં હોય છે તે જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવે છે. જે સામાન બિલકુલ ઉપયોગી નથી એ રિસાયકલ કરી અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે. પ્રયાગરાજ ગંગા, જમના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ માટે ખ્યાતનામ છે પણ Reduce, Reuse, Recycle તરીકે જાણીતો બનેલો આ નવો ત્રિવેણી સંગમ જનહિત સુધારવાનું ઉમદા કામ કરી રહ્યો છે.

આપણ વાંચો:  મગજ મંથન : પ્રવૃત્તિ વગરનું જીવન એક પડછાયા જેવું છે, નજરે પડે પણ એ જીવંત નથી…

લ્યો કરો વાત!
‘દિલ તો પાગલ હૈ, દિલ દીવાના હૈ’ અને ‘દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે’ જેવી પ્રેમની અભિવ્યક્તિને આંટી દે એવો કિસ્સો જાણો.
એક ડોક્ટર અને એક વકીલ બેઉ એક જ યુવતીના પ્રેમમાં દીવાના થયા. ડોક્ટર રોજ એક લાલ રંગનું મસ્ત ગુલાબ યુવતીને મોકલતો હતો, જ્યારે વકીલ રોજ એક એપલ પ્રેમિકાને ભેટ આપતો હતો. આવી વિચિત્ર ભેટ જોઈને પેલી સોહામણી યુવતી જરા ગૂંચવાઈ ગઈ. ઘણા બધા દિવસ આવું ચાલ્યું એટલે એણે વકીલને એક દિવસ પૂછી જ નાખ્યું, ‘પ્રેમમાં કોઈ ગુલાબ મોકલે એ તો સમજી શકાય એવી વાત છે, પણ ઇશ્ક અને ઍપલને શું સંબંધ છે?’ આ સવાલની રાહ જ જોઈ રહ્યો હોય એમ વકીલ તરત બોલ્યો કે ‘રોજ એક એપલ ખાવાથી ડોક્ટર દૂર રહે છે.!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button