ઈન્ટરવલ

મગજ મંથન : પ્રવૃત્તિ વગરનું જીવન એક પડછાયા જેવું છે, નજરે પડે પણ એ જીવંત નથી…

-વિઠ્ઠલ વઘાસિયા

માનવ જીવનની સફળતા માટે અનેક ગુણ જરૂરી હોય છે, પરંતુ તેમાં પ્રવૃત્તિ અર્થાત એક્ટિવિટી કે કાર્યશીલતા એ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં સતત લાગી રહેવું. કામથી દૂર ન ભાગવું અને જીવનને ગતિશીલ બનાવવું. માનવ જીવનમાં પ્રવૃત્તિ એ પ્રાણવાયુ સમાન છે, કારણ કે એ ના હોય તો જીવન રસહીન અને નિરર્થક બની જાય છે.
પ્રકૃતિ તરફ જો નજર દોડાવીએ તો દરેક તત્ત્વ પ્રવૃત્તિમય જ દેખાય છે. સૂર્ય ઊગે છે. ચંદ્ર ઊગે છે. નદીઓ વહે છે. પવન ફૂંકાય છે અને વૃક્ષો ઊગે છે….આ બધાં પ્રવૃત્તિનાં જીવંત ઉદાહરણ છે. જો આ તત્ત્વો સ્થિર થઈ જાય તો દુનિયાની વ્યવસ્થા જ બગડી જાય.

વિચારો કે સૂર્ય પોતાના નિત્યક્રમ મુજબ ઊગીને ગતિ ન કરે તો આ વિશ્વમાં કેવી અંધાધૂંધી સર્જાય? એ કલ્પના . નદીઓ વહેતી ન હોય તો? આ પૃથ્વી પર વૃક્ષો જ ન હોત તો? આમ દરેક તત્ત્વની પ્રવૃત્તિ એ મનુષ્ય જીવનનું પ્રેરકબળ છે. સૌ કોઈ મનુષ્ય આ જુએ છે, જાણે છે, સમજે છે તેમ છતાં પોતાના જીવનમાં આળસ ખંખેરીને પ્રવૃત્તિમય બનવાની તત્પરતા જોવા મળતી નથી. પ્રવૃત્તિ વગર વ્યક્તિ માત્ર એક શારીરિક આકાર બની રહે છે.

બીજી તરફ, પ્રવૃત્તિશીલ વ્યક્તિ નવા વિચારોને આત્મસાત કરે છે. અવરોધોનો સામનો કરે છે અને સફળતાની નવી ઊંચાઈ સુધી પહોંચે છે. ઈતિહાસ એનો સાક્ષી રહ્યો છે કે વિશ્વમાં જે લોકો મહાન બન્યા છે એ બધા પોતાને પ્રવૃત્તિ થકી જ ઓળખ ઊભી કરી શક્યા છે. સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષ તો અલ્પાયુમાં આભને આંબે એવું કામ કરી ગયા. વિશ્વના મહાન ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત પેટ્રોલ પંપના સામાન્ય ફિલર મેનથી શરૂ કરીને સતત પ્રવૃત્તિ અને મહેનતથી રિલાયન્સ કંપનીની સ્થાપના કરી, વિશ્વના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓમાં પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમનું જીવન જ દર્શાવે છે કે પ્રવૃત્તિથી કોઈપણ સપનાંને સાકાર કરી શકાય છે. ડો.એ.પી.જે અબ્દુલ કલામે વિજ્ઞાનના ક્ષેત્રમાં સતત કાર્યશીલ રહીને ભારતના ‘મિસાઈલ મેન’ બન્યા. રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી. એમનું જીવન સતત પ્રવૃત્તિનું જ્વલંત ઉદાહરણ છે.

પ્રવૃત્તિમય વ્યક્તિ સમયનો સાચો ઉપયોગ કરે છે, જ્યારે આળસુ વ્યક્તિ સમય વેડફી નાખે છે. વર્તમાન સમય સ્પર્ધા અને ઝડપનો સમય છે. જ્યારે તકનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રવૃત્તિશીલ રહેવું વધુ જરૂરી બન્યું છે. માત્ર ભણતર પર્યાપ્ત નથી પણ દરેક ક્ષેત્રે સતત પ્રયત્ન અને કાર્યશીલતા જરૂરી છે.

પ્રવૃત્તિ બાબતે ઘણાં ઉદાહરણ આપી શકાય. સમજો કે એક ગૃહિણી દિવસભર ઘરના તમામ કામ કરે છે. કુટુંબના સુખદ જીવન માટે સતત કાર્યશીલ રહે છે. ખેડૂત સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરે છે. ઠંડી,ગરમી કે વરસાદને ગણકાર્યા વગર પોતાના ખેતરમાં સતત પ્રવૃત્તિમાં રહે છે. તેની પ્રવૃત્તિથી જ અન્નનું ઉત્પાદન થાય છે. આ બધાં ઉદાહરણો દર્શાવે છે. કે જીવનમાં દરેક ક્ષેત્રે પ્રવૃત્તિ જરૂરી છે, પછી ભલે તે શિક્ષણ હોય, વ્યવસાય હોય, વિજ્ઞાન હોય કે ઘરેલું જીવન હોય, દરેક પરિસ્થિતિમાં કાર્યશીલતા સફળતા તરફ દોરી જાય છે. વર્તમાન સમયમાં નિવૃત્તિનો અર્થ એવો કરવામાં આવી રહ્યો છે કે નિવૃત્તિ એટલે બસ આરામ. ખાવું પીવું અને મોજ કરવાની, આ સિવાય કંઈ નહીં કરવાનું. હકીકતમાં નિવૃત્તિનો અર્થ માત્ર નોકરીમાંથી નિવૃત્ત થવાનો હોય છે, જીવનમાંથી નહીં. નિવૃત્તિ પછી વ્યક્તિ પાસે પોતાનો સમય, અનુભવ અને ક્ષમતા હોય છે, જેનો સમાજના હિત માટે ઉપયોગ કરી શકાય છે. શિક્ષણ ક્ષેત્રે નિવૃત્ત શિક્ષકો ગામડામાં જઈને બાળકોને મફત ભણાવવાનું કાર્ય પણ કરી શકે છે. એમના અનુભવથી બાળકોને સારી દિશા મળે છે. નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે અન્ય નિષ્ણાત નિવૃત્ત લોકો એનજીઓ, અનાથાલયો કે વૃદ્ધાશ્રમોમાં સેવાભાવથી કામ કરી શકે છે. પોતાના જીવનની કુશળતા અને આવડત સમાજને પાછી આપી શકે છે. લેખન અને પ્રવચન દ્વારા પણ યુવા વર્ગ અને સમાજ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય થઈ શકે છે. નિવૃત્તિ જીવનનો વિરામ નથી પણ નવી શરૂઆત છે. પ્રવૃત્ત નિવૃત્ત લોકો આજના યુગમાં જીવંત પુસ્તક સમાન છે. એ સમાજને બોધ આપે છે કે જ્યાં સુધી શ્વાસ છે, ત્યાં સુધી પ્રયાસ કરવો જરૂરી છે.

પ્રવૃત્તિ વગરનું જીવન એક પડછાયા જેવું છે. નજરે તો પડે પણ જીવંત નથી તેથી દરેક મનુષ્યએ પોતાના જીવનમાં પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ.

આપણ વાંચો:  ઔર યે મૌસમ હંસીં… સ્મશાન વૈરાગ્ય: ક્ષણિક આવીને ભાગી કેમ જાય છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button