પંજાબ-દિલ્હીની અધૂરી રહેલી મૅચ 24મી મેએ ફરીથી રમાશે…

મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ ત્રણ જ દિવસમાં પાકિસ્તાનની પછડાટ સાથે શમી જતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની બાકી રહેલી 17 મૅચનો રાઉન્ડ 17મી મેએ શરૂ થશે અને 18 દિવસમાં પૂરો કરી નાખવામાં આવશે. નવા શેડ્યૂલની વિશેષતા એ છે કે એમાં એ મૅચ સામેલ છે જે યુદ્ધની શરૂઆત સમયે અધવચ્ચેથી અટકાવી દેવી પડી અને અનિર્ણીત જાહેર કરાઈ હતી.
ગુરુવાર, આઠમી મેએ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની મૅચ રમાઈ રહી હતી અને પાકિસ્તાને ડ્રૉન હુમલા શરૂ કરી દેતાં એ મૅચમાં પંજાબની ઇનિંગ્સમાં 122/1ના સ્કોર વખતે 10.1 ઓવર થઈ હતી ત્યારે રમત અટકાવી દેવાઈ હતી, પહેલાં તો ફ્લડલાઇટ ડિમ કરી દેવાઈ હતી અને 25,000 પ્રેક્ષકો ભયભીત થઈ જતાં નાસભાગની કોઈ ઘટના ન બને એ હેતુથી લાઇટ કોઈ ટેક્નિકલ ખરાબીને લીધે બંધ કરી દેવાઈ એવું જાહેર કરાયું હતું અને પછી થોડા-થોડા કરીને બધા પ્રેક્ષકોને માત્ર 20 મિનિટની અંદર સલામત રીતે સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યા હતા
અને તેઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. ખેલાડીઓને 40થી 50 વાહનોમાં હોશિયારપુર થઈને જલંધર લઈ જવાયા હતા અને ત્યાંથી ખાસ ટ્રેનમાં દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં હોટેલમાં થોડો સમય રહ્યા બાદ તેમણે વિમાની મુસાફરી શરૂ કરી હતી.
પંજાબ-દિલ્હીની એ મૅચ ફરીથી રમાશે કે પછી બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાશે? એ પ્રશ્ન ક્રિકેટપ્રેમીઓને મૂંઝવતો હતો. જોકે ટૉપ-ફાઇવમાં રહેલી આ બન્ને ટીમ માટે દરેક પૉઇન્ટ મહત્ત્વનો હોવાથી તેમની એ મૅચ હવે ફરીથી રમાશે. પંજાબ-દિલ્હી વચ્ચે જયપુરમાં 24મી મેએ નવેબરથી મૅચ રમાશે. બે દિવસ બાદ (26મીએ) જયપુર (JAIPUR)માં જ મુંબઈ-પંજાબ વચ્ચે મુકાબલો થશે.
આઇપીએલનું નવું શેડ્યૂલ
01 | શનિવાર | 17 મેઃ બેંગલૂરુમાં બેંગલૂરુ વિરુદ્ધ કોલકાતા | |
02 | રવિવાર | 18 મેઃ જયપુરમાં રાજસ્થાન વિરુદ્ધ પંજાબ | |
03 | રવિવાર | 18 મેઃ દિલ્હીમાં દિલ્હી વિરુદ્ધ ગુજરાત | |
04 | સોમવાર | 19 મેઃ લખનઊમાં લખનઊ વિરુદ્ધ હૈદરાબાદ | |
05 | મંગળવાર | 20 મેઃ દિલ્હીમાં ચેન્નઈ વિરુદ્ધ રાજસ્થાન | |
06 | બુધવાર | 21 મેઃ મુંબઈમાં મુંબઈ વિરુદ્ધ દિલ્હી | |
07 | ગુરુવાર | 22 મેઃ અમદાવાદમાં ગુજરાત વિરુદ્ધ લખનઊ | |
08 | શુક્રવાર | 23 મેઃ બેંગલૂરુમાં બેંગલૂરુ વિરુદ્ધ હૈદરાબાદ | |
09 | શનિવાર | 24 મેઃ જયપુરમાં પંજાબ વિરુદ્ધ દિલ્હી | |
10 | રવિવાર | 25 મેઃ અમદાવાદમાં ગુજરાત વિરુદ્ધ ચેન્નઈ | |
11 | રવિવાર | 25 મેઃ દિલ્હીમાં કોલકાતા વિરુદ્ધ હૈદરાબાદ | |
12 | સોમવાર | 26 મેઃ જયપુરમાં મુંબઈ વિરુદ્ધ પંજાબ | |
13 | મંગળવાર | 27 મેઃ લખનઊમાં લખનઊ વિરુદ્ધ બેંગલૂરુ | |
14 | ગુરુવાર | 29 મેઃ ક્વૉલિફાયર-વન | |
15 | શુક્રવાર | 30 મેઃ એલિમિનેટર | |
16 | રવિવાર | 1 જૂનઃ ક્વૉલિફાયર-ટૂ | |
17 | મંગળવાર | 3 જૂનઃ ફાઇનલ | |
નોંધઃ છેલ્લી ચાર મૅચ (પ્લે-ઑફ)ના સ્થળ અને સમય હવે પછી નક્કી થશે.