સુરતમાં પ્રેમ સંબંધનો કરુણ અંત: પરિણીત મહિલાની હત્યા, વિધર્મી પ્રેમી ફરાર…

સુરત: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી એક પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તપાસમાં આ મૃતક મહિલા મુન્ની દેવી (ઉં.વ. આશરે ૩૦ વર્ષ) હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક મુન્ની દેવીની હત્યા તેના વિધર્મી પ્રેમી અરમાન હાશમીએ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. મૃતક મહિલા પરિણીત હતી અને બે સંતાનોની માતા હોવાની પણ વિગતો છે. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
સંબંધમાં તકરાર થતાં હત્યા
આ બનાવ અંગે પોલીસ પાસેથી મેળેલી માહિતી અનુસાર, સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મૃતક મહિલા સચિનના તલંગપૂરની રહેવાસી મુન્ની દેવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે મુન્ની દેવીને તેના વિધર્મી પ્રેમી અરમાન હાશમી સાથે પ્રેમ સંબંધ હોય, આ સંબંધમાં કોઈ કારણોસર તકરાર થતાં તેના પ્રેમીએ મુન્ની દેવીને બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને પકડવા તપાસ આદરી
આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી અરમાન હાશમીને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ આદરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીને પકડી પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપણ વાંચો : શિક્ષિકાને ગર્ભવતી બનાવનાર 13 વર્ષીય વિદ્યાર્થીએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન…