મહારાષ્ટ્રની શાળાઓને સીસીટીવી કેમેરા બેસાડવા, વિદ્યાર્થીઓની હાજરી માટે મોટો નિર્ણય…

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યની સ્કૂલોને દરરોજ ત્રણ વખત વિદ્યાર્થીઓની હાજરી લેવા તેમજ પરિસરમાં સીસીટીવી કેમેરા બેસાડવાનો તેમજ તમામ સ્કૂલ કર્મચારીઓની ચકાસણી કરવા આદેશ આપ્યો છે.
થાણે જિલ્લાના બદલાપુરમાં એક પૂર્વ-પ્રાથમિક શાળાના શૌચાલયની અંદર ઓગસ્ટ 2024માં કેજીના બે વિદ્યાર્થીઓની જાતીય સતામણી થયા બાદ શાળાઓમાં સુરક્ષામાં સુધારો કરવા માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનો આ એક હિસ્સો છે.
શાળા પ્રશાસન અને સ્થાનિક પોલીસ બંને કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્કૂલમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા સફાઈ કામદાર 24 વર્ષીય અક્ષય શિંદેની 17 ઓગસ્ટે જાતીય સતામણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.
23 સપ્ટેમ્બરે શિંદેએ કથિત સ્વરૂપે એક અધિકારીની બંદૂક છીનવી લઈ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ પોલીસે તેની હત્યા કરી હતી. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની જાતીય સતામણી અંગેની કોઈપણ ફરિયાદની જાણ શાળાઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવી ફરજિયાત બનાવી દીધી છે.
સરકારે શાળાઓને તેના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂક કરતા પહેલા તેની ચાલચલગત તપાસવા અને પોલીસ પાસેથી એનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી હોવાનું પણ જણાવ્યું છે. ત્રણ વખત લેવામાં આવતી હાજરી વખતે જો વિદ્યાર્થી હાજર ન હોય તો માતપિતાને ટેક્સ્ટ મેસેજ મોકલવા પણ જણાવ્યું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી