ઇન્ટરનેશનલનેશનલ

હવે ભારત-કેનેડાના વણસેલા સંબંધોની અસર તમારા રસોડા પર પણ પડશે

બે દેશો વચ્ચે વણસેલા સંબંધો હંમેશાં બન્ને દેશોની પ્રજાને ભારે પડતા હોય છે. દેશના કરોડો લોકોને લાગતું હશે કે ઈઝરાયલના યુદ્ધ કે કેનેડા સાથે વણસેલા આપણા સંબંધો સાથે આપણે શું લેવાદેવા તો તમે ખોટું વિચારો છે. વિશ્વમાં બનતી દરેક ઘટના તમારા જીવનને એક યા બીજી રીતે અસર કરતી હોય છે. ભારત અને કેનેડા વચ્ચે ખાટા થયેલા સંબંધોને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ તો પરેશાન છે, પરંતુ હવે આ રેલો તમારા રસોડે પણ પહોંચે તેવી સંભાવના છે.

બન્ને દેશોના સંબંધોને લીધે મસૂરની દાળ મોંઘી થવાની સંભાવના છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર બંને દેશોના વેપાર પર થવા લાગી છે. જો કે પહેલાથી જ હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી ચાલુ છે. નાણાકીય વર્ષ 2022-23માં કેનેડા પાસેથી ભારતે સૌથી વધુ મસૂર દાળની ખરીદી કરી હતી. ભારતે આ સમયગાળા દરમિયાન કેનેડા પાસેથી કુલ 4.85 લાખ મેટ્રિક ટન મસૂર દાળની ખરીદી કરી હતી જે કુલ આયાતના અડધાથી વધુ છે. રિપોર્ટ મુજબ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે દાળની આયાત માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

ભારતમાં મસૂર દાળનો મોટો હિસ્સો આયાત કરવામાં આવે છે જેમાં મોટાભાગની આયાત કેનેડામાંથી થાય છે. દેશમાં પહેલાથી જ દાળના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ગયા મહિને જ વાત કરીએ તો કઠોળનો મોંઘવારી દર લગભગ 13 ટકાથી વધુ હતો. હવે જો મસૂર દાળના પુરવઠામાં ઘટાડો થાય તો તેની કિંમતો વધી શકે છે. ભારતમાં દર વર્ષે 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે જ્યારે તેની સામે માત્ર 16 લાખ ટન જ ઉત્પાદન થાય છે, જો કે ભારત અન્ય દેશો પાસેથી પણ દાળની આયાત કરે છે અને તેનાથી સૌથી વધારે ઓસ્ટ્રેલિયાને લાભ થયો છે. આ સિવાય તાજેતારમાં અમેરિકાથી કરવામાં આવતી દાળને કોઈપણ પ્રકારની કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. ભારત રશિયા, તુર્કી, સિંગાપોર અને યુએઈમાંથી પણ મસૂરની આયાત કરે છે. જોકે જો કેનેડા સાથે નવા કરાર ન કરવામાં આવે તો અછત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. માત્ર દાળ જ નહીં ઘણી વસ્તુઓ આપણે આયાત કરી રહ્યા છીએ અને નિકાસ પણ કરીએ છીએ. આથી બન્ને બાજુએ સમસ્યાઓ સર્જાય છે અને તેમાં સમાન્ય પ્રજા પણ પીસાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button