સરકારી કર્મચારીઓ માટે લેવાયો મોટો નિર્ણયઃ રજાઓના પરિપત્ર અંગે કરી વાત

ગાંધીનગર: ભારત પાકિસ્તાન સરહદી તણાવને લઈ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા અને રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓને રદ્દ કરી હતી.
જો કે હવે રાજ્ય સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ અંગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર હવે સક્ષમ અધિકારી પોતાના વિવેક અનુસાર રજાઓ મંજૂર કરી શકશે.
આપણ વાંચો: સરકારી અધિકારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત: ગુજરાત પોલીસે બહાર પાડ્યો આદેશ
સરકારે જૂના પરિપત્રનો કર્યો ઉલ્લેખ
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં અગાઉના પરિપત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગો અને તેમની હેઠળની કચેરીઓના અધિકારી/કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ (અનિવાર્ય સંજોગો સિવાયની) તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.
તેમજ રજા પર ગયેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા અને અધિકારી/કર્મચારીઓને વિભાગના વડા/ખાતાના વડા/કચેરીના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્યમથક ન છોડવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
આપણ વાંચો: 2025 પહેલા સરકારી અધિકારીઓને લહાણી: રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 7 ટકાનો વધારો…
સક્ષમ સત્તાધિકારી પોતાના વિવેકાનુસાર રજાઓ મંજૂર કરી શકશે
હવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, આ સૂચનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પરિપત્ર અનુસાર, સક્ષમ સત્તાધિકારી પોતાના વિવેક અનુસાર રજાઓ મંજૂર કરી શકશે. જો કે, અનિવાર્ય સંજોગોમાં સક્ષમ અધિકારી રજાઓ રદ પણ કરી શકશે અને તે સ્થિતિમાં સંબંધિત કર્મચારી/અધિકારીએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે.
આ ઉપરાંત, રજા પર રહેલા તમામ કર્મચારીઓ/અધિકારીઓએ તેમના ફોન અને ઈ-મેઈલ પર સતત ઉપલબ્ધ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. આ પરિપત્ર રાજ્યના તમામ વિભાગો, ખાતાના વડાઓ, બોર્ડ/નિગમો, પંચાયતો, કોર્પોરેશનો, સ્વાયત્ત સંસ્થાઓ અને અનુદાનિત સંસ્થાઓને લાગુ પડશે.
સરકારના આ નિર્ણયનો હેતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકારી કામગીરી સુચારુ રીતે ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. કર્મચારીઓને રજાઓ મંજૂર કરવાની સત્તા સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવી હોવાથી હવે જરૂરિયાત મુજબ રજાઓ મળી શકશે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં ત્વરિત કાર્યવાહી માટે કર્મચારીઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવામાં આવી છે.