અમદાવાદ

અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાની બાળકી પર શ્વાનનો હુમલો, સારવારમાં મોત…

અમદાવાદઃ શહેરમાં 4 મહિનાની બાળકી પર પાલતુ શ્વાને હુમલો કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું. હાથીજણમાં રહેતી એક યુવતી પાલતુ શ્વાન લઈને ટહેલવા નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે શ્વાન હાથમાંથી છૂટો ગયો હતો અને તેણે અન્ય યુવતી અને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો.

શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યા હતા. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી. બાળકીને લઈને આવેલી યુવતીને પણ શ્વાને બચકાં ભરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ પછી સ્થાનિકોમાં પાલતુ શ્વાન પ્રત્યે ગુસ્સો વ્યાપ્યો હતો. અમુક લોકોએ એટલી હદ સુધી વિરોધ કર્યો હતો કે હવે સોસાયટીમાં એક પણ શ્વાન રાખવો જોઈએ નહીં. આ બનાવમાં દોષી લોકોને પણ સજા કરવાનો અનુરોધ કર્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવાયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી છે તેમ જ શ્વાનના ફોટોગ્રાફ સાથે જગ્યાના પુરાવા પણ આપવા એટેચ કરવા પડે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનિમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-2023 ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા ર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.

થોડા દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનની અંતિમવિધિ માટે સીએનની સ્મશાન ગૃહ બનાવવાનો નિણર્ય લીધો હતો.. જેમાં શ્વાનની સન્માન સાથે અંતિમવિધિ કરી શકાશે. આ દેશનું દેશનું પ્રથમ સીએનજી આધારિત ડોગ સ્મશાનગૃહ બનશે. જેની માટે કોર્પોરેશન અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.

આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ આ યોજનાને મંજૂરી આપી હતી. આ સ્મશાનગૃહ દાણીલીમડા ખાતે કરુણા મંદિરના પરિસરમા બનાવવામા આવશે. આ પૂર્વે તેને ગ્યાસપુર ખાતે બનાવવાનું આયોજન હતું. આ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ટૂંક સમયમાં બાંધકામનું શરૂ થશે.

આપણ વાંચો: અમદાવાદમાં પ્રથમ શ્વાન સ્મશાન ગૃહ બનશે, સન્માન સાથે કરી શકાશે અંતિમવિધિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button