મોદી સરકારે સાવરકરના ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની તક ગુમાવી દીધી: સેના (યુબીટી)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)એ મંગળવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થઈને હિન્દુત્વવાદી વિચારક વી. ડી. સાવરકરના ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની તક ગુમાવી દીધી છે. પાર્ટીના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે જો લડાઈ વધુ ચાર દિવસ ચાલુ રહી હોત તો ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે), કરાચી અને લાહોર પર કબજો કરી લીધો હોત, પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાજી બગાડી નાખી હતી.
લશ્કરી કાર્યવાહી બંધ કરતા પહેલા ભારતે ઓછામાં ઓછું પીઓકે પાછું મેળવી લેવું જોઈતું હતું અને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરી દેવું જોઈતું હતું, એમ અખબારમાં જણાવવામાં આવ્યું હતું. સાવરકરે પીઓકેથી રામેશ્વરમ અને સિંધુથી આસામ સુધી વિસ્તરેલા અવિભાજિત ભારતનું સ્વપ્ન જોયું હતું, પરંતુ ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે સાવરકરના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાની તક ગુમાવી દીધી છે,’ એમ તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું છે.
તંત્રીલેખમાં ઉમેર્યું હતું કે, પીએમ મોદીને હવે ‘સાવરકરના નામે રાજકારણ કરવાનો’ કોઈ અધિકાર નથી.
વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના બધા અખંડ ભારતના સમર્થકો છે, પરંતુ જ્યારે સ્વપ્નને સાકાર કરવાનો સમય આવ્યો, ત્યારે તેઓ ફરી ગયા, એમ તેમાં જણાવાયું છે.
ભારત અને પાકિસ્તાને શનિવારે ચાર દિવસ સુધી સરહદ પારથી થયેલા તીવ્ર ડ્રોન અને મિસાઇલ હુમલાઓ બાદ જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી હતી, જેના કારણે બંને દેશો પૂર્ણ-સ્તરના યુદ્ધની નજીક આવી ગયા હતા.
ભારત અને પાકિસ્તાનના આ નિર્ણયની સૌપ્રથમ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં એક આશ્ચર્યજનક જાહેરાતમાં કરી હતી, જ્યારે દાવો કરવામાં આવ્યો હતો કે બંને પક્ષો વચ્ચેની વાતચીત અમેરિકા દ્વારા ‘મધ્યસ્થી’ કરવામાં આવી હતી.
શિવસેના (યુબીટી)ના સાંસદ અને સામનાના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉતે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે સોમવારે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરનારા મોદી કોઈ વિજયી પક્ષના નેતા જેવા લાગતા નહોતા. મોદી અને શાહ પર આકરા પ્રહાર કરતાં રાઉતે કહ્યું હતું કે તેઓ ફક્ત રાજકીય પક્ષોને તોડી શકે છે, પાકિસ્તાનને નહીં.
આપણ વાંચો: સરકારે સમજાવવું જોઈએ કે અમેરિકા દ્વારા મધ્યસ્થીને શા માટે મંજૂરી આપવામાં આવી: શરદ પવાર…