નેશનલ

ભારતનો ટ્રમ્પને કડક જવાબ; વડાપ્રધાન મોદીના સંબોધન બાદ ટેરીફ સામે ભર્યું મોટું પગલું…

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે તૈયાર થયા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ગઈ કાલે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન મોદીનું આ સંબોધન યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જરૂર ખટક્યું હશે. કેમ કે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ એક પણ વાર ટ્રમ્પ કે યુએસનું નામ લીધું ન હતું. બીજી તરફ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે તેમની મધ્યસ્થીથી બંને દેશો યુદ્ધ વિરામ માટે સંમત થયા હતાં. આ ઉપરાંત ભારતે ટેરીફ અંગે પણ ટ્રમ્પને કડક જવાબ આપ્યો છે.

ભારતનો WTO સમક્ષ પ્રસ્તાવ:
નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ ટેરીફ લગાવીને ઘણાં દેશોને ટ્રેડ ડીલ કરવા માટે મજબૂર કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતની ઘણી પ્રોડક્ટ્સ પર ટેરીફ લગાવ્યો છે. ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ને એક નોટિસ દ્વારા જાણ કરી છે કે ભારત યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) થી આયાત થતા એલ્યુમિનિયમ, સ્ટીલ અને તેમના ડેરિવેટિવ ઉત્પાદનો પર છૂટછાટો સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખે છે. મતલબ કે ભારત આ ઉત્પાદનો ટેરિફ વધારવાની યોજના બનાવી રહ્યું છે.

ભારતના આ પગલાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર તણાવ વધી શકે છે અને વૈશ્વિક વેપાર નિયમો હેઠળ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે આ નિર્ણયો તુરંત લાગુ કરવામાં આવશે નહીં, પરંતુ આ પગલું ટ્રમ્પને પસંદ નહીં પડ્યું હોય.

ભારતના અમેરિકન પ્રોડક્ટ્સ મોંઘા થશે:
અમેરિકાએ ભારતીય નિકાસ પર લાદલા ટેરીફના જવાબમાં આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 2018 માં ભારત અને અન્ય દેશોમાંથી આયાત થતા સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% નો વધારાનો ટેરિફ લાદ્યો હતો. ભારતે આને WTO નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને બદલામાં તેના ટેરિફ વધારવાનો નિર્ણય લીધો. ભારતે હજુ સુધી ટેરિફના ચોક્કસ દરો જાહેર કર્યા નથી, પરંતુ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ટેરિફ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ જેટલા અથવા તેનાથી વધુ હોઈ શકે છે. તેનો ઉદ્દેશ્ય ભારતમાં યાત થતી અમેરિકન પ્રોડક્ટ્સને મોંઘી બનાવવાનો અને ભારતીય સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો:
ડોનાલ્ડ ટ્રમ્પે 10 મે 2025 ના રોજ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોના નેતાઓએ સમજદારી દાખવી, બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!

આ પછી, 11 મે, 2025 ના રોજ, ટ્રમ્પે બીજી પોસ્ટમાં બંને દેશોની પ્રશંસા કરી અને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવાની ઓફર કરી.

તેમણે કહ્યું મને ગર્વ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ તમને આ ઐતિહાસિક નિર્ણય સુધી પહોંચવામાં મદદ કરી શક્યું. ભલે તેની ચર્ચા થઈ ન હતી, હું આ બંને મહાન રાષ્ટ્રો સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરવા જઈ રહ્યો છું. આ ઉપરાંત, હું તમારા બંને સાથે મળીને કાશ્મીર અંગે કોઈ ઉકેલ શોધી શકાય છે કે કેમ તે જાણવા માટે કામ કરીશ. ભગવાન ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને આ અદ્ભુત કાર્ય માટે આશીર્વાદ આપે!

ભારતે ટ્રમ્પના દાવા નકાર્યા:
ભારતે ટ્રમ્પના મધ્યસ્થી યુદ્ધ વિરામ કરવામાં આવ્યો હોવાના દાવાને નકારી કાઢ્યો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના DGMOવચ્ચે સીધી વાટાઘાટો દ્વારા યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમાં કોઈ થર્ડ પાર્ટી હસ્તક્ષેપ ન હતો. ભારતે કાશ્મીર પર મધ્યસ્થી કરવાની ટ્રમ્પની ઓફરને પણ નકારી કાઢી હતી, અને કહ્યું હતું કે આ એક દ્વિપક્ષીય મુદ્દો છે. આ વિવાદ હજાર વર્ષ જૂનો હોવાની ટ્રમ્પની ટિપ્પણી પણ ભારતે નકારી કાઢી અને સ્પષ્ટ પણે કહ્યું કે કાશ્મીર વિવાદ 1947માં શરૂ થયો હતો.

વડા પ્રધાને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધું ન હતું. મોદીએ સ્પષ્ટ કહ્યું કે હવે પાકિસ્તાન સાથે ફક્ત આતંક અને પીઓકે પર જ વાતચીત થશે.

આપણ વાંચો: ડ્રેગનને રાહતઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને આટલા ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button