પાંચ દિગ્ગજ ક્રિકેટરોની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી હકાલપટ્ટીઃ જાણો, શેમાંથી અને શું હતું કારણ…

લાહોરઃ ભારતના સશસ્ત્ર દળોના હાથે માર ખાઈને પાકિસ્તાન અનેક રીતે પાયમાલ થઈ ગયું છે એને પગલે પાકિસ્તાન ક્રિકેટ પણ ગંભીર હાલતમાં આવી ગઈ છે. દેશના સૌપ્રથમ ચૅમ્પિયન્સ વન-ડે કપ માટે પ્રત્યેક સ્થાનિક ટીમ માટે પાકિસ્તાન (PAKISTAN)ના દિગ્ગજ ખેલાડીઓને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને દરેક માટે મહિનાનો 50 લાખ રૂપિયાનો પગાર નક્કી થયો હતો, પરંતુ મંગળવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ દરેક મેન્ટરની તેમના હોદ્દા પરથી હકાલપટ્ટી કરી છે.

50-50 ઓવરની સ્પર્ધા માટેની ટીમોના મેન્ટર (માર્ગદર્શક) તરીકે જેમની નિમણૂક કરાઈ હતી એમાં વકાર યુનુસ, મિસબાહ-ઉલ-હક, સક્લેન મુશ્તાક, સરફરાઝ અહમદ અને શોએબ મલિકનો સમાવેશ છે. એ તો નક્કી છે કે ભારત સાથે કારણ વિના યુદ્ધનું દુઃસાહસ કરીને પાકિસ્તાને પોતે જ પોતાને ત્યાં ખાનાખરાબીને આમંત્રણ આપ્યું છે. હવે પાકિસ્તાને બેઠાં થવા માટે કરોડો રૂપિયાની જરૂર પડશે એટલે બની શકે કે અત્યારથી ઠેકઠેકાણેથી પૈસાની બચત કરવાના હેતુસર લાખો રૂપિયાના પગારવાળા આ પાંચેય મેન્ટર (MENTOR)ને તેમના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે.
પીટીઆઇના અહેવાલ મુજબ એક સૂત્રએ પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીને ગયા વર્ષે આ પાંચ મેન્ટરની નિયુક્તિ થયા બાદ તેમનો શું પર્ફોર્મન્સ રહ્યો એ વિશે જાણકારી આપી છે. પીસીબીએ આ પાંચ મેન્ટરને પોતપોતાની ટીમના મેન્ટર તરીકેની જવાબદારી માટે ચોક્કસ દિવસો ફાળવવા ઉપરાંત મીડિયામાં અમુક પ્રકારની ભૂમિકા ભજવવાનું કહ્યું હતું તેમ જ બીજી કેટલીક જવાબદારીઓ પણ સોંપી હતી. જોકે મોહસિન નકવીની પીસીબીના અધિકારીઓ સાથેની બેઠકમાં એવી સહમતી સાધવામાં આવી હતી કે આ તમામ મેન્ટર માટે (50-50 લાખ રૂપિયાનો) જે માસિક પગાર નક્કી કરાયો છે એ ફોગટમાં જઈ રહ્યો છે, કારણકે તેમણે આજ સુધી જોઈએ એવું કામ કર્યું જ નથી.
સૂત્રોએ એવી જાણકારી પણ આપી હતી કે શોએબ મલિકે (SHOAIB MALIK) મેન્ટર તરીકેની જવાબદારી અદા કરવાને બદલે નૅશનલ ટી-20 ચૅમ્પિયનશિપમાં સિયાલકોટ ટીમની કૅપ્ટન્સી સંભાળવાની જીદ પકડી હતી જેને લીધે પીસીબીના અધિકારીઓ નારાજ હતા.