નેશનલ

શિવરાજના રાજમાં દુષ્કર્મ પીડિતાને 2100 રૂપિયાનું ‘માતબર’ વળતર, મીડિયા રિપોર્ટમાં બહાર આવ્યું ચોંકાવનારુ સત્ય

પીડિત પહેલા શોષણ સામે ઝઝૂમે, અને પછી સરકારની સહાય માટે પણ ઝઝૂમવાનું?

ભોપાલ: અર્ધનગ્ન અવસ્થામાં લોહીથી લથપથ કપડામાં મોડી રાત્રે મદદ માટે ઘરેઘરે જઇને બારણા ખટખટાવતી માસૂમ દુષ્કર્મ પીડિતાના વાઇરલ વીડિયોએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. ઘટના બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં બની હતી. વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર લોકોએ સ્થાનિક તંત્ર પર ફિટકાર વરસાવતા પોલીસ તરત હરકતમાં આવી હતી અને દુષ્કર્મ પીડિતાને સારવાર માટે દાખલ કરી આરોપીને શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાને એક મહિનો થઇ ગયો છે, પોલીસે આરોપી રિક્ષાચાલકને જેલ હવાલે કરી દીધો છે. પીડિતા સારવાર મેળવીને ઉજ્જૈનથી 700 કિમી દૂર તેના ગામ જતી રહી છે. પીડિતાના ઘરમાં તેના પિતા-કાકી સહિત પરિવારજનો છે, પરંતુ ઘરની સ્થિતિ એટલી દારૂણ છે કે હજુપણ માટીના ચૂલામાં તેઓ રસોઇ રાંધે છે.

આ કેસમાં મધ્યપ્રદેશ સરકાર અને ખાસ કરીને સીએમ શિવરાજસિંહ ચૌહાણે જે પ્રકારે સહાયના વાયદાઓ કર્યા હતા, તે સહાય ખરેખર તેને મળી છે કે નહિ તે જાણવા માટે એક મીડિયા સંસ્થાએ ઉજ્જૈનથી 700 કિમી દૂર આવેલા પીડિતાના ગામે જઇને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. આ અહેવાલમાં ચોંકાવનારુ અને આક્રોશજનક સત્ય સામે આવ્યું છે કે ઘટનાના એક મહિના બાદ પીડિતાને માંડ 2100 રૂપિયા ‘સહાય’ના નામે પકડાવી દેવાયા છે. આમ, રામજાણે હજુ કેટલાય ‘માનસિક’ બળાત્કારોમાંથી આ પીડિતાને પસાર થવું પડશે તે એક સવાલ છે.

એક તરફ વિધાનસભા ચૂંટણીને પગલે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોઇના મામા બની રહ્યા છે, રાખડીઓ બંધાવીને કોઇના ભાઇ બની રહ્યા છે, બહેનોના ખાતામાં રૂપિયા જમા કરાવીને તેમનું જીવનધોરણ સુધારવાના મોટા દાવાઓ કરી રહ્યા છે, એ જ શિવરાજના રાજમાં પીડિતોને સહાયના નામે તેમની સાથે ક્રૂર મજાક કરવામાં આવી રહી છે. આ જ શિવરાજે આ દુષ્કર્મ પીડિતાને ‘મધ્યપ્રદેશની દીકરી’ ગણાવેલી, જાહેરમાં નિવેદન આપ્યું હતું કે સરકાર તેની ચિંતા કરશે. એ ચિંતા કરવાના કાર્યનું મૂહુર્ત સરકાર ક્યારે કઢાવશે તે હવે જોવું રહ્યું. આ વખતે ચૂંટણીમાં સીએમ શિવરાજસિંહ ચૌહાણે ‘નારી સન્માન, લાડલી લક્ષ્મી, લાડલી બહેના’ સહિતની યોજનાઓનો ઢગલો કરીને સભાઓમાં ગાજ્યા હતા, જ્યારે આટલી બધી યોજનાઓ અસ્તિત્વમાં હોય તેમ છતાં બાળકીને નજીવું વળતર આપીને સરકાર હાથ ખંખેરી લે ત્યારે આને દંભ સિવાય બીજુ શું કહી શકાય?

મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સામાજીક ન્યાય પેન્શન યોજના હેઠળ પીડિતાને દર મહિને 600 રૂપિયા મળે છે. પીડિતા જે વિસ્તારમાં રહે છે ત્યાંથી ચૂંટણીમાં ઉભા રહેલા ભાજપ ઉમેદવાર સુરેન્દ્ર સિંહ ગરેવારે પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. તેઓ હાલચાલ પૂછવા આવ્યા અને અનાજ ખરીદવાની મદદ કરવા 1500 રૂપિયા આપીને જતા રહ્યા.
આ બાળકી સાથે જે ઘટના બની તે ગુનો POCSO ACT હેઠળ નોંધાયો છે. આ ગુનામાં સજા સહિત પીડિતાને વળતર અંગે જે જોગવાઇ છે તેમાં ભોગ બનનારને તબીબી સહાય-સારવાર, આર્થિક સહાય, માનસિક સ્વાસ્થ્ય અંગેની સહાય આપવાની જોગવાઇ છે. પીડિત ઇચ્છે તો સરકારે તેને આર્થિક સહાય આપવી જ પડે. સહાયના હુકમ માટે પણ સ્પેશિયલ કોર્ટમાં કાર્યવાહી થતી હોય છે.

બીજુ અગત્યની વરવી વાસ્તવિકતા એ પણ છે કે આ પીડિતા અનુસૂચિત જાતિમાંથી આવે છે. જે ગામમાં તે રહે છે તેમાં છૂત-અછૂત, જ્ઞાતિવાદનું ઝેર ફેલાયેલું છે આથી ઉચ્ચ વર્ણ તથા સદ્ધર પરિવાર તરફથી મદદ મળવાનો તો સવાલ જ પેદા નથી થતો. નવાઇની વાત એ છે કે ગામના સરપંચ સહિત તંત્રના લોકો પણ પીડિતાના પરિવારજનોને પૂછતા નથી. આમ સ્થાનિકોમાંથી પણ કોઇ એવું નથી જે પીડિતા કે તેના પરિવારજનો માટે અવાજ ઉઠાવી શકે.
મધ્યપ્રદેશમાં વર્ષ 2021માં સમગ્ર દેશમાં દલિતો વિરુદ્ધ અપરાધના 50,000 કેસ નોંધાયા હતા, જેમાંથી ફક્ત મધ્યપ્રદેશમાં આ આંકડો 7,211 હતો. વર્ષ 2021માં દેશભરમાં દલિતો વિરુદ્ધ અપરાધનો દર 25.3 ટકા હતો, જ્યારે મધ્ય પ્રદેશમાં આ દર 63.6 ટકાની આસપાસ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button