ભારતીય મૂળના ક્રિકેટરનું માલવીમાં રહસ્યમય મૃત્યુ…

સિંગાપોરઃ થોડા વર્ષો પહેલાં સિંગાપોર (Singapore) વતી ક્રિકેટ રમી ચૂકેલા ભારતીય મૂળના વિકેટકીપર-બૅટ્સમૅન અર્જુન મેનન (Arjun Menon)નું માલવી દેશના પાટનગર બ્લૅન્ટાયરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ (dies) થયું હોવાનું મનાય છે અને પોલીસ એ કિસ્સામાં તપાસ કરી રહી છે.
અર્જુન 48 વર્ષના હતા. તેઓ માલવીના ક્રિકેટ ઑપરેશન્સ વિભાગના ડિરેકટર હતા. ભૂતકાળમાં તેમણે ચિલી બૉટ્સવાના અને ઇન્ડોનેશિયા જેવા ક્રિકેટના નાના દેશોની આંતરરાષ્ટ્રીય ટીમોને તાલીમ આપી હતી. આ દેશોની ટીમોને કોચિંગ આપ્યા બાદ 2020માં તેઓ માલવીની ક્રિકેટમાં જોડાયા હતા.
અર્જુનનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને શું કારણો હતા એની પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. માલવી ક્રિકેટ બોર્ડના પ્રમુખ વિવેક ગણેશન પણ ભારતીય મૂળના છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે `ક્રિકેટમાં માલવી નવો દેશ છે, પણ આ રમતમાં માલવીએ જે પણ સફળતાઓ મેળવી છે એનું શ્રેય અર્જુનને ફાળે જાય છે.
સપ્ટેમ્બર, 2024માં ટી-20 વર્લ્ડ કપ માટે આફ્રિકા ખંડની જે સબ-રિજનલ ક્વૉલિફાઇંગ ટૂર્નામેન્ટ યોજાઈ હતી એમાં તાન્ઝાનિયાની ટીમ ચૅમ્પિયન બની હતી, જ્યારે માલવીની ટીમ રનર-અપ હતી. એ સ્પર્ધાની ફાઇનલમાં માલવીએ તાન્ઝાનિયાની ટીમને 119 રનમાં ઑલઆઉટ કરી એમાં ઑફ-સ્પિનર સુહૈલ વાયાણી (28 રનમાં ત્રણ વિકેટ)નું સૌથી મોટું યોગદાન હતું. જોકે માલવીની ટીમ સમી સોહેલના 38 રન છતાં 100 રનમાં ઑલઆઉટ થઈ જતાં 19 રનથી હારી ગઈ હતી.