અમેરિકા-ચીન વચ્ચેનું ટ્રેડ વૉર શાંત પડતાં સોનામાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ
સ્થાનિક સોનામાં રૂ. 866નું અને ચાંદીમાં રૂ. 2255નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલને પગલે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરતા ભાવમાં 2.7 ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ નીકળતાં ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ દોઢ ટકા જેટલા વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 863થી 866નો સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 13 પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ ચાંદીમા મધ્યસત્ર દરમિયાન ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 2255 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 2255 વધીને રૂ. 96,350 ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ ડૉલર સામે રૂપિયો સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી ભાવવધારો મર્યાદિત રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 863 વધીને રૂ. 93,566 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 866 વધીને રૂ. 93,942ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે જીનિવા ખાતેની બે દિવસીય બેઠકમાં અમેરિકા અને ચીન આગામી ત્રણ મહિનામાં ટૅરિફના દર ઘટાડવા માટે સહમત થયા હતા, જેમાં અમેરિકા ચીનથી આયાત થતી ચીજો પરની ટૅરિફ જે 145 ટકા છે તે ઘટાડીને 30 ટકા કરવા અને ચીન અમેરિકાથી આયાત થતી ચીજો પરની ટૅરિફ જે 125 ટકા છે તે ઘટાડીને 10 ટકા કરવા સહમત થતાં ગઈકાલે રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરતા ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં 2.7 ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વૅલ્યુ બાઈંગ નીકળતા હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 3254.30 ડૉલર અને વાયદામાં ભાવ એક ટકા જેટલા વધીને 3258.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.50 ટકા વધીને આૈંસદીઠ 33.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલના પ્રોત્સાહક અહેવાલ વૈશ્વિક અર્થતંત્રો માટે પ્રોત્સાહક હોવા છતાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદ આજે વૅલ્યુ બાઈંગ નીકળવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં કોન્સોલિડેશન જોવા મળતાં સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. અમેરિકા અને ચીને આયાત પરની ટૅરિફ પરનો વધારો સ્થગિત રાખ્યો હોવાથી ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઘટી હોવાનું ફેડરલ રિઝર્વના ગવર્નર એડ્રીના કુગલરે ગઈકાલે જણાવ્યું હતું. એકંદરે આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર હોવાથી અમુક અંશે તેઓએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં પંચાવન બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.