તરોતાઝા

ફાઈનાન્સના ફંડા: બિહેવિયરલ ફાઇનાન્સમાં… એન્કરિંગ બાયસ એ મોટો પૂર્વગ્રહ છે!

-મિતાલી મહેતા

ગયા અઠવાડિયે આપણે બિહેવિયરલ ફાઇનાન્સ વિશે જાણ્યું. બિહેવિયરલ ફાઇનાન્સ એટલે રોકાણકારો તથા નાણાકીય બજારો પર મનોવૈજ્ઞાનિક અસરોનો વ્યવસ્થિત અભ્યાસ. આ વિષય પર આગળ વધીએ તો આજે આપણે એક મોટા પૂર્વગ્રહની વાત કરવાના છીએ. એની અસર ફક્ત આપણા રોકાણના નિર્ણયો પર નહીં, રોજિંદા જીવન પર પણ પડે.

આ પૂર્વગ્રહનું નામ છે ‘એન્કરિંગ બાયસ’. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિ નિર્ણય લેતી વખતે અમુક ચોક્કસ બાબત કે મુદ્દા પર ઘણો મોટો મદાર રાખતી હોય એને ‘એન્કરિંગ’ કહેવાય છે. એન્કર એટલે લંગર. જહાજને દરિયા કિનારે સ્થિર રાખવું હોય બાંધવું હોય ત્યારે એ લંગરથી શક્ય બને છે.
આ જ રીતે મનુષ્યનું મન કોઈ એક વાત -બાબત પર વધુ પડતો મદાર રાખતું થઈ જાય ત્યારે એ ખૂંટે બંધાઈ ગયા જેવું વર્તન કરવા લાગે છે. એમાં વિચારોનું મુક્તપણું રહેતું નથી, જેને કારણે યોગ્ય નિર્ણય લઈ શકાતા નથી.

આપણે કોઈ આયોજન કરતા હોઈએ અથવા અમુક વાતે અંદાજ બાંધતા હોઈએ ત્યારે આપણે ‘એન્કરિંગ બાયસ’ ને કારણે નવી માહિતીને પણ જૂના સંદર્ભમાં જ નિહાળીએ છીએ. તેના વિશે નિષ્પક્ષ- તટસ્થ રીતે વિચાર કરતા નથી. પરિણામે, આપણી નિર્ણયશક્તિ આડીઅવળી થઈ જાય છે- મર્યાદિત થઈ જાય છે અને આપણે જે પ્રમાણે આયોજન કરવું જોઈએ કે ધારણાઓ રાખવી જોઈએ એ પ્રમાણે કરવામાં અસમર્થ બની જઈએ છીએ.

એક ઉદાહરણ જોઈએ…

ધારો કે તમે સવારના પહોરમાં કાર સર્વિસિંગ કરાવવા માટે ગયા છો અને ત્યાંનો મિકેનિક કારની સ્થિતિ જોઈને તમને 25,000 રૂપિયાના ખર્ચનો વધારે પડતો અંદાજ આપે છે. આટલો મોટો ખર્ચ સાંભળીને તમે ખિન્ન થઈ જાઓ છો. સાંજે તમે કાર પાછી લેવા જાઓ છો ત્યારે એ તમને કહે છે કે માત્ર 15,000 રૂપિયાનું બિલ થયું છે. તમારા 10,000 રૂપિયા સીધા બચી ગયા એ વાતની જાણ થતાં જ તમે રાજીના રેડ થઈ જાઓ છો અને તમે મિકેનિકને ફાઇવ સ્ટાર રેટિંગ આપી દો છો!

આને કહેવાય એન્કરિંગ બાયસ. વાસ્તવમાં તમારા 10,000 રૂપિયા બચ્યા નથી, કારણ કે એટલો ખર્ચ થવાનો જ ન હતો. તમે 25,000 રૂપિયાના ખર્ચની વાતને મક્કમપણે સ્વીકારી લીધી હતી અને જ્યારે બિલ ઓછું આવ્યું ત્યારે તમને લાગ્યું કે પૈસા બચી ગયા.

આ પણ વાંચો…..ફાઈનાન્સના ફંડા : રોકાણકારો પર મનોવૈજ્ઞાનિક પ્રભાવ પડે ખરો?

વ્યક્તિગત અસર: જ્યારે કોઈ એક આંકડા કે કાર્યયોજના સાથે અંકોડો ભરાઈ જાય એટલે કે એન્કરિંગ થઈ જાય ત્યારે આપણે નવી માહિતીને પણ જૂની દૃષ્ટિએ જ જોવા લાગીએ છીએ. તેને લીધે વાસ્તવિકતા નજરે ચડતી નથી. તેનું પરિણામ એ આવે છે કે અમુક ચોક્કસ ફેરફારો કરવાની જરૂર હોવા છતાં આપણે એ આયોજનમાં ફેરફાર કરવા તૈયાર થતા નથી.

હવે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ….

ધારો કે શેરબજારમાં સાર્વત્રિક તેજી હોવાને લીધે કોઈ એક શેર થોડા મહિના પહેલાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કંપનીની ભાવિ કામગીરી પર વિપરીત અસર કરનારી અમુક સમસ્યાઓને લીધે આજની તારીખે એ શેરનો ભાવ 40 ટકા ઘટી ગયો છે. કંપનીનાં ફંડામેન્ટલ્સ જ બદલાઈ ગયાં હોવાથી એ શેર કદાચ પાછો ઊંચકાશે જ નહીં. આમ છતાં જો રોકાણકાર એ શેર પાછો ઊંચે જશે એવી આશા રાખે તો એમ કહી શકાય કે એ એન્કરિંગ બાયસ ધરાવે છે. કંપનીની કામગીરીને જોતાં એમની આ ધારણા ભૂલભરેલી છે. આથી એ પેલા શેર બાબતે જે નિર્ણય લેશે એ ભૂલભરેલો હોવાની શક્યતા છે.

એન્કરિંગ બાયસને કેવી રીતે દૂર કરવો?

1) તેનો સ્વીકાર કરવો: તમે પોતાની જાતને કેટલાક સવાલ કરશો તો ખયાલ આવી જશે કે તમે એન્કરિંગ બાયસ ધરાવો છો કે નહીં જેમકે….કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની પસંદગી કરતી વખતે ફક્ત એની ભૂતકાળની કામગીરીને મહત્ત્વ આપવું નહીં. તેને સમકક્ષ હોય એવી સ્કીમ સાથે તુલના કરો, સ્કીમને લાગુ પડતાં જોખમો વિશે જાણો, સ્કીમના રોકાણના ઉદ્દેશ્ય ચકાસી જુઓ, વગેરે.

2) પોતાનું મંતવ્ય તૈયાર કરો અને જરૂર પડ્યે એમાં ફેરફાર કરતાં જાઓ: જો તમે પોતાના સંજોગો અનુસાર
જાણીજોઈને કોઈ અંકોડો (એન્કર) તૈયાર કરો તો એ તમારા માટે લાભદાયક ઠરી શકે છે. તમે પોતાની આવશ્યકતાઓ અને નાણાકીય લક્ષ્યો અનુસાર એન્કર તૈયાર કરીને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે તેમાં ફેરફાર કરો.

આ પણ વાંચો…..ફાઈનાન્સના ફંડા: સુકન્યા સમૃદ્ધિ યોજના આ પણ જાણી લો, અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button