તરોતાઝા

કયારેક કોઈ ઘટના પણ જોખમકારક બની શકે…

એવે વખતે અગાઉથી કરેલું ‘ફાઇનાન્શિયલ ડેટિંગ’ ઉપકારક નીવડી શકે

ગૌરવ મશરૂવાળા

આનંદભાઈએ 8 નવેમ્બરના બપોરે 4.30 વાગ્યે બૅન્કમાંથી દોઢ લાખ રૂપિયા કઢાવ્યા. 10 નવેમ્બરે યોજાનારા એમની દીકરીના આરંગેત્રમના કાર્યક્રમ માટે એમણે આ ઉપાડ કર્યો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ ગુરુદક્ષિણા ઉપરાંત વાદકો, ગાયકો, સાઉન્ડ સિસ્ટમ, વગેરે માટે એમણે આ નાણાં ચૂકવવાનાં હતાં. વર્ષો સુધી ભરતનાટ્યમની સાધના કર્યા બાદ છેલ્લાં છ મહિનાથી દીકરી પાયલ આરંગેત્રમ માટે તૈયારી કરી રહી હતી. એનો એકલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેથી ખર્ચો પણ સારો એવો થવાનો હતો. પરિવારને આ મોટા પ્રસંગનો ઘણો જ ઉત્સાહ હતો, પરંતુ આ શું?

વડા પ્રધાને 8 નવેમ્બરની રાતે આઠ વાગ્યે જાહેર કર્યું કે પાંચસો અને હજારની જૂની નોટો બંધ થઈ રહી છે!

આને કહેવાય ઈવેન્ટ રિસ્ક એટલે કે ઘટનાનું જોખમ. કોઈ ઘટના જોખમ ઊભું કરે એવી દુર્ઘટનાઓ ઘણી વાર આપણા જીવનમાં બનતી હોય છે.

ઝીણવટભર્યું આયોજન કરવા છતાં ગરબડો થઈ શકે છે. પાયલનો આરંગેત્રમનો પ્રોગ્રામ સારી રીતે પતી ગયો અને વાદકોએ તથા ગાયકોએ ચેકથી પેમેન્ટ સ્વીકારી લીધું. મેક-અપ આર્ટિસ્ટ, સાઉન્ડ સિસ્ટમના લોકો તથા બીજા કેટલાક લોકોએ થોડા દિવસ પેમેન્ટ માટે રાહ જોવાનું કહીને ધરપત આપી. બૅન્કના મેનેજરે પણ થોડી ઘણી નાની નોટો આપવાની મદદ કરી.

આ ઘટનામાં ઊભું થયેલું જોખમ બાહ્ય ઘટનાને લીધે હતું, ક્યારેક લોકોના અંગત જીવનમાં બનનારી ઘટના પણ બધું ઊંધું-ચત્તું કરી નાખતી હોય છે,જેમકે…

શ્રદ્ધા એનો પતિ સમીર અને બે પુત્ર – પરેશ અને અમિતનો મધ્યમવર્ગીય પરિવાર હતો. સમીરની નોકરી સારી હતી અને શ્રદ્ધાએ દસ વર્ષીય સમીર અને સાત વર્ષના અમિતના ઉછેર માટે ગૃહિણી બની રહેવાનો નિર્ણય લીધો હતો. મુંબઈના ઉપનગરમાં એ પરિવાર રહેતો હતો. સમીર નિયમિત રીતે મ્યુચ્યુઅલ ફંડની ASIP માં રોકાણ કરતો હતો. આ ઉપરાંત એણે બે ટર્મ પ્લાન પણ લીધા હતા અને તેના રોકાણનો પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ હતો. બીજી નાણાકીય બાબતોની પણ પૂરતી કાળજી રાખવામાં આવી હતી. એમના ઘરમાં ફાલતુ ખર્ચ થતો ન હતો.

આ પણ વાંચો…..ડાઇવર્સિફિકેશન નથી કર્યું?

એક શુક્રવારની સાંજે પુણેમાં બિઝનેસ મીટિંગ પતાવીને સમીર મુંબઈ પાછો ફરી રહ્યો હતો અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર એની કારને અકસ્માત નડ્યો. ઘટનાસ્થળે જ એનું નિધન થયું. શ્રદ્ધા અને બન્ને પુત્ર પર આપદા આવી ગઈ. એ વાતને સાત વર્ષ વીતી ગયાં. એ ત્રણેયે સંજોગોને સ્વીકારી લીધા, પણ એ સમયે તો એમના પારિવારિક જીવનમાં આફત આવી હતી.

ફાઇનાન્શિયલ પ્લાનર તરીકે હું કહી શકું છું કે ઉપરોકત બન્ને ઉદાહરણના આધારે આવી મુશ્કેલ ઘડીઓમાં કેવી રીતે કામ લેવું જોઈએ, પરંતુ મારે એટલું કબૂલ કરવું જોઈએ કે ઊપરવાળાની સામે કોઈનું ચાલતું નથી અથવા તો બધી પરિસ્થિતિઓ આપણા નિયંત્રણમાં હોતી નથી.

આવી પરિસ્થિતિમાં સર્વાંગી દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી છે. જો કે, આમ કરવા કરતાં કહેવું સહેલું છે.

છેલ્લાં અનેક વર્ષોથી પ્રેક્ટિસિંગ ફાઇનાન્શિયલ પ્લાનર, કટારલેખક અને ટીવી શોના ગેસ્ટ તરીકેના મારા અનુભવ પરથી હું હંમેશાં સલાહ આપું છું કે લોકોએ પોતાની નાણાકીય સ્થિતિ પર નિયમિતપણે નજર નાખતાં રહેવું જોઈએ. એ કામ એકલા-એકલાએ નહીં, સજોડે કરવું જોઈએ. દર ત્રણ મહિને કે વર્ષમાં એક વાર થોડા કલાકો ગાળીને સ્થિતિનું અવલોકન કરવું જોઈએ. એ દિવસને ‘ફાઇનાન્શિયલ ડેટિંગ’ કહીએ તો કેવું!

આ દિવસોએ સજોડે આવક, ખર્ચ, વિવિધ રોકાણ, લોન હોય તો લોન, વગેરેની ચર્ચા કરવી અને તેને લગતા નાણાકીય દસ્તાવેજો જ્યાં પડ્યા હોય ત્યાં ફરીથી ચકાસી લેવા અને બરોબર ન રાખ્યા હોય તો તેનું ફાઇલિંગ કરી લેવું. રોકાણ કર્યું હોય એવી અલગ અલગ જગ્યાઓએ પોતાનું સરનામું પણ જરૂર પડ્યે અપડેટ કરાવી લેવું. કોઈ કામ માટે નાણાંની જરૂર પડવાની હોય તો તેનું પણ પ્લાનિંગ કરી લેવું.

આ પણ વાંચો…..જોખમ સમય પરિવર્તનનું પણ છે

કેટલીક ઘટનાઓ ઓચિંતી બનતી હોય છે. તેને બનતાં રોકી શકાય નહીં, પરંતુ એ વાત એટલી જ સાચી છે કે જે યુગલો નિયમિતપણે પોતાની નાણાકીય સ્થિતિની સમીક્ષા
કરતાં હોય છે એ અણધાર્યા મુશ્કેલ સમયને સારી રીતે સંભાળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button