અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોનાં મૃત્યુ, 6ની હાલત ગંભીર

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 6 લોકોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે, અમૃતસર જિલ્લાના મજીઠાના મડઈ અને ભાગલી ગામમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 6 લોકોની હાલત ગંભીર છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે અને હાલ મામલાની તપાસ શરૂ છે.
અમૃતસરના ડેપ્યુટી કમિશનર સાક્ષી સાહનીએ કહ્યું, મજીઠામાં એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બની હતી. અમને ગઈ રાત્રે 5 ગામમાંથી લોકોએ દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની માહિતી મળી હતી. મેડિકલ ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. સરકાર શક્ય તમામ મદદ કરી રહી છે. મૃત્યુઆંક વધે નહીં તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે સપ્લાયર્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2022 માં ગુજરાતના બોટાદ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં લઠ્ઠાકાંડની દુર્ઘટના બની હતી, જેમાં 42 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ થયા હતા. આ ઘટનામાં પીડિતોએ દારૂ સમજીને મિથાઈલ આલ્કોહોલ (મિથેનોલ) પી લીધું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઝેરી કેમિકલ એક કેમિકલ પેકેજિંગ કંપનીના કર્મચારી પાસેથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હતું અને બુટલેગરોને વેચવામાં આવ્યું હતું.
આપણ વાંચો: બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર, જલ્દી મળશે મોબાઇલ નેટવર્કની સમસ્યામાંથી રાહત