ટોપ ન્યૂઝરાજકોટ

રાજકોટ ભાજપના નેતાની વિવાદીત પોસ્ટ, 240માં સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે

રાજકોટઃ ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૂ હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. રાજકોટમાં વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ સોશિયલ મીડિયામાં 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે અને જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે તેવી વિવાદીત પોસ્ટ કરી હતી. જોકે વિવાદ થતાં તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો અને પોસ્ટ ડિલીટ કરી હતી.

શહેર ભાજપના પ્રમુખે જણાવ્યું કે કોર્પોરેટર ચેતન સુરેજાને તેના કોઈ સંબંધીએ આવી પોસ્ટ મોકલી હતી. તે તેણે શેર કરી હતી. જે તેણે કરવું જોઈતું નહોતું. આ અંગે અમે પ્રદેશનું ધ્યાન દોર્યું છે અને કોર્પોરેટરે પોતે ખેદ વ્યક્ત કર્યો હતો અને આ પોસ્ટને ડિલીટ કરી હતી.

શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું કે ભાજપના કોર્પોરેટર સૈન્ય કાર્યવાહીને રાજકારણના ચશ્મા પહેરીને જુએ છે. ઈ.સ. 1971માં ઈન્દિરા ગાંધીની સરકાર હતી અને પાકિસ્તાન સામેના યુધ્ધમાં ભારતનો જ્વલંત વિજય થયો અને પાકિસ્તાનના બે ટૂકડા થયા ત્યારે કોંગ્રેસે આવી કોઈ વાત કરી ન્હોતી. વળી, હાલની સ્થિતિમાં કોંગ્રેસે ભાજપને દેશહિતમાં પૂરૂ સમર્થન કર્યું હતું તે સર્વવિદિત છે છતાં ભાજપના બેજવાબદાર કોર્પોરેટર આવી બાલીશ પોસ્ટ વાઇરલ કરે તે અત્યંત ગંભીર બાબત છે છતાં ભાજપ દ્વારા તેની સામે કોઈ પગલા લેવાયા નથી કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યું નથી. તેમણે કોર્પોરેટરને સસ્પેન્ડ કરીને કડક પગલા લેવા માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા.

ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન, 14 વ્યક્તિઓએ દેશવિરોધી, લોકોમાં વૈમનસ્ય ફેલાય અને સૈન્યનું મનોબળ તોડે તેવા લખાણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભૂજમાં 2 FIR ઉપરાંત જામનગર, જુનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત શહેર, વડોદરા, પાટણ અને ગોધરા જિલ્લામાં એક-એક મળી કુલ 14 FIR દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો…..ભરૂચ ભાજપમાં ભડકોઃ હોદ્દેદારોની નિમણૂકને લઈ અસંતોષ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button