જલંધરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું; અમૃતસરથી ફ્લાઈટ ડાઈવર્ટ કરવામાં આવી…

નવી દિલ્હી: યુદ્ધવિરામની જાહેરાત છતાં પાકિસ્તાને આજે ફરી ભારતના ઘણા વિસ્તારો તરફ ડ્રોન છોડ્યા હતાં. પંજાબના ઉધમપુરમાં નોર્ધન કમાંડ અને એરફોર્સ સ્ટેશન ઉપર લગભગ 15 ડ્રોન ઉડતા દેખાયા હતાં. કટરામાં પણ 5 ડ્રોન દેખાયા હતાં.
પંજાબના જાલંધરમાં ડ્રોન જોવા મળ્યાના અહેવાલો છે. જલંધર જિલ્લાના સુરનાસી ગામ નજીક વિસ્ફોટો સંભળાયા હતા. જાલંધરના ડેપ્યુટી કમિશનર હિમાંશુ અગ્રવાલે જણાવ્યું હતું કે, “મને જાણ કરવામાં આવી છે કે સશસ્ત્ર દળો દ્વારા રાત્રે 9.20 વાગ્યે માંડ ગામ નજીક એક સર્વેલન્સ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. નિષ્ણાત ટીમ કાટમાળ શોધી રહી છે. લોકોને વિનંતી છે કે જો તમને કાટમાળ મળે તો તેની નજીક ન જાઓ અને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાથી જાલંધરમાં કોઈ ડ્રોનની હિલચાલની જાણ થઈ નથી. તેમણે કહ્યું, “હું લોકોને વિનંતી કરું છું કે શાંત રહો અને ફટાકડા ન ફોડો કારણ કે કેટલાક વિસ્તારોમાં આવું બન્યું છે. ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરનારા લોકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.”
જલંધરમાં ડ્રોન જોવા મળ્યા બાદ અમૃતસરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જેને કારણે, દિલ્હીથી અમૃતસર જતી ઇન્ડિગોની ફ્લાઇટને સાવચેતીના ભાગ રૂપે દિલ્હી પાછી મોકલવામાં આવી છે. ક્રૂએ મુસાફરોને જાણ કરી હતી કે ફ્લાઇટ પાછી ફરી રહી છે કારણ કે કેપ્ટનને અમૃતસર એરપોર્ટ પર લેન્ડ કરવા માટે મંજૂરી મળી નથી.