હાય હાય યહ મજબૂરીઃ ટ્રેનના ફૂટબોર્ડ પર યુવતીનો જોખમી પ્રવાસ, વીડિયો વાઈરલ

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનો પ્રવાસીઓ માટે લાઈફલાઈન છે, પરંતુ વધતી અનિયમિતતા અને ઘટતી રફતારને કારણે રોજ લાખો પ્રવાસીઓને જીવના જોખમે પ્રવાસ કરવાની નોબત આવે છે. સબર્બન રેલવેમાં રોજ લોકલ ટ્રેન મોડી પડે છે, તેમાંય વળી મધ્ય રેલવેની લોકલ ટ્રેનો મોડી પડ્યા પછી પ્રવાસીઓને પીકઅવર્સમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, જ્યારે એક ટ્રેનમાં તો મહિલા-પ્રવાસીઓને જીવના જોખમે ટ્રાવેલ કરવી પડી હતી, જેનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ રેલવે પ્રશાસનની વધતી બેદરકારીની ઝાટકણી કાઢી હતી.
મુંબઈની લોકલ ટ્રેનોમાં પીક અવર્સમાં હૈયેહૈયું દળાય એવી ભીડમાં પ્રવાસીઓ દરવાજામાં લટકીને મુસાફરી કરવા મજબૂર બને છે, એમાં મહિલા પ્રવાસીઓ પણ બાકાત નથી, જેનો જીવતો જાગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં ચાલતી લોકલ ટ્રેનના ફૂટબોર્ડ પર મહિલા મુસાફરો જોખમી રીતે લટકતી જોવા મળે છે. લોકલ ટ્રેનની રફતાર સાથે ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને કેટલી હાલાકી પડતી હોય છે તેના અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા.
આ પણ વાંચો: મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…
એક પ્રવાસીએ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલી આ ટૂંકી ક્લિપમાં મહિલાઓ ભીડવાળી ટ્રેનના ફૂટબોર્ડ પર લટકતી જોવા મળે છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ, કલ્યાણથી ઉપડતી લેડીઝ સ્પેશિયલ ટ્રેન 40 મિનિટ મોડી પડ્યા પછી ટ્રેનમાં ભયંકર ભીડ થઈ હતી, તેથી તેમને ભીડવાળી ટ્રેનમાં ટ્રાવેલ કરવાની ફરજ પડી હતી.
આ વીડિયો વાયરલ થતાં જ પ્રવાસીઓની સહાયતા માટેનું સત્તાવાર X એકાઉન્ટ પર રેલવે સેવા તરફથી પ્રતિક્રિયા મળી હતી, જેમાં જણાવાયું હતું કે જરૂરી કાર્યવાહી માટે સંબંધિત અધિકારી @Drmmumbaicr ને સૂચના આપવામાં આવી છે અને આ મામલો મુંબઈ સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)ને સોંપવામાં આવ્યો છે. રેલવે સેવાએ મુંબઈ સેન્ટ્રલ રેલ્વેના રેલ્વે પ્રોટેક્શન ફોર્સના સત્તાવાર X એકાઉન્ટને પણ ટેગ કરી આ બાબતની તપાસ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈમાં વધુ એક મેટ્રો ટ્રેન દોડાવવા માટે પ્રશાસન સજ્જઃ દહીસર-ભાયંદરવાસીઓને થશે રાહત
દરમિયાન વાઈરલ વીડિયો અંગે ઘણા યુઝર્સે ટ્રેનો મોડી પડવાના કારણે આવી અસુરક્ષિત પરિસ્થિતિઓ પર ચિંતા વ્યક્ત કરી, જ્યારે ઘણા લોકોએ મહિલા મુસાફરોની આટલી જોખમી રીતે મુસાફરી કરીને પોતાનો જીવ જોખમમાં મૂકવા બદલ ટીકા કરી. મુંબઈ સબર્બન રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને ફૂટબોર્ડ પર મુસાફરી કરવાના જોખમો વિશે વારંવાર ચેતવણીઓ આપે છે અને તેને સલામતી માટે ગંભીર ખતરો ગણાવે છે, પરંતુ વાઈરલ વીડિયોએ રેલવેની પોલ ખોલી નાખી હતી.
મધ્ય રેલવેમાં રોજના 1,800થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાં એસી લોકલ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. વધતા લોકલ ટ્રેનના નેટવર્ક વચ્ચે પણ મર્યાદિત કોરિડોરની મર્યાદાને કારણે પ્રવાસીઓને ગીચ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડે છે, તેમાંય વળી ટ્રેનો મોડી પડવાને કારણે પ્રવાસીઓને પીકઅવર્સમાં ઘેટા-બકરાના માફક પ્રવાસ કરવો પડે છે, પરંતુ હજુ આ લાઈફલાઈન પ્રવાસીઓ માટે ડેથલાઈન બની રહે છે, એવો રેલવે પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો.