વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતા ગૌતમ ગંભીરની પોસ્ટ વાયરલ; કહ્યું ‘સિંહની જેમ…’

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ આજે સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. વિરાટે નિવૃત્તિ જાહેર કર્યા બાદ દુનિયાભરમાં ફેલાયેલા તેના ચાહકો તેણે ટેસ્ટ ફોર્મેટમાં મેળવેલી સિદ્ધિઓને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને વિદાય સંદેશ આપી રહ્યા છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વિરાટની નિવૃત્તિ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ (Gautam Gambhir on Virat Kohli’s test retirement) કરી છે. આ પોસ્ટ હાલ ચર્ચાનો વિષય બની છે.
ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર વિરાટનો એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું, ‘સિંહ જેવો જુસ્સો ધરાવતો માણસ! મને તારી ખૂબ યાદ આવશે.’
આ પણ વાંચો: કોહલીએ ‘વિરાટ ટેસ્ટ કારકિર્દીમાં’ 16,608 બૉલમાં બનાવ્યા 9,230 રન
IPL માં થઇ હતી તકરાર:
ગંભીરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે IPL 2023 દરમિયાન ગંભીર અને કોહલી વચ્ચે મેદાન પર જ ઉગ્ર બોલચાલ થઇ હતી. ત્યાર બાદ ઘણાં મહિનાઓ સુધી બંને વચ્ચે ખટાસભર્યા સંબંધો રહ્યા હતાં. જોકે ગંભીર ભારતીય ટીમના કોચ બન્યા બાદ બંને એ જૂની તકરાર ભૂલીને ટીમ માટે સાથે કામ કરીને દેશને ઘણી સિદ્ધિઓ અપાવી હતી. હવે ગંભીરે વિરાટ અંગે કરેલી પોસ્ટને લોકો પસંદ કરી રહ્યા છે.
વિરાટ રેકોર્ડથી ચુક્યો:
વિરાટે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરતા ઘણા ચાહકો પણ ખૂબ નિરાશ છે. કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 10,000 રનનો આંકડો પણ પાર કરી શકે તેમ હતો. વિરાટે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 46.85 ની સરેરાશથી 9,230 રન બનાવ્યા છે. 770 બનાવતા જ વિરાટ 10,000 રન બનાવવાની સિદ્ધિ મેળવી શક્યો હતો. જોકે એ પહેલા જ તેને ટેસ્ટ ક્રિકેટમાંથી વિદાય જાહેર કરી છે.