લાતુરમાં શિક્ષકની હત્યાના કેસમાં ફરાર બે આરોપી હૈદરાબાદથી પકડાયા…

લાતુર: લાતુર જિલ્લાના નિલંગા તહેસીલમાં ગયા મહિને શિક્ષકની થયેલી હત્યાના કેસમાં ફરાર બે આરોપીની હૈદરાબાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે નવ પર પહોંચી છે.
શુક્રવારે પકડાયેલા બંને આરોપીઓની ઓળખ અઝહર મોહંમદ અને ગજેન્દ્ર સર્વદે તરીકે થઇ હોઇ સ્થાનિક કોર્ટે તેમને 13 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. નિલંગા તહેસીલના કાસારશિર્શી પોલીસ સ્ટેશનની ટીમે આ કાર્યવાહી કરી હતી, એમ ઇન્સ્પેક્ટર અજય પાટીલે જણાવ્યું હતું.
ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા સંબંધે અહીના ગામમાં 26 એપ્રિલે બપોરે જૂથ અથડામણ થઇ હતી. બદુલ ગામનો શિક્ષક ગુરુલિંગ હાસુરે તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે હરીફ જૂથનો સમજી તેના પર ટોળાએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજા પહોંચતાં તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે આ પ્રકરણે અઝહર મોહંમદ અને ગજેન્દ્ર સહિત નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં સાત જણની ધરપકડ કરાઇ હતી, જ્યારે બે જણ ફરાર હતા. દરમિયાન પોલીસ ટીમને માહિતી મળી હતી કે ગુનામાં સામેલ બે ફરાર આરોપી હૈદરાબાદમાં છુપાયા છે. આથી પોલીસ ટીમ ત્યાં રવાના થઇ હતી અને બંનેને પકડી પાડ્યા હતા. (પીટીઆઇ)