યુદ્ધવિરામ અને અમેરિકાની મધ્યસ્થી મુદ્દે કોંગ્રેસના નેતાએ સરકાર પર ઉઠાવ્યા સવાલ…

નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ યુદ્ધવિરામની જાહેરાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનનાં સૈન્ય અધિકારીઓએ માહિતી જણાવી હતી. આ સિઝફાયરની જાહેરાત મુદ્દે વિપક્ષ ભાજપ પર સતત સવાલ ઉઠાવી રહ્યો છે.
BSF જવાનની મુક્તિ મુદ્દે કર્યો પ્રશ્ન
આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યુદ્ધવિરામ અંગેની માહિતી પીએમ મોદીએ જણાવી નહોતી, પરંતુ તેની જાણકારી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી. આ મુદ્દે પવન ખેરાએ ડોનાલ્ડ ટ્રમ્પને ટેગ કરીને સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું હતું કે અમારા BSF જવાન પૂર્ણમ સાહુને પાકિસ્તાનની કેદમાંથી ક્યારે મુક્ત કરવામાં આવશે?
BSF જવાનને પાકિસ્તાન રેન્જર્સે કસ્ટડીમાં લીધો
ગત મહિને 23 એપ્રિલના રોજ પંજાબના ફિરોઝપુર નજીક પાકિસ્તાન રેન્જર્સે એક BSF જવાનને કસ્ટડીમાં લીધો હતો જેણે અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. BSF એ ભારત-પાકિસ્તાન સરહદનું રક્ષણ કરતું મુખ્ય દળ છે, જે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યોમાં 3,323 કિમી લાંબી સરહદનું રક્ષણ કરે છે, જેમાં LoCના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે.
કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર?
હાલમાં જ યુદ્ધવિરામ પર કોંગ્રેસે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે શું તેમણે કાશ્મીરના મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતાનો સ્વીકાર કરી કીધો છે? કોંગ્રેસે આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ટીકા કરી હતી. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીનાં હેડ ક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસનાં મહાસચિવ સચિન પાયલટે કહ્યું હતુ કે ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધવિરામની જાહેરાત કરવાનું પગલું અભૂતપૂર્વ હતું અને તે ઘણા પ્રશ્નો ઉઠાવનાર છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં સરકારે વડા પ્રધાનની અધ્યક્ષતામાં બીજી સર્વપક્ષીય બેઠક બોલાવવાની અને આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષની માંગ સ્વીકારવી જોઈએ.
આપણ વાંચો: નિશિકાંત દુબેને પવન ખેરાએ આપ્યો જવાબઃ ટ્વીટના જવાબમાં ટ્વીટ