
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંગે નિરંતર ભારતીય આર્મી પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ કરી રહ્યું છે. આજે આ મુદ્દે ફરી ત્રણેય પાંખના અધિકારીઓની સંયુક્ત કોન્ફરન્સમાં મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. પહલગામ હુમલાના 19 દિવસ પછી બંને દેશ વચ્ચે હવે શાંતિનો માહોલ ઊભો થઈ રહ્યો છે ત્યારે આજે આર્મીની ત્રણેય પાંખની સંયુક્ત કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે પાકિસ્તાનની હરકતો સામે ભારતની ડિફેન્સ સિસ્ટમ દીવાલના માફક અડીખમ રહી હતી. જોકે, પહલગામ હુમલાને કારણે પાકિસ્તાનનું પાપ પોકાયું હતું અને તેનો બદલો લેવા સિવાય છૂટકો નહોતો, તેથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માસૂમ નાગરિકોનો જીવ બચાવવામાં રહ્યા નિષ્ફળ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પછી ભારતની ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે આક્રમણ કરવા માટે સજ્જ હતું. એટલું જ નહીં, પાકિસ્તાન આપણી એર ડિફેન્સ ગ્રિડ સિસ્ટમને ભેદી શક્યું નહોતું. આતંકવાદીઓની ગતિવિધિમાં ધીમે ધીમે ફેરફાર થઈ રહ્યો છે. આપણી મિલિટરીની સાથે સાથે માસૂમ નાગરિકોનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા, તેથી હુમલા થયા હતા. 2024માં જમ્મુના શિવખોરી મંદિરે જતી વખતે શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો.
એર ડિફેન્સ સિસ્ટમ દીવાલના માફક રહી અડીખમ
એના પછીનો હુમલો એપ્રિલ મહિનાના પહલગામનો હુમલો પણ ખતરનાક ઉદાહરણ છે. પહલગામ સુધી પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો, એના પછી જે થયું એના અંગે વિસ્તારથી જણાવી ચૂક્યા છીએ. ભારતને સંપૂર્ણ શક હતો કે પાકિસ્તાન હુમલો કરશે, તેથી ભારતે પણ ડિફેન્સની તૈયારી કરી હતી. રાજીવ ઘઈએ કહ્યું હતું કે અમે પણ તૈયાર હતા. અમારી ડિફેન્સ સિસ્ટમ તૈયાર હતી. એર ડિફેન્સ સિસ્ટમ પણ વોલના માફક અડીખમ હતી. આ હુમલાઓનો રોકવા માટે તૈયારી કરી હતી, તેમાંય વળી જ્યારે હૌંસલે બુલંદ હો તો સફળતા તમારા કદમો ચૂમે છે.

નુકસાન માટે પાકિસ્તાન પોતે છે જવાબદાર
દરમિયાન ડીજી ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એકે ભારતીએ કહ્યું હતું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે. એટલા માટે અમે સાતમી મેના રોજ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો, પરંતુ કમનસીબે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું અને લડાઈ પોતાની બનાવી લીધી. આ સંજોગોમાં ભારત માટે કાર્યવાહી કરવાનું જરુરી હતું અને ભલે પાકિસ્તાનને નુકસાન થયું, પરંતુ એના માટે પોતે જ જવાબદાર છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભવિષ્યમાં પણ કોઈ પણ ઓપરેશન હાથ ધરવા તૈયાર
અમે સરહદ પાર કર્યા વિના હુમલો કર્યો હતો અને પાકિસ્તાનીઓની મિસાઈલો તોડી પાડી હતી. તેઓ ભારતની હવાઈ સંરક્ષણ ગ્રીડમાં પણ પ્રવેશી શક્યા નહોતા. આતંકવાદીઓના ચોક્કસ કેમ્પ પર હુમલો કર્યા હતા. નવમીના રાતના પાકિસ્તાન એર ફોર્સ દ્વારા હવાઈ ટીમ અને લોજિસ્ટિક્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓના કેમ્પ સામે હતી, પરંતુ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને સાથ આપ્યો હતો. ભારતના તમામ સૈન્ય છાવણી અને મિલિટરી બેઝ કેમ્પ સંપૂર્ણ રીતે એક્ટિવ છે અને જરુર પડશે તો ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના મિશનને પૂરા કરવા માટે સજ્જ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.