સ્પોર્ટસ

કોહલીએ ‘વિરાટ ટેસ્ટ કારકિર્દીમાં’ 16,608 બૉલમાં બનાવ્યા 9,230 રન

પાકિસ્તાન સામે એકેય ટેસ્ટ નહોતો રમ્યો, સૌથી વધુ રન ઑસ્ટ્રેલિયા સામે કર્યા

મુંબઈ: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના મહાન બૅટ્સમેનોમાં ગણાતા લેજન્ડરી ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)એ ટી-20 પછી હવે તેના સૌથી પ્રિય ટેસ્ટ ક્રિકેટ (test cricket)ને સોમવારે સવારે ગુડ-બાય કરી એ સંદર્ભમાં આપણે અહીં તેના ખાસ ટેસ્ટ-વિક્રમો અને સિદ્ધિઓ પર એક નજર કરીએ. ઉલ્લેખનીય છે કે 2008ના મુંબઈ-ટેરર અટૅક બાદ ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટમાં દ્વિપક્ષીય સંબંધો તોડી નાખવાને કારણે 2011માં ટેસ્ટ-ડેબ્યૂ કરનાર કિંગ કોહલીને 14 વર્ષની કરીઅરમાં પાકિસ્તાન સામે એકેય ટેસ્ટ નહોતી રમવા મળી.

કોહલી 36 વર્ષનો છે. તે વન-ડે રમવાનું ચાલુ રાખશે. તેણે 2011માં કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.
કોહલીએ ટેસ્ટ કરીઅરમાં સૌથી વધુ 2,232 રન ઑસ્ટ્રેલિયા સામે કર્યાં હતા અને સૌથી વધુ નવ સેન્ચુરી પણ ઑસ્ટ્રેલિયા સામે નોંધાવી હતી.

પિતાના અગ્નિસંસ્કાર બાદ રમવા આવી ગયેલો:

મૂળ દિલ્હીના આ ક્રિકેટરે તેની શાનદાર કરીઅર હજી શરૂ પણ નહોતી થઈ ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટની ચાર દિવસીય એક મૅચ વખતે રાત્રે તેના પિતાના અવસાન બાદ સવારે તેમની અંતિમ ક્રિયા કર્યાં બાદ વિરાટ ગણતરીના કલાકોમાં દિલ્હી વતી ફરી રમવા આવ્યો હતો અને અસાધારણ બૅટિંગ પર્ફોર્મન્સથી દિલ્હીની ટીમને પરાજય સામે બચાવી હતી. ત્યાર બાદ તેની ભવ્ય કારકિર્દીનો સૂરજ ઊગ્યો હતો.

ટેસ્ટ કરીઅરની આંકડાબાજી…

  • -ટૉપ ઓર્ડરનો રાઈટ-હૅન્ડ બૅટ્સમૅન વિરાટ કોહલી 2011-2025 દરમ્યાન 123 ટેસ્ટની 210 ઇનિંગ્સ રમ્યો હતો.
  • -વિરાટે 46.85ની સરેરાશે કુલ 16,608 બૉલનો સામનો કરીને 9,230 રન કર્યાં હતા. -તેણે 30 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરી ફટકારી હતી.
  • -સાઉથ આફ્રિકા સામેના અણનમ 254 રન તેનો હાઈએસ્ટ સ્કોર હતો.
  • -તેણે કુલ સાત ડબલ સેન્ચુરી મારી હતી.
  • -તે 13 વખત અણનમ રહ્યો હતો.
  • -તેણે કુલ 30 સિક્સર અને 1,027 ફોર ફટકારી હતી.
  • -કોહલીએ 123 ટેસ્ટમાં 121 કૅચ ઝીલ્યા હતા.

કિંગ કોહલીની રેકૉર્ડ-બુક:

  • -કેપ્ટન તરીકે સૌથી વધુ નવ ટેસ્ટ સિરીઝ-વિજય.
  • -ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ 40 ટેસ્ટ-વિજય.
  • -ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ એશિયન સુકાની (2018-19માં).
  • -સતત ચાર ટેસ્ટ શ્રેણીમાં ડબલ સેન્ચુરી.
  • -કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છ ડબલ સેન્ચુરી.
  • -ભારતીય ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ 20 સેન્ચુરી.
  • -ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ 5,864 ટેસ્ટ રન.
  • -ભારતીય ટેસ્ટ કેપ્ટનોમાં હાઈએસ્ટ ઇનિંગ્સ-સ્કોર (સાઉથ આફ્રિકા સામે અણનમ 254).
  • -સતત 50 ટેસ્ટ ઇનિંગ્સમાં સૌથી વધુ રન કરનારાઓમાં 3,309 રન સાથે બ્રેડમૅન, રિચર્ડ્સ, સંગકારા, જયવર્દને, લારા, પોન્ટિંગ પછી સાતમા નંબરે.
  • -ભારતીય બૅટ્સમેનોમાં હાઈએસ્ટ સાત ડબલ સેન્ચુરી.
  • -ઑસ્ટ્રેલિયામાં ભારતીય બૅટ્સમેન તરીકે હાઈએસ્ટ સાત સદી.
  • ભારતીય બૅટ્સમેનોમાં પાંચ વાર કૅલેન્ડર-યરમાં હાઈએસ્ટ રન (2012, 2015, 2016, 2018 અને 2023માં).

નિવૃત્તિની જાહેરાત બાદ મુંબઈ ઍરપોર્ટ પર અનુષ્કા સાથે….

વિરાટ કોહલીએ સોમવારે સવારે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું હોવાની જાહેરાત કરી ત્યાર બાદ સવારે તે પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈ વિમાનીમથકે જોવા મળ્યો હતો.

ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરતાં પહેલાં Virat Kohliએ કર્યું કંઈક એવું કે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button