“હું રાવણ છું, અહીંનો દાદો છું”: અમદાવાદમાં સ્ટંટ રોકવા જતાં પોલીસકર્મી પર હુમલો

અમદાવાદ: અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ વર્તી રહ્યા હોવાના અનેક બનાવો મીડિયામાં આપણે જોયા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ અમદાવાદમાં બન્યો છે, જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલે પેટ્રોલીગ દરમિયાન રિક્ષાથી સ્ટંટ કરતા એક રિક્ષાચાલકને આ બાબતે રોકીને પૂછતાં રિક્ષા ચાલકે પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરીને માર માર્યો હતો. આ મામલે પોલીસકર્મીએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે રિક્ષા રોકતા ઉશ્કેરાયો રિક્ષા ચાલક
મળતી વિગતો અનુસાર ઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મયુરભાઇ સોલંકી પીસીઆર વાનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન રાત્રિના 11 વાગ્યા આસપાસ મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એક રિક્ષા ચાલક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. હેડ કોન્સ્ટેબલે રિક્ષા ઉભી રખાવીને તેને ઠપકો આપ્યો હતો. આથી રિક્ષા ચાલક ઉશ્કેરાયો હતો અને પોતાની ઓળખ કાલુ ઉર્ફે રાવણ પટણી તરીકે આપીને ધમકી આપવા લાગ્યો હતો. રિક્ષા ચાલકે પોલીસકર્મીને ધમકી આપતા કહ્યું કે, ‘હું રાવણ છું અહીંનો દાદો છું, તુ મારી રિક્ષા કેવી રીતે ઉભી રખાવી શકે.’
પોલીસકર્મી સાથે મારામારી
પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેણે મારામારી શરૂ કરી અને ફોન કરીને પોતાના ભાઈ શ્રવણ પટણી તથા બે મહિલાને બોલાવી લીધા હતા. આ ચારેય લોકોએ પોલીસ સાથે મારામારી કરી અને ધમકી આપી હતી. ફરિયાદની વિગતો અનુસાર આરોપીઓએ પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને બેભાન હોવાનું નાટક કરીને સારવાર માટે જવાનું કહી રિક્ષા લઈને ફરાર થઈ ગયા હતા.
હોમગાર્ડ જવાન પર હુમલો
જ્યારે અન્ય એક બનાવમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ દેસાઇએ શ્રવણ પટણી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર શ્રવણ પટણી પોલીસ સ્ટેશન આવ્યો હતો અને પોતાની ઓળખ રાવણના ભાઈ તરીકે આપી હતી. તેણે હોમગાર્ડ જવાનોને ધમકી આપી હતી કે તેઓ વિસ્તારના દાદા છે અને પોલીસવાળા તેમના ધ્યાનમાં જ છે. આ દરમિયાન, હોમગાર્ડ જવાનોએ તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો તો તેણે હોમગાર્ડ જવાન કિર્તિભાઇને પથ્થર મારીને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. કિર્તિભાઇ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…..રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું, રૂપિયાની માંગણી કરી