એકસ્ટ્રા અફેર: અમેરિકાએ આતંકવાદીઓને ફાયદો કરાવી દીધો-ભરત ભારદ્વાજ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ આશ્ચર્યજનક રીતે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં. વધારે આશ્ચર્યજનક વાત એ છે કે, ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં છે તેની જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી.
ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ મૂકીને કહ્યું કે, અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે એ જણાવતાં મને આનંદ થાય છે. હું બંને દેશોને એક સમજદારીભર્યો અને બુધ્ધિપૂર્વકનો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.
ટ્રમ્પના નિવેદને સ્વાભાવિક રીતે જ ગૂંચવાડો પેદા કરી દીધેલો કેમ કે ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ દેશે સત્તાવાર રીતે યુધ્ધવિરામ સ્વીકાર્યો હોવાની જાહેરાત કરી નહોતી. ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનના ઝગડામાં પક્ષકાર પણ નથી તેથી પણ ગૂંચવાડો હતો પણ એકાદ કલાકમાં ભારત અને પાકિસ્તાન બંનેએ સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરી નાખતાં ટ્રમ્પ સાચા સાબિત થયા. અલબત્ત ભારત અને પાકિસ્તાન બંનેએ યુદ્ધવિરામ સ્વીકાર્યાની જાહેરાત જે રીતે કરી એ પણ આશ્ચર્યજનક છે.
ભારત તરફથી વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરી. ટ્રમ્પના નિવેદનના 30 મિનિટ પછી વિદેશ સચિવ વિક્રમ મિસરી સાંજે 6 વાગ્યે પ્રેસ બ્રીફિગ માટે આવ્યા અને એલાન કર્યું કે, પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓએ શનિવારે બપોરે 3:35 વાગ્યે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો હતો. આ ફોન પછી શનિવારે સાંજે 5 વાગ્યાથી બંને પક્ષો ગ્રાઉન્ડ, એર અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા. આ કરારનો અમલ કરવા માટે બંને પક્ષોને સૂચનાઓ આપવામાં આવી છે અને બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ડીજીએમઓ 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાત કરશે.
આશ્ચર્યની વાત એ છે કે, વિક્રમ મિસરીએ માત્ર 42 સેક્નડમાં પોતાનું નિવેદન વાંચી દીધું અને પછી કશું કહ્યા વિના ચાલ્યા ગયા. કોઈ સવાલ નહીં ને કોઈ જવાબ નહીં. વિક્રમ મિસરીના નિવેદની મિનિટોમાં પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે કહ્યું કે, પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. ડારે ડહાપણ પણ ડહોળ્યું કે, પાકિસ્તાન હંમેશાં તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે. ઈશાક ડારે એવું ચિત્ર ઊભું કરવા પ્રયત્ન કર્યો કે, પાકિસ્તાને નહીં પણ ભારતે સમાધાન કરીને યુદ્ધવિરામ સ્વીકાર્યો છે.
અમેરિકા છેલ્લા ઘણા દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો કરાવવા પ્રયત્નશીલ હતું અને ડોનલ્ડ ટ્રમ્પે તો મધ્યસ્થીની ઓફર પણ કરી હતી. ટ્રમ્પે સૌથી પહેલાં ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં હોવાની જાહેરાત કરી તેના પરથી લાગે છે કે, ભારત અને પાકિસ્તાન બંનેએ ટ્રમ્પની મધ્યસ્થીની વાત સ્વીકારી છે અથવા સ્વીકારવી પડી છે.
અત્યારે વાસ્તવિકતા એ છે કે, ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં છે અને બંને દેશો હવે પછી લશ્કરી કાર્યવાહી કરવાનાં નથી પણ ટ્રમ્પની મધ્યસ્થીથી યુદ્ધવિરામ સ્વીકારાયો હોય તો તેનાથી બહુ મોટો ફરક પડે છે કેમ કે અમેરિકા ભારતીયોની લાગણીને સમજતું નથી અને પોતાનાં હિતો જ જુએ છે. પહલગામ હુમલા પછીનું અમેરિકાનું વલણ જોશો તો આ વાત સમજાશે.
પહલગામના આતંકવાદી હુમલા પછી મેદાનમાં આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો બિયો પણ તણાવ ઓછો કરવા મથ્યા કરતા હતા. રૂબિયોએ બુધવારે રાત્રે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વાત કરી ત્યારે બંને દેશોને તણાવ ઓછો કરવા અને દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે મળીને કામ કરવા અપીલ કરી હતી. એ પછી અમેરિકાએ જે નિવેદન આપ્યું એ ભારતને માફક આવે એવું નહોતું. બલકે ભારત માટે આંચકાજનક પણ હતું કેમ કે અમેરિકાએ આતંકવાદની નિંદા કરી હતી પણ ભારતને સંયમ રાખવા પણ કહ્યું હતું.
ભારતે શાના માટે સંયમ રાખવો જોઈએ ? પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને ભારતીયોની હત્યા કરે એ પછી પણ અમેરિકા ભારતને સંયમ રાખવાની સૂફિયાણી સલાહ આપ્યા કરતું હતું તેનો મતલબ એ થયો કે, અમેરિકાને ભારતીયો મરી જાય તેનાથી કોઈ ફરક પડતો નથી.
અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામમાં પણ એ જ વાત છે કેમ કે ભારતીયોને મારનારા આતંકવાદીઓને આ યુદ્ધવિરામથી સૌથી વધારે ફાયદો થશે. યુદ્ધથી કોઈને ફાયદો થતો નથી ને નુકસાન જ થાય છે એ કહેવાની જરૂર નથી. આ વાસ્તવિકતાને સ્વીકારીને ભારત અને પાકિસ્તાન બંનેએ નુકસાન નિવાર્યું છે પણ યુદ્ધવિરામના કારણે જે મૂળ મુદ્દો છે એ ઉકેલાયો નથી અને અમેરિકાએ આતંકવાદીઓને ફાયદો કરાવી
દીધો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના મૂળમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ છે. પાકિસ્તાન આતંકવાદીઓને તાલીમ આપે છે અને પછી ભારતમાં ઘૂસાડીને નિર્દોષ લોકોની હત્યાઓ કરાવે છે. પહલગામમાં એ જ થયેલું ને તેના કારણે ભારતે લશ્કરી કાર્યવાહી કરવી પડેલી. ભારતે લશ્કરી કાર્યવાહીમાં આતંકવાદીઓ સામે જ કરેલી ને આતંકવાદી કેમ્પોનો ખુરદો બોલાવી દીધો હતો. પાકિસ્તાન આર્મી એ પછી તરત પિક્ચરમાં આવ્યું કેમ કે આતંકવાદીઓનું સંરક્ષક પાકિસ્તાનનું આર્મી જ છે તેથી પાકિસ્તાનનું આર્મી ભારતનું ઉપરાણું લઈને કૂદી પડેલું.
આપણ વાંચો: ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં તેનો મતલબ એ થયો કે, ભારત હવે પાકિસ્તાનના લશ્કર સામે કોઈ કાર્યવાહી નહી કરે પણ સાથે સાથે આતંકવાદીઓ સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરે. તેના કારણે આતંકવાદીઓને રાહત થઈ જશે. ભારતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને પંજાબમાં ઘૂસીને ઘણા બધા આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો પણ આતંકવાદી નેટવર્ક સંપૂર્ણપણે નાશ નથી થયું.
ભારતે સતત હલ્લાબોલ ચાલુ રાખ્યું હોત તો આતંકવાદીઓના બધા અડ્ડા સાફ થઈ ગયા હોત. હવે યુદ્ધવિરામ સ્વીકારી લીધો તેથી ભારતે આતંકવાદીઓ સામેનું ઓપરેશન પણ બંધ રાખવું પડશે. તેના કારણે આતંકવાદીઓને ફરી બેઠા થવાનો સમય મળી જશે. પાકિસ્તાન આર્મીને પણ ફરી પીઓકે અને પાકિસ્તાનના પંજાબ સહિતના વિસ્તારોમાં પણ નવેસરથી આતંકવાદી કેમ્પો ઊભા કરવાનો સમય મળી જશે. મતલબ કે, યુદ્ધવિરામથી સૌથી વધારે ફાયદો આતંકવાદીઓને થશે.