ધર્મતેજ

ફોકસ: પ્રબુદ્ધ પાટણની પ્રતિભા

-ભારતી શાહ

ઉ.ગુજરાતનાં બનાસકાંઠે વહેતી સરસ્વતી નદીના કિનારે વસેલી જાજરમાન, જાહોજલાલી ધરાવતી એક ઐતિહાસિક નગરી, આજે પણ તેની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિનો પાયો બુલંદ છે. આ નગરમાં અનેકાનેક પરમાત્માનાં જિનાલયોમાં સમી સાજે, ગોધૂલીની વેળાએ ઝાલરોનાં નાદ રણકી રહ્યાં છે. શિખરોની ધજાઓ આન, બાન, શાન સાથે નભોમંડળમાં લહેરાઈ રહી છે. કંઈક કેટલાય પવિત્ર પુણ્યશાળી પનોતા પુત્રોએ આ નગરમાંથી પ્રવજયાંનાં પંથે પ્રયાણ કર્યું છે. માતા સરસ્વતી અને મા લક્ષ્મીજી ક્યારેય સાથે રહેતાં નથી એવી લોકવાયકા છે. પણ ના! આ લોકવાયકા આ નગરી માટે ખોટી સાબિત થઈ છે. અહીં લક્ષ્મીનંદનો અને સરસ્વતી પુત્રો સાથે જ રહે છે. કલાકારીગરી ક્ષેત્રે પણ પાટણનો જોટો જડે તેમ નથી. યાદ આવે છે ને ઐતિહાસિક રાણકીવાવ જેનું નામ સમગ્ર વિશ્વમાં ચર્ચાઈ રહ્યું છે. ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચને બ્રાન્ડ એમ્બેસેડર બની પાટણની શાનને સુંદરતામાં અભિવૃદ્ધિ કરી છે. તો બીજી તરફ ગુજરાતી ગાયકો પોતાનાં ગીતોની યાદીમાં પાટણનાં પટોળાને યાદ કર્યા વગર રહી શકતા નથી. પાટણનાં પાંચ સ્વાદિષ્ટ પકવાનોનો સ્વાદ જે ન કરે તે પટણી જ ના કહેવાય.

માતા જ્યારે ગર્ભમાં બાળક સાથેનો સંબંધ જોડે છે ત્યારથી એ સંબંધ જીવનના અંતિમ શ્વાસ સુધી સચવાઈ રહે છે. તેવી જ રીતે દરેક જૈન શાસનને પામેલા આપણા સહુનો હોવો જોઈએ. આ ભૂમિના જાજરમાન સંસ્કૃતિનાં વારસાને આપણે જાળવવા પ્રયત્ન કરીએ.

આ છે કુમારપાળ રાજા.
નિત્ય પ્રભાતે પરમાત્માની પૂજા કરતાં, પુષ્પ પૂજા કરતાં જ સૌ પ્રથમ નામ શ્રી કુમારપાળનું જ લેવામાં આવે છે. શા માટે?

“પાંચ કોડીને ફુલડે, પામ્યાં દેશ અઢાર,

રાજા કુમારપાળનો, વત્યો જય જયકાર.”

એ સમયે પાટણમાં સોલંકી યુગ ચાલતો હતો. રાજા સિદ્ધરાજની આણ વર્તાતી હતી, પરંતુ રાજાને કોઈ જ સંતાન યોગ નહોતો. સર્વજ્ઞ કલિકાલ હેમચંદ્રાચાર્ય પણ તે સમયે પાટણમાં જ હતા. રાજાએ ખૂબ જ ઉત્કંઠાથી ગુરુદેવની પાસે આવીને વંદન કર્યા, વિનયપૂર્વક ગુરુની આજ્ઞા લઈને સ્થાન ગ્રહણ કરતાં પૂછ્યું; “હે ગુરુદેવ! મારાં મૃત્યુ પછી ગુજરાતનો રાજા કોણ થશે?” સર્વજ્ઞ તો જ્ઞાનનાં અપ્રતિમ ભંડાર હતા. જ્ઞાનની લબ્ધિ તેઓશ્રીને વરેલી હતી. અંબિકાદેવી પણ તેમના પર સદાય પ્રસન્ન રહેતા. ગુરુદેવ આ પ્રશ્નનો ઉત્તર જાણતા હતા. તેમ છતાં ક્ષણિક પોતાનાં નેત્રો બંધ કરીને મા અંબિકાદેવીનું સ્મરણ કરી તેમની પાસેથી જવાબ માગ્યો. મા એ પણ કહ્યું; ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ સિદ્ધરાજ પછી પોતાનું રાજ્ય સંભાળશે. ત્યારે હેમચંદ્રસૂરિજીને ખ્યાલ આવી ગયો કે, કુમારપાળ રાજા બનશે એ વાત સિદ્ધરાજને જરાય નહીં ગમે, તે જરૂરથી કુમારપાળને મારી નખાવવા પ્રયત્નો કરશે. એ જ સમયે સિદ્ધરાજને આ જાણ થતાં તે સમજી ગયો કે હવે પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ નહીં થાય, પોતાનું ધ્યાન કુમારપાળનો કાંટો કાઢી નાખવા પર ગયું અને પોતાની રીતે કાર્ય આરંભ્યું.

ત્રિભુવનપાળ અને રાજા સિદ્ધરાજ બંને સગા કાકાના દીકરા ભાઈઓ હતા. બંને વચ્ચે અનન્ય પ્રેમ હતો અને બંને ભાઈઓ એકબીજાને ખૂબ માન આપતા. પરંતુ હવે સિદ્ધરાજનું મન બદલાવા માંડ્યું. ત્રિભુવનપાળની પત્ની કાશ્મીરાદેવીના પેટમાં એક ઉત્તમ જીવ આવ્યો. નવ મહિના પૂર્ણ થતાં કાશ્મીરાદેવીએ એક સુંદર અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ. આ બાળક વિશાળ રાજ્ય પ્રાપ્ત કરશે અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે. ત્રિભુવનપાળ શૈવ ધર્મ પાળતા. સમયનાં વહેતા વહેણ સાથે વ્યવહારિક શિક્ષણ અને યુદ્ધકાળમાં કુમારપાળ નિષ્ણાત બન્યો. યૌવન અવસ્થામાં આવતા ભોપળદેવી સાથે તેનાં લગ્ન થયા એ સમયે તેઓ દધિસ્થલીમાં રહેતાં હતાં.

એકવાર ત્રિભુવનપાળની સાથે કુમારપાળ પણ પાટણ ગયા. તેમણે શ્રી હેમચંદ્રાચાર્યની ખૂબ પ્રશંસા સાંભળી હતી. ઉપાશ્રયે પહોંચીને મસ્તક નમાવી ગુરુવંદન કર્યું, સુખશાતા પૂછીને પોતાનો અલ્પ પરિચય આપ્યો. ગુરુદેવે ધર્મલાભ કહી આર્શીર્વાદ આપ્યા. કુમારપાળ અત્યંત પ્રભાવિત થયા તે જ ઘડીએ તેમનાં હૈયામાં શ્રી હેમચંદ્રાચાર્ય માટે અનેરો આત્મીય ભાવ અને સાહજિક આકર્ષણ જાગ્યું. ગુરુ તરીકે સ્વીકાર કરીને તેમની પાસેથી નિયમ લીધો કે, “જીવનમાં પરદારા સેવન કદાપિ નહીં કરું.”

કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યને પૂછ્યું: “ભગવત ! મનુષ્ય કયા ગુણ વડે શોભે?” ગુરુએ ફરમાવ્યું; સત્વ વડે. કુમારપાળે આ જવાબ બરોબર યાદ રાખી લીધો, જાણે તેને જીવનમંત્ર લાધ્યો. આચાર્ય દેવે કુમારપાળને ભાવિ જીવન અંગે નિર્દેષ આપ્યો અને કહ્યું: “જો જે કુમાર તારા માથે દુ:ખના ડુંગર તૂટી પડવાનાં છે, પણ તું હિંમત નહીં હારતો, તારા સત્વનો પરિચય કરાવજે.”

કુમારપાળ ગુરુદેવનાં વચનો સાનમાં સમજી ગયો. માત્ર 24 વર્ષની ઉંમરે કુમારપાળ વેશપલટો કરીને રાન-રાન રખડ્યો. મહાભારત અને રામાયણનાં વનવાસ કરતાં પણ વધુ કારમો વનવાસ આ કુમારપાળે વેઠ્યો છે. એમ કરતાં એક વખત તે ખંભાત આવી ચડ્યો. શ્રી હેમચંદ્રાચાર્ય પણ આ સમયે ખંભાતમાં જ હતા, તે જાણીને કુમારપાળ ઉપાશ્રયમાં ગુરુભગવંતને વંદન કરવા પહોંચી ગયા. અને કહ્યું કે: “હે! આચાર્ય ભગવંત! આપ તો જ્ઞાની છો, રાજાનાં ઘરમાં જન્મ લેવા છતાં હું વન-વન ભટકી રહ્યો છું, મને કહો કે મારાં આ અસહ્ય દુ:ખનો અંત ક્યારે આવશે? મારાં પ્રારબ્ધમાં સુખ છે કે નહીં?”

ગુરુભગવંત ધ્યાનસ્થ બન્યા તેમની દેવી અંબિકાના શબ્દો યાદ આવ્યા. કુમારપાળને કહ્યું; “વત્સ! તને થોડા વખત પછી રાજ્ય મળશે, તું આ ગુજરાતનો રાજા બનીશ.” કુમારપાળ આ જવાબ સાંભળી હસી પડ્યો… તેણે કહ્યું: જ્યાં એક જ ભિખારી કરતાંય મારી ખરાબ દશા છે, બે-ત્રણ દિવસ સુધી તો ખાવા અન્ન નથી મળતું એવો અભાગી હું રાજા ક્યાંથી બનવાનો? તે સમયે મહામંત્રી ઉદયન ત્યાં આવીને બેઠા. કુમારપાળે ફરીથી એક પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ! આપ મને કહી શકશો કે કયાં વર્ષમાં, ક્યા મહિનામાં ને કઈ તિથિના દિવસે હું રાજા થઈશ? ગુરુદેવે આ માટેનું ભવિષ્ય કથન પોતાના શિષ્ય પાસે બે કાગળમાં લખાવ્યું. એક કાગળ કુમારપાળને આપ્યો અને બીજો કાગળ મહામંત્રી ઉદયનને આપ્યો. તેમાં જણાવ્યું હતું કે, “વિ.સ. 1199, માગસર વદ ચોથના દિવસે કુમારપાળને રાજગાદી મળશે.”

આચાર્યદેવે ઉદયન મંત્રીને બાજુમાં લઈ જઈ કુમારપાળની તકલીફ સમજાવી અને કહ્યું; “આ ભવિષ્યના રાજા છે. તેની પ્રાણ રક્ષા કરવાની છે. સિદ્ધરાજ તેને મારવા પ્રયત્નશીલ છે તેને તમારી હવેલીમાં કોઈને ખબર ન પડે તેમ રાખજો.” ગુરુદેવની આજ્ઞા શિરે ચઢાવી મંત્રી કુમારપાળને પોતાને ત્યાં લઈ ગયા. ઘણાં વખતે કુમારપાળે ભોજન કર્યું. સ્નાન કર્યું અને ઘણાં લાંબા સમયની ઊંઘ ખેંચી કાઢી. સિદ્ધરાજ ખંભાતમાં આવી પહોંચ્યા છે. તેની જાણ થતાં જ ઉદયન મંત્રી તેને ફરીથી ઉપાશ્રયમાં મૂકી આવ્યા. ત્યાં ગુરુદેવે એને ભોંયરામાં પુસ્તકોનાં ભંડાર પાછળ સંતાડી દીધા. સિદ્ધરાજ અને તેના સૈનિકો ત્યાંથી પાછા ફરતા કુમારપાળને ભોંયરામાંથી બહાર કાઢ્યો. કુમારપાળે ગુરુદેવનો અશ્રુભરી આંખોથી ઉપકાર માન્યો અને કહ્યું: “આજથી હું તમારો દાસ છું. શ્રી હેમચંદ્રાચાર્ય આશિષ વચનો આપતાં કહ્યું, રાજ્ય મળે ત્યારે જેને ધર્મનો પ્રચાર કરજે, ભવિષ્યમાં અસંખ્ય જીવોની તું રક્ષા કરજે.” ગુરુ ભગવંતે ખૂબ જ ચાલાકી વાપરીને કુમારપાળને આ ઉપદેશ આપ્યો હતો. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જુદા જુદા ત્રણ અવસરોએ કુમારપાળનો જીવ બચાવ્યો હતો.

આપણ વાંચો:  અલૌકિક દર્શન : શિવતાંડવ એટલે સંહારરૂપી નૃત્ય – લીલા

જે રીતે મહાવીર અને ગૌતમ, કૃષ્ણ અને અર્જુન, રામ અને હનુમાનની જોડી હતી તેવી જ રીતે સર્વજ્ઞ કલિકાલ હેમચંદ્રાચાર્ય અને કુમારપાળની જોડી બંધાઈ ગઈ હતી એટલું જ નહીં પણ વિશ્વમાં અમર થઈ ગઈ છે. વિ. સંવત 1199 આવતાં કુમારપાળ પાટણ આવી પહોંચ્યા. તેમની બહેન પ્રેમલદેવીના ઘરે રહ્યા. બનેવી કૃષ્ણદેવે તેને યોગ્ય સન્માન સાથે સાચવ્યા.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button