આમચી મુંબઈ

મલાડ સબ-વૅમાં ફ્લડિંગ રોકવા અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બંધાશે

મુંબઈમાં ૩૮૬ સ્થળ પર પાણી ભરાય છે: ૪૮૨ પમ્પ બેસાડવાની યોજના

મુંબઈ: મલાડ સબ-વેમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી કાયમી છૂટકારો મળે તે માટે રેલવે પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અન્ડરગ્રાઉન્ડ ટેન્ક બાંધવાનો વિચાર મુંબઈ મહાનગરપાલિકા કરી રહી છે. મુંબઈમાં હજી પણ ૩૮૬ ફ્લડિંગ સ્પોટ હોવાથી (પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તાર) જુદા જુદા સ્થળે ૪૮૨ પમ્પ બેસાડવાની સાથે જ વરસાદની પાણીનો નિકાલ કરવા મોબાઈલ પમ્પનો ઉપયોગ આ વર્ષે ચોમાસામાં સુધરાઈ કરવાની છે.

ચોમાસું નજીક હોઈ મુંબઈમાં નાળાસફાઈથી લઈને ગટરો પહોળી કરવી તથા રસ્તાઓના કામ ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યા છે, જેથી પૂરજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે નહીં. છતાં જો મુંબઈમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાયાં તો તે માટે કૉન્ટ્રેક્ટર જ નહીં પણ અધિકારી પણ જવાબદાર હશે એવું એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

પશ્ર્ચિમ ઉપનગરમાં ચાલી રહેલા નાળાસફાઈના કામનાં નિરીક્ષણ દરમ્યાન અભિજિત બાંગરે જણાવ્યું હતું કે મુંબઈમાં હજી ૩૮૬ નીચાણવાળા વિસ્તારો છે, જયાં હળવાથી મધ્યમ વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની શક્યતા છે. ગયા વર્ષે આ વિસ્તરોમાં ૪૮૨ પમ્પ બેસાડવામાં આવ્યાં હતા. જોકે છેલ્લા એક વર્ષ દરમ્યાન વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનના જાળાનું વિસ્તારીકરણ કરવામાં આવ્યું હોવાથી પમ્પની સંખ્યા ઘટાડીનેે ૪૧૭ કરી નાખવામાં આવી છે.

પી-ઉત્તર વોર્ડમાં મલાડમાં રામચંદ્ર નાળાની ચાલી રહેલી સફાઈનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે મલાડ નીચાણવાળો વિસ્તાર હોવાથી થોડા વરસાદમાં પણ મલાડ સબ-વેમાં પાણી ભરાઈને વાહનવ્યવહાર ઠપ થઈ જાય છે. તેથી અહીં પૂર્ણ ક્ષમતા સાથેના પમ્પ બેસાડવામાં આવશે પણ કાયમી ઉકેલ સ્વરૂપે અહીં રેલવે પરિસરમાં પાણી ભરાય નહીં તે માટે રેલવે હદમાં પાણીનો સંગ્રહ કરવા માટે ટેન્ક બાંધી શકાય કે નહીં તેની ફીઝિબિલિટી સ્ટડી બાદ નિર્ણય લેવામાં આવશે.

ખાર અને અંધેરી સબ-વેમાં વધુ ક્ષમતા પમ્પ બેસાડાશે

ઈર્લા અને અને મોગરા નાળું ઓશિવરા નદીને મળે છે. ભરતીના સમયમાં મોગરા નાળાના પ્રવાહને અસર થઈને ચોમાસામાં નીચાણવાળા રહેલા અંધેરી સબ-વેમાં પણ પાણી ભરાવાની શક્યતા છે. ચોમાસામાં અંધેરી સબ-વે બંધ થાય નહીં તે માટે વધુ ક્ષમતા પમ્પ બેસાડવામાં આવવાના છે.

લોંખડની જાળીનો ફાયદો

એસએનડીટી અને ગઝધરબંધ નાળાઓની આજુબાજુ લોંખડની જાળી લગાવવાથી ઘરનો કચરો નાળામાં ઠાલવવાનું પ્રમાણ ૯૦ ટકા જેટલું ઓછું થયું છે. તેથી હવે મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં લોકવસતીમાં રહેલા નાળાઓની આજુબાજુ લોખંડની જાળી બેસાડવામાં આવશે. ગયા વર્ષે આ પરિસરમાં ૨૪ ઠેકાણે પાણી ભરાતા હતા તેમાં હવે ઘટાડો થઈને તેની સંખ્યા ૧૩ થઈ ગઈ છે

આ પણ વાંચો…..કેઇએમ હોસ્પિટલમાં જાતીય સતામણી: આરોપી ડોક્ટરને કોર્ટની રાહત નહીં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button