ધર્મતેજ

આ એક રોટલાથી શું થાય? મારા કુટુંબમાં અમે ત્રણ જણ છીએ

શિવ રહસ્ય -ભરત પટેલ

અચાનક એક દિવસ ધર્માત્મા નંદભદ્રનો પુત્ર મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતા થોડા દિવસ બાદ નંદભદ્રની પત્ની કનકા પણ મૃત્યુ પામી. તે પ્રખર શિવભક્ત હોવાથી પોતાના મનને મનાવ્યું કે જેવી ભગવાન શિવની ઇચ્છા. તેણે પોતાના ધર્મ પરની શ્રદ્ધા જરાય ડગવા ન દીધી. પત્નીના મૃત્યુ બાદ ગૃહસ્થધર્મ નિભાવવાનું કપરું હતું, પણ પોતે અડગ રહ્યો. એક દિવસ મોકો મળતાં જ મિત્ર સત્યવ્રત નંદભદ્રને કહે છે કે, મિત્ર નંદભદ્ર તમારા પર જે વિપત્તી આવી પડી છે તે જોતાં તો મને એમ લાગે છે કે ધર્મ ફક્ત આઘાત આપવાનું સાધન છે, જ્યારથી તમે પથ્થર પૂજવાનું શરૂ કર્યું છે ત્યારથી તમારી દુર્દશા થઈ છે. તમારો વહાલસોયો દીકરો અને પત્ની તમને નોંધારા મૂકીને ચાલી ગયાં, આવું ફળ તો કુકર્મીઓને મળવું જોઈએ, તમારા જેવા ધર્મનિષ્ઠોને નહીં. હાલમાં તમે બ્રાહ્મણોને જમાડો છો તે શું મૃત્યુ પામેલા તમારા પુત્ર કે પત્નીને મળતું હશે.' બુદ્ધિશાળી નંદભદ્ર કહે છે,મિત્ર તારું નામ સત્યવ્રત છે. તમે કહો છો કે ધર્મનું આચરણ કરનાર હંમેશા દુ:ખી રહે છે તે વાત તદ્દન અસત્ય છે, ધર્મનું પાલન કરનાર હંમેશાં પૂર્ણ સુખને પામે છે, મનને અપાર શાંતિ મેળવે છે. ધર્મની ભૂમિકા શુદ્ધ હોય છે. ધર્મનું બીજ એ પવિત્ર ભૂમિમાં જ પલ્લવિત થાય છે. ધર્મી મનુષ્ય સાચો શ્રીમંત છે. ધર્મ નિત્ય છે. સર્વ શત્રુઓનો ધર્મ નાશ કરે છે. ધર્મની શુદ્ધભાવના જે માનવ ધારણ કરે છે તે નિર્મળ અને પુનિત બને છે. ધર્મ દ્વારા મેળવેલી કમાણી આલોક અને પરલોકમાં પણ કામ આવે છે. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના શરીર જેવું છે, શબ સમાન છે. શિવકથા કે ધર્મકથા મનુષ્યના પાપને બાળી નાખે છે અને તન મનને શાંતિ આપે છે. ધર્મમાં અજબ પ્રકારની તાકાત છે, જે કોઈ માનવ ઇષ્ટદેવની આરાધના કે ઉપાસના કરે તો તે જીવ મોક્ષે જાય છે. ધર્મ જીવન જીવવાની કળા શીખવે છે. હું પૂછું છું કે શું આંધળો સૂર્યદેવને જોઈ શકે છે? બ્રહ્માથી માંડીને સર્વ દેવતાઓ, મહાત્માઓ, ઋષિમુનિઓ અને ચક્રવર્તી રાજાઓ પણ પોતાના ઇષ્ટદેવની આરાધના – ઉપાસના કરે છે. હજારો વર્ષ અગાઉ એમના દ્વારા સ્થાપિત મૂર્તિઓ આજેય મોજૂદ છે. ધાર્મિક વ્યક્તિનું કામ સૂતેલાને જગાડવાનું અને અનીતિ આચરનારને ઢંઢોળવાનું છે. ધાર્મિક થવું તે સાધન છે. ધાર્મિક દેખાવું તે વિલાસ છે અને ધાર્મિક બનવું તે પોતાના આત્મહિતાર્થ માટે જ છે. નારાયણના નામનું નાણું જેની પાસે છે તેનો ખજાનો ક્યારેય ખૂટતો નથી.’

ધર્માત્મા નંદભદ્રની સામે લૂચ્ચો સત્યવ્રત ભોઠો પડી ગયો. સત્યવ્રતને ધર્માત્મા નંદભદ્રએ પંચાક્ષર મંત્ર ઓમ નમ: શિવાય' આપ્યો અને તે દિવસથી સત્યવ્રતના જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન આવી ગયું. નંદભદ્ર ભગવાન શંકરના સાક્ષાત દર્શન કરવાના હેતુથી કપિલેશ્વર મંદિરમાં ગયો અને પ્રાર્થના કરતાં કહ્યું,પ્રભુ, જ્યાં સુધી આપ મને દર્શન નહીં આપો ત્યાં સુધી હું અહીં ઊભા રહીને નામ સ્મરણ કરતો રહીશ.’

સ્કંદપુરાણ આ કથાને સુપેરે આલેખતાં કહે છે કે નંદભદ્રને ચોથે દિવસે ભગવાન શિવે બાળસ્વરૂપે દર્શન આપ્યા હતા. ભગવાન શિવના સાક્ષાત દર્શનથી નંદભદ્ર કૃતકૃત્ય થઈ ગયો.

ભગવાન શિવ નંદભદ્રને દર્શન આપી કૈલાસ પરત ફર્યા. માતા પાર્વતી ભગવાન શિવને કહે છે:

માતા પાર્વતી: `પ્રભુ, ઘણા સમયથી પૃથ્વીલોક પર ભક્તોની પરિસ્થિતિથી અજાણ છીએ, તમે સાથ આપતા હોવ તો જઈને જોઈએ તેઓ શું કરી રહ્યા છે.’

ભગવાન શિવ: `ચાલો દેવી! હું પણ મારા ભક્તોને જોવા ઉત્સુક છું.’

ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વીલોક પર ભ્રમણ કરતા હોય છે એ જ સમયે માતા પાર્વતીનું ધ્યાન એક ભૂખ્યા ભક્તને સ્મશાનમાં ચિતાના અંગારા પર રોટલો શેકતા જોઇ તેમનું હૃદય દ્રવી ઉઠયું.

માતા પાર્વતી: `સ્વામી મને લાગે છે કે આપનું કઠોર હૃદય આપના ભાવિક ભક્તોની દુર્દશા જોઈને પણ પીગળતું નથી. ઓછામાં ઓછું ભૂખ્યાજનો માટે ખાવાની વ્યવસ્થા તો કરવી જોઈતી હતી, પેલો બીચારો ભર્તૃહરિ પિંડ માટે આપવામાં આવેલ લોટના રોટલા સ્મશાનમાં શેકી રહ્યો છે.

ભગવાન શિવ: `દેવી તમને તો ખબર જ છે કે, બ્રહ્મા ઉત્ત્પત્તિ કરે છે, વિષ્ણુ પોષણ કરે છે અને હું શિવ સંહાર કરું છું, અનન્ય ભક્તો માટે મારા દ્વાર હંમેશા ખુલ્લાં જ છે, પરંતુ કોઈ આવે તો ને? કોઈ વસ્તુ આપવામાં આવે તો પણ ક્યાં લે છે? દુ:ખ સહન કરી લેશે પણ લાંબો હાથ નહિ કરે.’

માતા પાર્વતી: `તો શું તમારા અનન્ય ભક્તોને આજીવિકાની પણ નથી પડી, કોઈપણ ભક્તની આકરી કસોટી કરવાની તો તમારી આદત છે. જો વિશ્વાસ ન બેસતો હોય તો જાતે જ જઇને પરિક્ષા લઈ જુઓ, પણ દેવી પરિક્ષા વખતે જરા સાવધાની રાખશો.’

ભગવાન શિવનો આદેશ મળતાં જ માતા પાર્વતી ભિખારણનું રૂપ ધારણ કરી ભર્તૃહરિ પાસે પહોંચ્ાી કાકલૂદીભરી વાણીમાં કહ્યું.

માતા પાર્વતી: `બેટા હું ઘણા દિવસથી ભૂખી છું મને થોડુંક ખાવાનું આપે તો તારી મહેરબાની, ભગવાન તારી બધી મનોકામના પૂર્ણ કરશે.’

ભર્તૃહરિએ ત્રણેક રોટલા પિંડ માટે આપવામાં આવેલ લોટમાંથી ચિતા પર ચડાવીને તૈયાર કર્યા. તેમાંથી એક રોટલો આ માતા પાર્વતીને આપ્યો
માતા પાર્વતી: `બેટા, આ એક રોટલાથી શું થાય? મારા કુટુંબમાં અમે ત્રણ જણ છીએ, વળી કેટલાક દિવસથી અમે ભૂખ્યા પણ છીએ.’

ભર્તૃહરિએ બાકીના બચેલા બે રોટલા પણ માતા પાર્વતીને આપી દીધા અને વિચાર્યું કે, `પોતાની પાસેના રોટલા બીજા ભૂખ્યા માણસોના પેટની આગ બૂઝાવશે.’ પોતે કમંડળમાંથી છોડું પાણી પી લીધુ અને ચાલવાની તૈયારી કરી.

માતા પાર્વતી: `બેટા, તું ક્યાં જાય છે, હું જગદંબા ભવાની તને દર્શન આપવા આવી છું,’ હું તારા પર પ્રસન્ન છું, તને જોઈતું વરદાન માગ.’

ભર્તૃહરિ (બે હાથ જોડી) : `માતા તમે હમણાં જ તમારી અને તમારા પરિવારની ભૂખ મટાડવા મારી પાસેથી રોટલા માગ્યાં, જે કોઈ અન્ય પાસેથી ભીખ માગીને પોતાનું ગુજરાન કરે, તે શું આપી શકે? તમારા જેવી ભિખારણ પાસે હું શું માગું?’

પ્રસન્ન માતા પાર્વતી પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે, ભર્તૃહરિ મસ્તક નમાવી પ્રણામ કરે છે અને કહે છે:

ભર્તૃહરિ: `હે જગત જનની માતા પાર્વતી, આપ જો પ્રસન્ન થયાં હો તો એવું વરદાન આપો કે મને જે કાંઇ મળે તે દીન દુ:ખીયાઓમાં વહેંચી શકું.’

માતા પાર્વતી: `તથાસ્તુ’ કહી વરદાન આપે છે. માતા પાર્વતી અને ભગવાન શિવ આગળ વધે છે.

ભગવાન શિવ: હે દેવી! મારા ભક્તોને કંઈ જ મળતું નથી, માટે દરિદ્ર હોય છે એમ ન માનશો, ભક્તિની સાથોસાથ ઉદારતા તેમને દાન આપવા પ્રેરે છે. માનવ વ્યક્તિત્વને આકર્ષક બનાવવાવાળી કોઈ પણ વસ્તુ હોય તો તેઉદારતા’ છે. ઉદારતા એ પ્રેમનું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્યક્તિ અન્યનું દુ:ખ જોઈ પોતે દુ:ખી થાય છે. ઉદારતા માનવમાત્રનું કર્તવ્ય છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button