વિરાટે `મધર્સ ડે’ નિમિત્તે અનુષ્કા શર્માને પણ આપી શુભેચ્છા…
સચિને માતાને ઈમોશનલ શુભકામના આપી કિંગ કોહલીએ મમ્મીને અને સાસુજીને પણ શુભકામના આપી

નવી દિલ્હીઃ દુનિયાભરમાં આજે મધર્સ ડે’ ઉજવવામાં આવે છે એવામાં ક્રિકેટરો પણ તેમની મમ્મીને યાદ કરવાનું અને શુભેચ્છા આપવાનું નથી ભૂલ્યા. વિરાટ કોહલીએ માત્ર તેના મમ્મીને જ નહીં, પણ પોતાના બાળકોની મમ્મી એટલે કે પત્ની અનુષ્કા શર્માને પણ વિશ કરવાનું નથી ચૂક્યો. વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે તેના મમ્મી, અનુષ્કા શર્મા અને અનુષ્કાના મમ્મીનો ફોટા શૅર કર્યો છે. સચિન તેંડુલકરે તેના મમ્મીને ઈમોશનલ શુભેચ્છા આપી છે. કોહલીની પહેલી અસ્પષ્ટ તસવીરમાં અનુષ્કા પુત્રી વામિકાને ખોળામાં લેતી જોવા મળે છે.
બીજી તસવીરમાં વિરાટના મમ્મી અને વિરાટની બાળપણની ઝલક જોવા મળી શકે છે. ત્રીજી તસવીર અનુષ્કા બાળપણની તસવીરમાં તેના મમ્મી સાથે જોવા મળે છે. વિરાટે આ ફોટો શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું છે, દુનિયાની તમામ માતાઓને મધર્સ ડેની શુભેચ્છા. મેં એક માંની કોખમાં જન્મ લીધો, એક માંએ મને પુત્રની જેમ અપનાવ્યો અને એક મમ્મીને મેં અમારા બાળકોને એક મજબૂત, પાલનપોષણ કરવાવાળી અને તેમની ખૂબ જ કાળજી રાખનારી વ્યક્તિ તરીકે ઊભરતી જોઈ છે. અનુષ્કા શર્મા, અમે બધા તમને દરરોજ વધુને વધુ પ્રેમ કરીએ છીએ.
એ સાથે, વિરાટે કૅપ્શનમાં રેડ હાર્ટ ઇમોજી પણ ઉમેર્યું હતું.
અનુષ્કા શર્માએ પણ મધર્સ ડે નિમિત્તે એક પોસ્ટ મીડિયામાં મોકલી છે. એમાં તેણે પોતાની મમ્મી અને સાસુજીની એક-એક તસવીર શૅર કરવાની સાથે લખ્યું છે, ` દુનિયાભરની તમામ ખૂબસૂરત મમ્મીઓને હૅપી મધર્સ ડેની શુભકામના.’
સચિને તેના મમ્મી માટેની શુભેચ્છામાં લખ્યું છે કે ‘ આજે હું જે કંઈ છું એ બધું મારી મમ્મીની પ્રાર્થનાથી શરૂ થયું હતું. મારી મમ્મી હંમેશાં મારો સહારો બની છે. અસ્સલ એવી રીતે જેવી રીતે દરેક મમ્મી પોતાના સંતાનો માટે બની રહેતી હોય છે. દુનિયાની તમામ માતાઓને હું મધર્સ ડેની શુભેચ્છા આપું છું.’