અમરેલી

અમરેલીમાં કડાકા ભડાકા સાથે થયો કમોસમી વરસાદ! ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો…

અમરેલીઃ ગુજરાતમાં અત્યારે બવડી ઋતુ ચાલી રહી છે, જેના કારણે અનેક વિસ્તારામાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભૂજ, પાટણ, મોરબી, કચ્છ, નખત્રાણા, ઊંઝા, શામળાજી, દ્વારકા, પોરબંદર અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે આ વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા હજી આગામી 13મી મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે અમરેલી પંથકમાં થયેલા વરસાદના કારણે અનેક ખેડૂતોને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદ આવ્યો છે. હવામાન વિભાગે તો હજી પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. જેથી ખેડૂતોને સવધાન રહેવાની જરૂર છે.

જગતના તાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો
અમરેલીની વાત કરવામાં આવે તો સાવરકુંડલા શહેર, બગસરામાં સાપર, સુડાવડ ગામ, વડેરા, નાના ભંડારીય અને ચલાલા શહેરમાં પણ કમોસમી વરસાદ થયો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણો લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ સામે જગતના તાતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શિળાયામાં આવેલું માવઠું વધારે નુકસાન નથી થતું પરંતુ ઉનાળામાં આવેલા વરસાદના કારણે ખેતપાકમાં મોટા પ્રમાણમાં બગાડ થયાં છે. અમરેલી સહિત અનેક વિસ્તારોમાં પણ ઉનાળુ પાકમાં બગાડ થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button