સિવિલ ડિફેન્સનો કોર્સ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ કરાશે…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સિવિલ ડિફેન્સના કોર્સને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષને ધ્યાનમાં લેતાં સ્વયંસેવક આધારિત ઈમરજન્સી રિસ્પોન્સ મિકેનિઝમ (તાકીદમાં સહાયરૂપ યંત્રણા) તરીકે સિવિલ ડિફેન્સના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સિવિલ ડિફેન્સ વિભાગે તાજેતરમાં રાષ્ટ્રવ્યાપી કવાયતના ભાગ રૂપે મોક ડ્રીલનું આયોજન કર્યું હતું, ભલે એજન્સી પાસે માનવશક્તિની અને તાલીમ સાધનોની અછત હોવા છતાં તેમણે સારી રીતે ડ્રિલ પાર પાડી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી મુકાબલા વચ્ચે સિવિલ ડિફેન્સની મુખ્ય ભૂમિકાને સમજીને સરકારે નજીવા દૈનિક ભથ્થાથી લઈને અપૂરતા સાયરન અને એમ્બ્યુલન્સ સુધીના મુદ્દાઓને ઉકેલીને એજન્સીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને આગામી શૈક્ષણિક વર્ષથી એન્જિનિયરિંગ કોલેજના અભ્યાસક્રમમાં એક અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે.
સિવિલ ડિફેન્સના ડિરેક્ટર પ્રભાત કુમારે જણાવ્યું હતું કે, સિવિલ ડિફેન્સના ડિરેક્ટર અને મુંબઈ યુનિવર્સિટીએ તાજેતરમાં એક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં શૈક્ષણિક અભ્યાસક્રમમાં સિવિલ ડિફેન્સના અભ્યાસક્રમનો સમાવેશ કરવાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કોર્સ મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ એન્જિનિયરિંગ કોલેજોમાં ભણાવવામાં આવશે અને તેમાં પચીસ માર્ક મળશે.
‘જે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રાષ્ટ્રની સેવા કરવા માગે છે તેમને આ કોર્સ દ્વારા તક મળશે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓને કટોકટી દરમિયાન બચાવ કામગીરી અને જીવન બચાવવાની તાલીમ આપવામાં આવશે.
તેઓ ખાસ કરીને કટોકટી અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ફાયર બ્રિગેડ અને હોસ્પિટલો જેવી સરકારી અને પાલિકાની એજન્સીઓ સાથે કામ કરવા માટે પણ તૈયાર રહેશે. દરિયાકાંઠાના જિલ્લાઓ અને પુણે, નાસિક અને છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત મોક ડ્રીલ બાદ સિવિલ ડિફેન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ કવાયતોનો ઉદ્દેશ સ્વયંસેવકો અને સામાન્ય લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. આ મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, એનડીઆરએફ અને અન્ય કટોકટી પ્રતિભાવ એજન્સીઓના લગભગ 10,000 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સિવિલ ડિફેન્સને મજબૂત બનાવવા માટે યોગ્ય પગલાં લઈ રહી છે અને તેનું પુનર્જીવન મળી રહ્યું છે. સિવિલ ડિફેન્સ માટે મંજૂર માનવશક્તિ 420 કર્મચારીઓની હોવા છતાં, રાજ્યભરમાં ફક્ત 135 સ્ટાફ સભ્યો સાથે કામ ચલાવવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે રત્નાગિરિ અને સિંધુદુર્ગ જેવા કેટલાક એકમોમાં ફક્ત એક જ પૂર્ણ-સમયનો સરકારી કર્મચારી છે.
‘કટોકટીની સ્થિતિમાં સિવિલ ડિફેન્સને તેની એમ્બ્યુલન્સ અને વાહનોની જરૂર પડે છે. જો કે, હાલના ઘણા વાહનો ખરાબ સ્થિતિમાં છે, જેમાં કેટલાક સ્ક્રેપ થવાના આરે છે,’ એમ અધિકારીએ નોંધ્યું હતું. સ્વયંસેવકોને હાલમાં તેમની સેવા માટે 150 રૂપિયાનું દૈનિક ભથ્થું મળે છે. આ રકમ વધારીને 500 રૂપિયા પ્રતિ દિવસ કરવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આપણ વાંચો : મુંબઈ યુનિવર્સિટીના ‘છબરડા’થી પરેશાન થયા ડિગ્રીધારકો, જાણો શું કરી ભૂલ?