શું પહલગામ હુમલા દરમિયાન ઉદ્ધવનું વેકેશન પર જવાનું, સર્વપક્ષી બેઠકમાં ગેરહાજરી, સેના (યુબીટી)ની છબીને નુકસાન પહોંચાડશે?

મુંબઈ: પહલગામ હુમલા દરમિયાન ઉદ્ધવ ઠાકરેનું વેકેશન પર જવાથી લઈને મહત્વપૂર્ણ સર્વપક્ષી બેઠકમાં ગેરહાજરી સુધી, શિવસેના (યુબીટી) કટોકટીના સમયે ગેરહાજરી માટે ટીકાનો સામનો કરી રહી છે, પક્ષના કાર્યકરો અને રાજકીય નિષ્ણાતો કહે છે કે વિરોધ પક્ષ પ્રત્યેની જનતાની ધારણાને અસર થઈ છે.
શિવસેના (યુબીટી)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે પરિવાર વેકેશન પરથી પાછો ફરી ગયો છે.
ઉદ્ધવ ઠાકરે છેલ્લે 19 એપ્રિલના રોજ એક જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા જ્યારે તેમણે પક્ષના મજૂર સંઘ, ભારતીય કામદાર સેનાને સંબોધન કર્યું હતું.
તેમની ગેરહાજરી જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા સાથે થઈ હતી, જેમાં બાવીસમી એપ્રિલે 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: ઉદ્ધવના નેતૃત્વ હેઠળની સેના ક્યારેય સમાધાન નથી કરતી, લડવામાં માને છે: સંજય રાઉત
શિવસેનાએ આ વાતનો મુદ્દો બનાવ્યો છે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને પક્ષના વડા એકનાથ શિંદેએ ગુરુવારે ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે પક્ષના નેતાઓ યુરોપમાં રજાઓ ગાળી રહ્યા હતા, જ્યારે તેમના કાર્યકરો કોમામાં હતા.
શિવસેના પક્ષના નેતા અને રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરા વધુ ટીકાત્મક રહ્યા છે.
‘મરાઠીવાદથી લઈને ભારતના પ્રવાસીઓ સુધી… ઠાકરે પરિવાર કેટલો નીચે પડી ગયો છે. જ્યારે પહલગામમાં ગોળીઓ વાગી રહી હતી, ત્યારે તેઓ યુરોપમાં વેકેશન માણી રહ્યા હતા,’ એમ દેવરાએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
‘મહારાષ્ટ્રને ફરજ પરના યોદ્ધાઓની જરૂર છે, વેકેશન પર રહેતા પાર્ટ-ટાઇમ નેતાઓની નહીં,’ એવો કટાક્ષ તેમણે કર્યો હતો.
ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લઈને આતંકવાદી સંગઠનના ગઢ પર હુમલો કર્યાના બે દિવસ પછી, નવમી મેના રોજ બીજી એક પોસ્ટમાં, શિવસેનાના નેતાએ ફરીથી પોસ્ટ કર્યું હતું કે, ‘ઉદાહરણ તરીકે, યુબીટીને લો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પ્રત્યેની તેમની નફરત ભારત અને મહારાષ્ટ્ર પ્રત્યેની નફરતમાં ફેરવાઈ ગયો છે.’ શિવસેના (યુબીટી)ના એક વિધાનસભ્યે પણ સ્વીકાર્યું હતું કે વેકેશન ગાળવું એ વ્યક્તિગત બાબત હોવા છતાં, આવા સમયે તેમણે જે રજા લીધી તે પાર્ટી માટે યોગ્ય નહોતું.
આ પણ વાંચો: રાજ ઠાકરેનો મોટો ચાહક, તેમના જેવા વ્યક્તિએ ઉદ્ધવ ઠાકરે સાથે ન જવું જોઈએ: શિવસેનાના પ્રધાન
‘પરિવાર વેકેશન પર ગયો હતો અને તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં કારણ કે તે એક પારિવારિક મામલો છે. પરંતુ હા, આવા સમયે તેમની લાંબી ગેરહાજરી પાર્ટી માટે સારી છબી નિર્માણ કરતી નથી,’ એમ તેમણે કહ્યું હતું.
પાર્ટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમને પ્રવાસ કાર્યક્રમની જાણકારી નથી, પરંતુ તેઓ (ઠાકરે) હવે દેશમાં પાછા ફર્યા છે.’
ઉલ્લેખનીય છે કે, પહલગામ હુમલા પછી શિંદે મહારાષ્ટ્રથી પ્રવાસીઓને પરત લાવવા માટે જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયા હતા.
શિવસેનાએ પણ આ હેતુ માટે ખાસ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી હતી, અને નાયબ મુખ્ય પ્રધાન આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને પણ મળ્યા હતા.
આ પણ વાંચો: ‘કહેવું સહેલું, કરવું મુશ્કેલ’: ઉદ્ધવ-રાજ ઠાકરેના પુન:મિલનની ચર્ચાઓ વેગ પકડી રહી છે, શિવસેના (યુબીટી) અને મનસેના નેતાઓ સાવધ નિવેદન આપે છે
બીજી તરફ, શિવસેના (યુબીટી) હુમલા પછી એક મહત્ત્વપૂર્ણ સર્વપક્ષી બેઠકમાં હાજર રહી શકી નહીં.
શિવસેના (યુબીટી)ના નેતા અરવિંદ સાવંતે પહેલા જણાવ્યું હતું કે તેઓ અને પાર્ટીના સાંસદ સંજય રાઉત બેઠકમાં હાજર રહ્યા ન હતા કારણ કે તેઓ સંસદીય સમિતિઓનો ભાગ હતા અને તે સમયે મુસાફરી કરી રહ્યા હતા.
ત્યારબાદ રાઉતે દાવો કર્યો કે સેના (યુબીટી)એ સર્વપક્ષી બેઠકમાં એટલે હાજરી નહોતી આપી, કારણ કે તેમની પાર્ટીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું રાજીનામું માંગ્યું હોત, જેનાથી વિપક્ષી સાથીઓ શરમજનક સ્થિતિમાં મૂકાયા હોત.
ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી સર્વપક્ષી બેઠકમાં હાજરી આપતા પહેલાં, રાઉતે કહ્યું કે તેઓ છેલ્લી સર્વપક્ષી બેઠકમાં હાજરી આપી ન હતી કારણ કે તેઓ સરકાર પાસેથી નક્કર કાર્યવાહી ઇચ્છતા હતા.
સાતમી મેના રોજ ભારતે બદલો લીધા પછી સેના (યુબીટી)એ સર્વપક્ષી બેઠકમાં હાજરી આપી હતી.
રાજકીય વિશ્લેષક અભય દેશપાંડેએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોની દ્રષ્ટિએ ઠાકરેની ગેરહાજરી સારી લાગતી નહોતી.
પહેલગામ હુમલા પછી તેણે પાછા આવવું જોઈતું હતું.
ઈન્ડિ ગઠબંધનના મુખ્ય ભાગીદાર હોવાને કારણે, સેના (યુબીટી)એ સર્વપક્ષી બેઠકમાં હાજરી આપવી જોઈતી હતી, પરંતુ તેમણે આની અવગણના કરી હતી.
રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈએ જણાવ્યું હતું કે, અવિભાજિત શિવસેના ભૂતકાળમાં કટોકટી દરમિયાન સક્રિય ભૂમિકા ભજવવા માટે જાણીતી હતી.
તેમણે કહ્યું હતું કે ઠાકરે પરિવારે તેમની યાત્રા ટૂંકાવવી જોઈતી હતી. આ રાજકીય નિરીક્ષકોની દૃષ્ટિએ સારું લાગતું નથી.
દેસાઈએ એમ પણ કહ્યું હતું કે, ‘પહલગામ હુમલા પછી જ્યારે સેના યુબીટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી, ત્યારે તેના નેતાઓ શું કરી રહ્યા હતા?’ તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ટોચના નેતાઓ વેકેશન પર હોય, તો તેનો અર્થ એ નથી કે આખી પાર્ટી રજા પર છે.
ભૂતકાળમાં અવિભાજિત શિવસેના જે રીતે વિરોધ કરતી હતી તે રીતે તેણે વિરોધ કર્યો નહીં.
પહલગામ હુમલા પછી ઠાકરે તરફથી કોઈ ટિપ્પણી આવી નહોતી, પરંતુ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યા પછી તેમણે સાતમી મેના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું.
જોકે, આદિત્ય ઠાકરેએ પહલગામ હુમલા બાદ ભારતે વળતો બદલો લેવો જોઈએ એવી ટિપ્પણી કરી હતી.
આવતા અઠવાડિયે ઠાકરે જાહેરમાં આવે રહે તેવી અપેક્ષા છે. રાઉતે કહ્યું કે તેઓ સત્તરમી મેના રોજ એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથે તેમના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઠાકરે હાજર રહેશે.