15 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ફરી એસટી બસો થશે ૩-૨ સીટવાળી
મહેસુલ અને પ્રવાસીઓની સંખ્યા વધારવાનો એસટીનો પ્રયાસ

મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ની બસમાં ૧૫ વર્ષ બાદ ફરીથી હવે ૩-૨ સીટની વ્યવસ્થા જોવા મળશે. પ્રવાસીઓની ક્ષમતા અને મહેસૂલ વધારવા માટે એસટી પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
ગયા અઠવાડિયાની શરૂઆતમાં એસટી બોર્ડે હાલની ૨-૨ સીટવાળી બસના બદલે ૩-૨ સીટવાળી ૩,૦૦૦ બસ ખરીદી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી, એમ તેમણે કહ્યું હતું.
3-2 સીટવાળી બસથી એસટી પ્રશાસનને વધુ મહેસૂલ મળશે તથા પ્રવાસીઓને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના પ્રવાસીઓને સુવિધાપૂર્ણ પ્રવાસ ઉપલબ્ધ થશે, એમ રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું.
આ પણ વાંચો: એસટીના સ્ટાફે પ્રવાસી સેવાને ભગવાનની સેવા ગણવી જોઈએ: એકનાથ શિંદે
‘અગાઉ બસમાં ૫૨-૫૫ સીટ હતી જે ઘટીને ૪૦ થઇ ગઇ હતી. તેથી બસની જરૂરિયાત વધી ગઇ, પણ બસની એક ટ્રિપની કમાણીમાં ઘટાડો થયો. તેથી અમે ફરી ૩-૨ સીટની વ્યવસ્થાવાળી બસ દોડાવવાનું નક્કી કર્યું છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સીટમાં વધારો થવાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. પ્રવાસીઓ વધતા ખોટ ખાતી એસટીને વધુ આવક થશે. તેથી આ બહુ મહત્ત્વનો નિર્ણય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કર્ણાટક મોડેલ પર એસટીની નવી સેવા? પરિવહન પ્રધાનનો સંકેત
એસટીના કાફલામાં ૧૫,૦૦૦ બસ છે, જેમાંથી ૧૨,૫૦૦ બસ સામાન્ય છે. એસટી એ દેશનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. પડોશી રાજ્યમાં સામાન્ય બસોમાં હજી પણ ૩-૨ સીટવાળી બસ જ જોવા મળે છે. કર્ણાટકમાં પ્રશાસનની સેમી-લકઝરીમાં પણ બેઠકોની આવી જ વ્યવસ્થા છે.