નેશનલ

આ ખેડૂતો મગરમચ્છને લઇને વીજકાપની ફરિયાદ કરવા કેમ પહોંચ્યા?

કર્ણાટકના વિજયપુરામાં ખેડૂતોએ વીજકાપ સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સતત વીજળી ન મળવાને કારણે ત્રાહિત ખેડૂતોએ કર્ણાટક સરકાર દ્વારા સંચાલિત વીજળી પૂરી પાડનાર એકમ હેસકોમ(હુબલી ઇલેક્ટ્રિસીટી સપ્લાય કંપની લિમિટેડ)ના કાર્યાલયમાં મગરમચ્છ લઇને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. વીજકાપથી કર્ણાટકના અનેક ખેડૂતો પરેશાન છે, દિવસે પૂરતી વીજળી ન મળવાને કારણે ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવું પડે છે અને તેમને જંગલી જનાવરો અને સાપ સહિત જીવજંતુઓનો ત્રાસ પણ વેઠવો પડે છે.

ગત સપ્તાહે એક ખેડૂતને તેના ખેતરમાં એક મગરમચ્છ દેખાયો. ખેડૂત બિચારો આખો દિવસ વીજળીની રાહ જોતો બેસી રહ્યો પરંતુ છેક રાત્રે વીજળી આવતા તે પાકને પાણી આપવા ગયો હતો. કૃષ્ણા નદીમાંથી શિકાર માટે મગર ભટકતો ભટકતો આ ખેડૂતના ખેતરમાં આવી ચડ્યો હતો. જો કે મગરને જોતાવેંત ખેડૂતે તેના સાથી ખેડૂતોને બોલાવ્યા હતા અને તેમણે કોઇ પ્રકારે મગરને બાંધી દીધો હતો. જો ખેડૂતોને વ્યવસ્થિત રીતે વીજળી, પાણી જેવી સગવડો મળતી હોત તો તેમને આ પ્રકારે જીવના જોખમે ખેતરમાં કામ ન કરવું પડ્યું હોત. આમ વીજકાપ અંગે ફરિયાદ કરવા ખેડૂતોએ આ મગરને પણ કાર્યાલયમાં લઇ ગયા અને પ્રતીકાત્મક રીતે તેમને વીજકાપથી થતી તકલીફો અંગે ફરિયાદ કરી. અધિકારીઓએ પોલીસ તથા વનવિભાગને બોલાવી મગરમચ્છ સોંપી દીધો હતો.

અધિકારીઓએ ખેડૂતોને વીજકાપની સમસ્યા અંગે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું અને મામલો થાળે પડ્યો હતો. વનવિભાગના અધિકારીઓએ મગરને અલ્માટી ડેમમાં છોડી દીધો હતો. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે ઓછા વરસાદને કારણે કર્ણાટકમાં ખેતીને નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે સિંચાઈનું પાણી છોડવા માટે ડેમોમાં પૂરતું પાણી નથી. ખેડૂતો તેમના ખેતરોની સિંચાઈ માટે બોરવેલ પર આધાર રાખે છે. ખેતી માટે વીજળીના વધુ પડતા ઉપયોગને કારણે વીજળીની અછત છે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button