નવી દિલ્હીઃ વર્લ્ડકપ-2023નો ખુમાર દરેક ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો છે પરંતુ ટીમ ઈન્ડિયાને અને એના ફેન્સ માટે ચિંતા કરાવે એવા સમાચાર બેંગ્લોરની ક્રિકેટ એકેડમીથી આવી રહ્યા છે. આ સમાચાર ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા સંબંધિત છે.
મળી રહેલી માહિતી પ્રમાણે પંડ્યા આ રવિવારે ઈન્ડિયા- ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી મેચમાં રમતો નહીં જોવા મળે, કારણ કે તેને ઘૂંટણમાં થયેલી ઈજા હજી સાજી થઈ નથી. પરંતુ એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે કે ભારતીય ટીમનો આ ઓલરાઉન્ડર 5મી નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને ત્યાર બાદ નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપની છેલ્લી બે લીગ મેચમાં રમતો જોવા મળશે.
એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાને ગયા અઠવાડિયે પુણે ખાતે રમાયેલી બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન પગની ઘૂંટણમાં ઈજા પહોંચી હતી અને એને કારણે તેને સારવાર માટે બેંગલોરમાં લઈ જવાયો હતો. તે હજી સુધી સંપૂર્ણપણે સાજો થયો નથી અને તેણે બોલિંગ કરવાનું શરૂ કર્યું નથી.
મેડિકલ ટીમ બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં તે સારવાર લઈ રહ્યો છે અને તે નવેમ્બર મહિનામાં મુંબઈ કે પછી કોલકાતામાં ટીમ ઈન્ડિયાને જોઈન કરે એવી આશા સેવાઈ રહી છે.
ભારતીય ટીમ મેનેજમેન્ટ પંડ્યાને પાછા ગ્રાઉન્ડ પર લાવવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા માંગતું નથી. ટીમને એવી આશા છે કે તે છેલ્લી બે લીગ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ હશે. ટીમ ઈન્ડિયા હાલમાં એકદમ ફોર્મમાં છે અને એટલે જ ટીમ મેનેજમેન્ટ એવું ઇચ્છે છે કે પંડ્યા સેમિફાઇનલમાં રમવા માટે સંપૂર્ણ પણે ફિટ હોય એ ખુબ જ જરૂરી છે, પરીણામે પંડ્યાને ફીટ થવા માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા 22મી ઓક્ટોબરના રોજ ધર્મશાળામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહોતો રમ્યો અને તેને સારવાર માટે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઇંગ્લેન્ડના નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. આ પહેલાં એવી શક્યતા વ્યકત કરાઈ રહી હતી કે પંડ્યા ઈંગ્લેન્ડ સામેની 29મી ઓક્ટોબરની મેચમાં રમશે, પણ હવે ટેસ્ટ અને સ્કેન બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે તે પાંચમી નવેમ્બરથી પાછો ઓનગ્રાઉન્ડ રમતો જોવા મળશે.
Taboola Feed