નેશનલ

મહારાજ, અમે મોડું કર્યું, પણ હવે તમારો સાથ નહીં છોડીએ

સિંધિયાના મહેલમાં જઇને ભાજપમાં સામેલ થયા કૉંગ્રેસી નેતા

ગ્વાલિયરઃ મધ્યપ્રદેશમાં વિજયાદશમીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શિવપુરી અને અશોકનગર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્વાલિયરના મહેલમાં આ કોંગ્રેસીઓને ભાજપની સદસ્યતા આપી હતી. આ દરમિયાન ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓ ખરાબ રીતે પસ્તાતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે સિંધિયાની સાથે જ તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવું જોઈતું હતું. તેમની ભૂલ થઇ ગઇ, પણ હવે અમે અમારા નેતા સિંધિયાને ક્યારેય નહીં છોડીએ.

ઉલ્લેખનીય છે કે દશેરાના દિવસે, અશોકનગરની આશા દોહરે, નગરપાલિકામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા અનિતા જૈન અને પ્રદેશ કોંગ્રેસ સચિવ રાકેશ જૈને ગ્વાલિયરના જય વિલાસ પેલેસમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સામે ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.


આ સમય દરમિયાન, રાકેશ જૈને પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને લાગણીશીલ ભાવે જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યું હતું કે, “મહારાજ, અમે ભાજપમાં જોડાવામાં મોડું કર્યું છે, પણ હવે હું તમને મારા જીવનમાં ક્યારેય નહીં છોડું. આ સિવાય રાકેશ જૈને કોંગ્રેસ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે કમલનાથ અને દિગ્વિજયે ગેમ રમી છે. પહેલા લોકોને આશ્વાસન આપ્યું, કોંગ્રેસમાં જોડાવ્યા અને પછી ટિકિટ જ નહીં આપી.


આ દરમિયાન અનિતા જૈને પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું કૉંગ્રેસ છોડીને મહારાજ સાથે નહીં આવી એ મારી મોટી ભૂલ હતી. હું 30 વર્ષ સુધી કોંગ્રેસમાં હતી, પરંતુ આજે જ્યારે હું મહારાજ સાથે ભાજપમાં જોડાઇ ત્યારે મારા હૃદય પરથી બોજ ઊતરી ગયો હતો.” જ્યારે આશા દોહરાએ કહ્યું કે, “મહારાજે જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે અમે તેમનું દર્દ સમજી શક્યા નહીં. અમે દુઃખી હતા અને મહારાજ પણ દુઃખી હતા. પરંતુ આજે અમે તેમની પીડાને સમજી શક્યા છીએ.


આ અવસર પર સિંધિયાએ કહ્યું કે કોઈ કારણોસર આ લોકો અમારી સાથે નહોતા આવ્યા પરંતુ આજે તેઓ અમારી સાથે આવ્યા છે અને અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીએ છીએ.


નોંધનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ માર્ચ 2020માં બળવો કર્યો હતો અને મધ્યપ્રદેશની સત્તાધારી કોંગ્રેસ સરકારને તોડી પાડી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સિંધિયાએ તેમના સમર્થક વિધાન સભ્યોની મદદથી રાજ્યમાં ભાજપની સરકાર બનાવી છે. ભાજપે પણ સિંધિયાનું મહત્વ ઓળખ્યું છે અને તેમની યોગ્ય કદર કરી છે. બીજેપી હાઈકમાન્ડે સિંધિયાને રાજ્યસભા દ્વારા સંસદમાં મોકલ્યા હતા અને હવે તેઓ કેન્દ્રમાં મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button