
નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદૂર શરુ કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી છે, છતાં પાકિસ્તાન સુધારવાનું નામ નથી લઇ રહ્યું. આજે સતત બીજી રાત્રે પાકિસ્તાને ભારત પર ડ્રોન્સ છોડ્યા છે. અહેવાલ મુજબ પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતના ભૂજ સુધી ડ્રોન હુમલા કર્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC નજીકના 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે છોડવામાં આવેલા ડ્રોન્સમાં શંકાસ્પદ રીતે સશસ્ત્ર ડ્રોન્સ સામેલ છે, જે નાગરિક અને લશ્કરી મથકો માટે સંભવિત ખતરો છે. બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલામાં પાકિસ્તાને છોડેલા ડ્રોન્સ જોવા મળ્યા ના અહેવાલ છે.
એરબેઝ પર હુમલાનો પ્રયાસ:
જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સ્થિત એરબેઝ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, ભારત દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરમાં નવ અને બાડમેરમાં એક ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. અમૃતસરમાં ભારે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે.
જમ્મુના વિસ્ફોટો સંભળાયા:
જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ વિસ્ફોટો સંભળાયો હોવાની જાણ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, “હું જ્યાં છું ત્યાંથી હવે વિસ્ફોટોના અવાજો, કદાચ ભારે તોપમારાનો અવાજ સંભળાઈ રહ્યો છે.” બીજી એક પોસ્ટમાં, તેમણે જમ્મુ અને તેની આસપાસના લોકોને આગામી થોડા કલાકો સુધી ઘરની અંદર રહેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.
પંજાબમાં ત્રણ લોકો ઘાયલ:
પંજાબના ફિરોઝપુરમાં એક સશસ્ત્ર ડ્રોન દ્વારા નાગરિક વિસ્તારને નિશાન બનાવવા આવ્યો હોવાનો અહેવાલ છે. જેના કારણે એક સ્થાનિક પરિવારના ત્રણ સભ્યોને ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે, જેમાંથી એક મહિલાની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.