
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF) એ શુક્રવારે પાકિસ્તાનને આપવામાં આવતા 1 બિલિયન ડોલરના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામની સમીક્ષા કરી હતી, આ સાથે 1.3 બિલિયનના ડોલરના નવા રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી (RSF) લોન પર વિચાર કર્યો. ભારતે પાકિસ્તાનને 2.3 બિલિયન ડોલરની નવી લોન આપવાના IMF આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. ભારતનો આરોપ છે કે પાકિસ્તાન આ ભંડોળનો દુરુપયોગ સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા કરી શકે છે. ભારતના વિરોધ છતાં IMF એ પાકિસ્તાન માટે 1 બિલિયન ડોલર લોન મંજૂર કરી છે.
ભારત IMFનું સક્રિય સભ્ય છે, ભારતે IMF દ્વારા પાકિસ્તાનને અપાતી લોનની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે પાકિસ્તાનના નબળા ટ્રેક રેકોર્ડને હાઈલાઈટ કર્યો હતો. ભારતે ધ્યાન દોર્યું હતું કે પાકિસ્તાન IMF પાસેથી વારંવાર ઉધાર લેતું રહ્યું છે, અને છેલ્લા 35 વર્ષોમાંથી 28 વર્ષોમાં તેને લોન આપવામાં આવી હતી.
ભારતે કહ્યું, “છેલ્લા પાંચ વર્ષમાં, પાકિસ્તાનમાં ચાર IMF પ્રોગ્રામ્સ થયા છે. જો અગાઉના પ્રોગ્રામ્સ સફળ થયા હોત, તો પાકિસ્તાનને બીજા બેલઆઉટની જરૂર ન પડી હોત.”
પાકિસ્તાન PMO નું નિવેદન
પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય PMO) એ એક નિવેદનમાં કહ્યું, “વડાપ્રધાન શેહબાઝ શરીફે IMF દ્વારા પાકિસ્તાન માટે 1 બિલિયન ડોલરના લોનની મંજૂરી બાબતે અને તેની સામે ભારતની ચાલાકી ભરી રણનીતિઓની નિષ્ફળતા પર સંતોષ વ્યક્ત કર્યો છે”
પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે:
કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે એક જવાબદાર સભ્ય તરીકે, પાકિસ્તાનમાં ફંડ દુરુપયોગના ઇતિહાસને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાનમાં IMF પ્રોગ્રામ્સની અસરકારકતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ધિરાણનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવા માટે કરતું હોવાનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતે દલીલ કરી હતી કે સરહદ પાર આતંકવાદને સતત સમર્થન આપવા બદલ પાકિસ્તાનને આ લોન આપવાથી વૈશ્વિક સ્તરે ખોટો સંદેશ જાય છે, IMFની પ્રતિષ્ઠા જોખમમાં મુકાય છે અને વૈશ્વિક મૂલ્યો નબળા પડે છે.
IMF એ ભારતની ચિંતાઓને સ્વીકારી હતી, છતાં IMFએ પાકિસ્તાનની લોન મંજુર કરી હતી. ભારતે મતદાન કર્યું ન હતું.
આપણ વાંચો : સેના ભારતના ડ્રોન હુમલા રોકી કેમ ન શકી? પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપ્યો હાસ્યાસ્પદ જવાબ…