‘હવે હુમલા બંધ કરો, બાળકો મરી રહ્યા છે’, મહેબૂબા મુફ્તીએ શાંતિ માટે અપીલ કરી…

શ્રીનગર: ભારતીય સેનાએ ઓપરેશ સિંદૂર શરુ કર્યા બાદ પાકિસ્તાની સેનાએ LoC પારથી જમ્મુ અને કાશ્મીરના ગામો પર ગોળીબાર અને શેલીંગ શરુ કર્યું હતું, જેમાં 4 બાળકો સહીત 15 લોકોના મોત થયા હતાં. આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના વડા અને જમ્મુ અને કશ્મીર(Jammu and Kashmir)ના પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી(Mehbooba Mufti)એ શોક વ્યક્ત કયો હતો. તેમણે ભારત અને પાકિસ્તાનને તણાવ ઘટાડવા માટે પણ અપીલ કરી.
મહેબૂબા મુફ્તીએ ભારત અને પાકિસ્તાનને એકબીજા પર હુમલા બંધ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધમાં નિર્દોષ બાળકો મરી રહ્યા છે, આ બાળકો અને સ્ત્રીઓનો શું વાંક છે?
‘…દુનિયાના વિનાશનો માર્ગ ખુલી શકે છે’
મહેબૂબા મુફ્તીએ કહ્યું, ‘પુલવામા હોય કે પહેલગામ, આ ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે આપણો દેશ કેવી રીતે વિનાશના માર્ગે પહોંચ્યો હતો. જો પરિસ્થિતિ આમ જ ચાલુ રહી તો આખી દુનિયાના વિનાશનો માર્ગ ખુલી શકે છે. લશ્કરી કાર્યવાહી દ્વારા (આતંકવાદના)રોગના મૂળ કારણ સુધી પહોંચી શકાતું નથી. તેનાથી શાંતિ સ્થાપિત થઈ શકતી નથી.”
મહેબૂબા મુફ્તીએ કહ્યું, ‘આપણો દેશ આખી દુનિયામાં એક મોટી સત્તા તરીકે ઉભરી રહ્યો છે. પાકિસ્તાનની આંતરિક સ્થિતિ સારી નથી. આવી સ્થિતિમાં, બંને દેશોએ રાજકીય હસ્તક્ષેપનો પ્રયાસ કરવો જોઈએ.’
હુમલા બંધ કરવા અપીલ:
તેમણે કહ્યું કે પુલવામા હુમલા પછી બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ત્યારે શું થયું. એ જ રીતે, પહેલગામ પછી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેથી હું બંને દેશોને વિનંતી કરું છું કે તેઓ આ હુમલાઓ બંધ કરે. આ લડાઈમાં બાળકો માર્યા જઈ રહ્યા છે. આ બંને બાજુ થઈ રહ્યું છે. અંતે, આ ક્યાં સુધી ચાલુ રહેશે? તેમણે કહ્યું, “મેં એક ક્ષણે જોડિયા બાળકોને રમતા જોયા અને બીજી ક્ષણે તેમના શરીર લોહીથી લથપથ જોયા. આ બાળકો અને સ્ત્રીઓનો શું વાંક છે જે ક્રોસફાયરમાં મરી રહ્યા છે?”
બંને દેશના વડાપ્રધાનને વાત કરવા અપીલ:
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે બંને દેશો દ્વારા અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. હવે જ્યારે બંનેએ બદલો લઇ લીધો છે, તો યુદ્ધ બંધ કરી દેવું જોઈએ. આપણા બાળકોને કેમ મારી નાખવામાં આવી રહ્યા છે? મારા લોકોનું લોહી કેમ વહડવવામાં આવી રહ્યું છે? તેમણે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું હતું કે હવે યુદ્ધનો યુગ પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં, બંને દેશોના વડા પ્રધાનોએ ફોન પર વાત કરવી જોઈએ.”
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આપણા સરહદી વિસ્તારોમાં ગભરાટનો માહોલ છે. હું વિનંતી કરું છું કે આ બંધ થવું જોઈએ. આ માનવતા વિરુદ્ધ છે.
આપણ વાંચો : પાકિસ્તાનના હુમલાને બનાવ્યા નિષ્ફળઃ ‘નાપાક’ના જુઠ્ઠાણાનો સેનાએ કર્યો પર્દાફાશ