મોસમી વરસાદથી બોટોને નુકસાન થયા બાદ પાલઘરના સાંસદે માછીમારો માટે ખાસ નાણાકીય પેકેજ માગ્યું

પાલઘર: વર્તમાન નિયમો હેઠળ વરસાદને કારણે થયેલા નુકસાન માટેનું વળતર અપૂરતું છે અને મહારાષ્ટ્ર સરકારે પાલઘર જિલ્લાના માછીમાર સમુદાયને ખાસ પેકેજ આપવું જોઈએ, એમ સ્થાનિક સાંસદ હેમંત સાવરાએ ગુરુવારે જણાવ્યું હતું.
મંગળવારે રાત્રે ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદથી બોટો, જાળી અને માછીમારીના અન્ય સાધનોને મોટું નુકસાન થયું હતું જ્યારે અનેક ઘરોનાં છાપરાં ઉડી ગયા હતા, એમ તેમણે કેટલાક અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું.
આપણ વાંચો: શ્રીલંકાના નૌકાદળે તામિલનાડુના 37 માછીમારોની ધરપકડ કરી
‘હાલના સરકારી નિયમો હેઠળ નુકસાન પામેલી બોટો માટે આપવામાં આવેલી સહાય ખૂબ જ અપૂરતી છે,’ એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મત્સ્ય વિભાગનો સંપર્ક કર્યો છે અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ચક્રવાત તૌકતેના ધોરણે એક ખાસ નાણાકીય પેકેજની માગણી કરી છે. સાંસદે જણાવ્યું હતું કે જિલ્લાના અન્ય તાલુકાઓમાં ઘરો અને ખેતીને થયેલ નુકસાન પણ ગંભીર છે.
સરકારે અગાઉ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી પ્રભાવિત વિસ્તારોનો સર્વે કરવા માટે વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ મોકલવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ભારે પવન સાથે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને લગભગ 800 ઘરો અને 50 હોડીઓને નુકસાન થયું હતું.