ખરીદીને બહાને શો-રૂમમાંથી રોકડ ચોરનારું યુવાન દંપતી પકડાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશના વિવિધ વિસ્તારોમાં આવેલા શો-રૂમમાં ખરીદીને બહાને જઈને કૅશ કાઉન્ટર પરથી રોકડ ચોરી રફુચક્કર થઈ જનારા યુવાન દંપતીને પોલીસે ગોરેગામથી પકડી પાડ્યું હતું.
ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મિલન બૈજુ વથિયત (24) અને અતુલ્ય મિલન વથિયત (21) તરીકે થઈ હતી. આરોપી દંપતી કેરળના ત્રિશૂર જિલ્લામાં મનકોડી ખાતેનું વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: સુરક્ષાવ્યવસ્થાની ફજેતી: પોલીસની હાજરીમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાનનો મોબાઈલ ચોરાયો
પોલીસના જણાવ્યા મુજબ દંપતી સવારના સમયે મોટા શો-રૂમમાં ખરીદીને બહાને જતું હતું, કેમ કે તે સમયે લોકોની અવરજવર ઓછી હોય. વસ્તુ-કપડાં જોવાને બહાને અતુલ્ય શો-રૂમના સેલ્સમેનને વાતોમાં પરોવી રાખતી હતી.
તે સમયે તક ઝડપી મિલન કૅશ કાઉન્ટરના ડ્રોઅરમાંથી રોકડ ચોરી લેતો હતો. બાદમાં વસ્તુ કે કપડાં પસંદ ન પડ્યાં હોવાનું જણાવી દંપતી ત્યાંથી રવાના થઈ જતું હતું.
ખાર પશ્ર્ચિમમાં લિન્કિંગ રોડ પર આવેલો જાણીતી ડિઝાઈનર બ્રાન્ડનાં કપડાંના શો-રૂમમાં પહેલી મેની સવારે 10 વાગ્યે ખૂલ્યા પછી 10.45 વાગ્યે આરોપી ત્યાં ગયા હતા.
આપણ વાંચો: મીરા રોડની હૉસ્પિટલમાંથી 21 લાખની રોકડ ચોરનારા બે ભૂતપૂર્વ કર્મચારી પકડાયા…
કપડાની વેરાયટી દેખાડવાને બહાને અતુલ્યએ સેલ્સમેનને વાતોમાં પરોવી રાખ્યો હતો. એ સમયે મિલને ડ્રોઅરમાંથી 54 હજાર રૂપિયા સેરવી લીધા હતા. આરોપીના ગયા પછી સેલ્સમેને રોકડ તપાસતાં આ ચોરી સામે આવી હતી.
ખાર પોલીસે ગુનો નોંધી શો-રૂમના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજને આધારે બન્નેની ઓળખ મેળવી હતી. આરોપી ગોરેગામના ઑબેરોય મૉલમાં આવવાના હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું. બુધવારે બન્નેને તાબામાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછમાં ચાર ગુના ઉકેલાયા હતા. જોકે દંપતીએ આ રીતે દિલ્હી, ભોપાલ, ચેન્નઈ, બેંગલુરુ, જબલપુર, પોન્ડિચેરી, પનવેલ, કલ્યાણ, નાગપુર, નાશિક, થાણેમાં પણ આવા પ્રકારના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.